આજે સવારે બિહારના પટનાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પક્ષી અથડાવાને કારણે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ વિમાનમાં 169 મુસાફરો સવાર હતા.
વિમાનને પટનાના જયપ્રકાશ નારાયણ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું. ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E5009 પટનાથી દિલ્હી આવી રહી હતી. હાલમાં, વિમાનને સુધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પટના એરપોર્ટના ડિરેક્ટરનું કહેવું છે કે બધા મુસાફરો સુરક્ષિત છે. ટેકઓફ પછી તરત જ વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.
પટના એરપોર્ટ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પટનાથી દિલ્હી જતી ફ્લાઇટ IG05009 એ સ્થાનિક સમય મુજબ સવારે 8.42 વાગ્યે ઉડાન ભરી હતી પરંતુ ટેકઓફ કર્યા પછી તરત જ એક પક્ષી વિમાન સાથે અથડાયું હતું. તપાસ દરમિયાન રનવે પર એક મૃત પક્ષીના અવશેષો મળી આવ્યા હતા. વિમાનના એક એન્જિનમાં વાઇબ્રેશનને કારણે વિમાનને પટના પરત ફરવાનું કહેવામાં આવ્યું હતું. વિમાનને રનવે પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. બધા મુસાફરો સુરક્ષિત છે.