અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વેપાર કરાર અને ટેરિફને લઈને દુનિયાના દેશો પર ઉપરાછાપરી પ્રહારો કરી રહ્યા છે, જેનો પ્રતિકાર કરવામાં ચીન, રશિયા અને ભારત જેવા મોટા દેશો પણ ડરે છે. બાળકથામાં જ્યારે બિલાડી કબૂતરોનો શિકાર કરી રહી હતી ત્યારે ગભરાયેલા કબૂતરોની સભા મળી હતી અને તેમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે બિલાડીના ગળે ઘંટ બાંધવો જોઈએ, જેથી તે જ્યારે કબૂતરોનો શિકાર કરવા આવે ત્યારે ઘંટ વાગે અને કબૂતરો સાવધાન થઈને ઉડી જાય. ઠરાવ તો પસાર થઈ ગયો પણ મોટો સવાલ એ પેદા થયો કે બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે? કોઈ કબૂતરની બિલાડીના ગળે ઘંટ બાંધવાની હિંમત નહોતી.
આજે અમેરિકાનું સ્થાન દુનિયાના દેશોને પરેશાન કરતી બિલાડી જેવું છે. હમણાં જ ઈરાને તેનો સાક્ષાત અનુભવ કરી લીધો. કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર અમેરિકા ઈરાન પર ત્રાટક્યું અને ઈરાને જ્યારે વળતો પ્રહાર કરવાની કોશિષ કરી ત્યારે અમેરિકાએ તેને યુદ્ધવિરામ કરવા મજબૂર બનાવી દીધું. તાજેતરમાં બ્રાઝિલના પાટનગર રિયો ડી જાનેરોમાં બ્રિક્સના દેશોની શિખર પરિષદ યોજાઈ ગઈ, જેમાં પણ કબૂતરોની સભા જેવો ઘાટ થયો. આ શિખર પરિષદના અંતે જે નિવેદન બહાર પાડવામાં આવ્યું તેમાં અમેરિકા દ્વારા શરૂ કરવામાં આવેલી ટ્રેડ વોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પણ તેમાં અમેરિકાનું નામ લેવાની પણ હિંમત દેખાડવામાં આવી નહોતી.
રિયો ડી જાનેરોની ઘોષણામાં જણાવાયું છે કે બ્રિક્સના રાષ્ટ્રો એકપક્ષીય ટેરિફના વધતા ઉપયોગ પર ઊંડી ચિંતા વ્યક્ત કરે છે, જે વિશ્વ વેપાર સંગઠન (WTO)ના ધોરણોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આ ઉપરાંત આ ઘોષણામાં કહેવામાં આવ્યું છે કે એકપક્ષીય બળજબરીભર્યાં પગલાં લાદવા એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. આ નિવેદન WTO નિયમો અનુસાર વેપારની હિમાયત કરે છે. બ્રિક્સના દેશો અમેરિકાનું નામ લેતાં ડરે છે પણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બ્રિક્સના દેશોને નામજોગ ધમકી આપવામાં કોઈ ડર લાગતો નથી. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું હતું કે જે કોઈ દેશ બ્રિક્સની અમેરિકા વિરોધી નીતિઓ સાથે જોડાશે તેના પર વધારાનો ૧૦ ટકા ટેરિફ લાગશે.
આ નીતિમાં કોઈ છૂટ રહેશે નહીં. બ્રિક્સના સ્થાપક સભ્ય દેશોમાં ભારત તેમ જ રશિયા અને ચીનનો સમાવેશ થાય છે, જે વિશ્વની સૌથી શક્તિશાળી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. રશિયા અને ચીન એકબીજા સાથે તેમના ચલણોમાં વેપાર કરી રહ્યા છે અને વર્ષ ૨૦૨૨માં રશિયાએ બ્રિક્સના દેશો માટે એક નવી આંતરરાષ્ટ્રીય અનામત ચલણનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો બ્રિક્સના દેશો દ્વારા તેમનું સંયુક્ત ચલણ શરૂ કરવામાં આવે તો અમેરિકન ડૉલરના વિશ્વવ્યાપી આર્થિક સામ્રાજ્યને ફટકો પડે અને અમેરિકાનું અર્થતંત્ર ભાંગી પડે તેમ છે. આ કારણે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બ્રિક્સના દેશોને ધમકી આપવામાં આવી હતી કે જો બ્રિક્સના દેશો દ્વારા વૈકલ્પિક ચલણ શરૂ કરવામાં આવશે તો અમેરિકા તેમના પર ૫૦૦ ટકા ટેરિફ લાદશે. અમેરિકાની ધમકીની ધારી અસર થઈ છે.
