સુરત: સચિન સ્ટેશન બજારમાં આવેલી શ્રીનાથજી જવેલર્સમાં ચાર લુંટારૂઓ દ્વારા લુંટની ઘટનાને અંજામ આપ્યા બાદ માલિકની હત્યા કરી દેવાની ઘટનાને પગલે શહેરને હચમચાવી દીધું છે. ઘટનાને પગલે પોલીસ દ્વારા જવેલર્સનાં માલિક પર ગોળીબાર કરીને નાસી છૂટી રહેલા ચાર પૈકી એક આરોપીને સ્થાનિકોએ ઝડપી પાડ્યો હતો.જયારે આ ઘટનામાં અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
શહેરના સચીન સ્ટેશન બજાર ખાતે આવેલી શ્રીનાથ જવેલર્સમાં સોમવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ લાલ કલરની ટોપી પહેરેલ આરોપી હાથમાં પિસ્ટલ લઈને આવ્યો હતો અને તેની સાથે સાથે અન્ય ત્રણ ઈસમો પણ દુકાનમાં ઘસી આવ્યા હતા.લુંટારૂઓએ દુકાનનાં માલિક વિશાલભાઇ રાજપરાને ઈધર કોને મે ખડા રહે જા કહીને તથા હાજર મહિલા કર્મચારી તેમજ રોહિત સોનીને પિસ્ટલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ દુકાનના લોકરમાં તેમજ દુકાનના ટેબલના ખાનામાં રાખેલ અલગ અલગ પ્રકારની આશરે 10 લાખથી વધુની કિંમતની સોનાની બનાવટની જવેલરી બોક્ષ તેમને સાથે લાવેલ સફેદ તથા કાળા કલરની લાઇન વાળા બેગમાં ઘરેણાં ભરીને નાસી છૂટવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.આ દરમિયાન જવેલર્સ માલિકનો મોટો ભાઈ આશિષ રાજપરા દુકાન તરફ ઘસી આવતાં આરોપીઓએ તેમના પર બે-ત્રણ વખત ગોળીબાર કરી દીધો હતો.જેને પગલે આશિષ રાજપરા ઘટના સ્થળે જ ઢળી પડ્યા હતા.આ દરમિયાન લૂંટ કરીને નાસી છૂટેલા ચાર પૈકી એક ઈસમને સ્થાનિકોએ ઝડપી પાડતાં અન્ય ત્રણ લૂંટારૂઓએ શાકભાજી વેંચતા નઝીમ શેખ સહિત અનુપ સોની પર પણ ગોળીબાર કર્યો હતો.આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.પોલીસ ઉચ્ચાધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો.હાલમાં પોલીસ દ્વારા સીસીટીવીનાં આધારે નાસી છૂટેલા ત્રણેય આરોપીઓનું પગેરૂં ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જ્યારે સ્થાનિકોના હાથે ઝડપાયેલા આરોપીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
સચીન બજારમાં વેપારીની હત્યા બાદ આક્રોશ:અસંખ્ય દુકાનો બંધ
સોમવારે રાત્રે સચીન રેલવે સ્ટેશન પાસે આવેલા શ્રીનાથજી જવેલરી શોપમાં લૂંટના ઇરાદે ઘૂસેલા લૂંટારૂએ દુકાનદાર પર ફાયરિંગ કરીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.આ દુઃખદ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી છવાઈ ગઈ છે.આ ઘટનાની કટુક પ્રતિક્રિયા તરીકે મંગળવારે સચીન બજારની અસંખ્ય વેપારીઓએ પોતાની દુકાનો સ્વયંભૂ બંધ રાખી હતી.વેપારીઓ અને સ્થાનિક લોકોએ સુરક્ષા વ્યવસ્થાઓને લઇને નારાજગી વ્યક્ત કરી હતી.બીજી તરફ સ્થળ પર પોલીસની ટીમે બંદોબસ્ત ગોઠવી તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે અગાઉ પણ આ વિસ્તારમાં બેંક લૂંટ જેવી ગંભીર ઘટનાઓ બની ચૂકી છે, જેના કારણે વેપારીઓમાં ભયનો માહોલ છે.
આરોપીઓને પકડવા પોલીસે છ ટીમો બનાવી
સચિન રેલવે સ