રિયો ડી જાનેરોમાં યોજાયેલી શિખર પરિષદમાં વૈકલ્પિક ચલણ બાબતમાં કોઈ પ્રગતિ જોવામાં આવી નથી.બ્રિક્સનું કોઈ ભૌગોલિક અસ્તિત્વ નથી, કારણ કે તેમાં અલગ અલગ વિચારધારા ધરાવતા દેશો સામેલ છે. આ સંગઠન પાસે કોઈ રાજકીય શક્તિ નથી, પરંતુ ચીન જેવો શક્તિશાળી દેશ પણ તેમાં સામેલ છે, જે તેને ખાસ બનાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ શક્તિશાળી ન હોવા છતાં બ્રિક્સને ધમકી આપી રહ્યા છે, તેથી તેનું કારણ ડૉલરનો મુદ્દો છે. જ્યારે કોઈ પણ દેશ તેના ચલણમાં વ્યવસાય કરવાની વાત કરે છે, ત્યારે અમેરિકા તેને ધમકી આપે છે.
અમેરિકાએ ૨૦૧૨માં સોસાયટી ફોર વર્લ્ડવાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન (SWIFT) સિસ્ટમમાંથી ઈરાનને અને ૨૦૨૨માં રશિયાને બાકાત કરી નાખ્યું હતું. આ દેશો હવે ડૉલરમાં વ્યવહારો કરી શકતા નથી. ડૉલરનો ઉપયોગ આખી દુનિયામાં વિનિમયના માધ્યમ તરીકે થઈ રહ્યો છે પરંતુ એવું જોવા મળ્યું છે કે અમેરિકાએ તેનો ઉપયોગ હથિયાર તરીકે કરવાનું શરૂ કરી દીધું છે. જો ચીન કે રશિયા તેમના ચલણમાં વેપાર કરી રહ્યા હોય, તો તેનું કારણ એ છે કે અમેરિકાએ ડૉલરનો ઉપયોગ હથિયાર તરીકે કર્યો છે. જો ભારત પણ ચીન અને રશિયા સાથે જોડાઈ જાય તો અમેરિકાને જોરદાર ફટકો પડે તેમ છે, પણ ભારત દેશ અમેરિકાથી ડરતો હોવાથી તેમ થઈ શકતું નથી.
બ્રાઝિલના પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને બ્રિક્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંકના ભૂતપૂર્વ ઉપપ્રમુખ પ્રોફેસર પાઉલો નોગ્યુરો બતિસ્તાની એક ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં બ્રિક્સ સમિટના એક દિવસ પહેલાં પ્રોફેસર પાઉલોએ આરટીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઘણા લોકો કહે છે કે બ્રિક્સમાં ભારત ટ્રોજન હોર્સ છે. મોદી ઇઝરાયલ અને નેતન્યાહૂને કેવી રીતે ટેકો આપી શકે? મોદી નેતન્યાહૂ સાથે સારા સંબંધો કેવી રીતે રાખી શકે? જ્યારે ભારતના વડા પ્રધાન ગાઝામાં ઇઝરાયલના નરસંહારને ટેકો આપે છે ત્યારે ગાઝાના લોકો શું વિચારશે? ભારત ઇરાનના પાટનગર પર ઈઝરાયેલના હુમલાને કેવી રીતે ટેકો આપી શકે? ભારત ચીનથી ડરે છે અને તેથી જ તે અમેરિકાની નજીક રહે છે. બ્રિક્સમાં આ સૌથી મોટી નબળાઈ છે. ટ્રોજન હોર્સ એ ગ્રીક માન્યતાનું રૂપક છે. તેમાં દુશ્મનોએ તેમના હરીફોના સ્થાને એક મોટો લાકડાનો ઘોડો મોકલ્યો હતો. આ ઘોડાની અંદર સૈનિકો હતા. હરીફોને ખબર ન હતી અને તેમણે તે ઘોડાને તેમના છાવણીમાં આવકાર્યો હતો. તક મળતાં જ સૈનિકો ઘોડામાંથી બહાર આવ્યા હતા અને હુમલો કર્યો હતો. ભારતની સરખામણી ટ્રોજન હોર્સ સાથે થઈ રહી છે.
આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ભારતની હાલત ત્રિશંકુ જેવી થઈ ગઈ છે. ભારત અમેરિકા સાથે છે કે તેની સામે છે, તેની ખુદ ભારતને પણ ખબર નથી. બ્રિક્સને અમેરિકા વિરોધી જૂથ તરીકે જોવામાં આવે છે. ભારત તેનું સ્થાપક સભ્ય છે અને તેમાં ચીનની મુખ્ય ભૂમિકા છે. બીજી તરફ ભારત ક્વાડમાં પણ છે, જેને ચીન વિરોધી જૂથ તરીકે જોવામાં આવે છે. રશિયા અને ચીન ક્વાડ પર અસ્વસ્થતા વ્યક્ત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અમેરિકા અને ચીન વચ્ચે સંતુલન જાળવવું એ ભારત માટે મુશ્કેલ છે.
થોડાં અઠવાડિયા પહેલાં જ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સભ્ય દેશોના સંરક્ષણ પ્રધાનોની એક બેઠક ચીનમાં યોજાઈ હતી. આ બેઠક પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં ઈરાન પર ઈઝરાયલના હુમલાની નિંદા કરવામાં આવી હતી, પરંતુ ભારતે આ નિવેદનથી પોતાને દૂર રાખ્યું હતું. તેનું કારણ એ હતું કે તે ઈઝરાયેલને નારાજ કરવા નહોતું માગતું. રવિવારે બ્રિક્સ સમિટના સમાપન પછી ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાની નિંદા કરતું સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. ભારતે આ નિવેદન પર સહી કરી હતી. આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ઇઝરાયલે ગાઝામાંથી પોતાના સૈનિકો પાછા ખેંચી લેવા જોઈએ.
બ્રિક્સે ઇઝરાયલને કોઈપણ શરતો વિના કાયમી યુદ્ધવિરામ કરવાની અપીલ કરી છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે એક મહિનાથી ઓછા સમયમાં એવું શું બદલાયું કે ભારતે SCOમાં ઇઝરાયલની નિંદા કરવાથી પોતાને દૂર રાખ્યું અને તેને BRICS માં સ્વીકાર્યું? બ્રિક્સના નિવેદનમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી છે. આ નિવેદનમાં સરહદ પારના આતંકવાદનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં પાકિસ્તાનનું નામ લેવામાં આવ્યું નથી પરંતુ ભારતમાં સરહદ પારના આતંકવાદનો અર્થ પાકિસ્તાન થાય છે.
બીજી તરફ SCOના સંયુક્ત નિવેદનમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી નથી. કહેવાય છે કે એટલા માટે ભારતે સંયુક્ત નિવેદનથી પોતાને દૂર રાખ્યું હતું. ઘણા લોકો મોદી સરકારની ટીકા કરે છે અને કહે છે કે ભારતની વિદેશ નીતિ બહુ સ્પષ્ટ નથી. ઉલટાનું તે ઘણી બાબતોમાં મૂંઝવણભરી લાગે છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ભારતે ઈરાન પરના હુમલાની ટીકા ન કરી તેની ઘણા રાજકીય પંડિતો ટીકા કરી રહ્યા છે, કારણ કે ઈરાન ભારતનું પરંપરાગત સહયોગી રહ્યું છે. એક તરફ ચીન અને રશિયા છે તો બીજી તરફ અમેરિકા અને ઈઝરાયેલ છે. ભારતની હાલત હવામાં લટકતાં ચામાચીડિયાં જેવી છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.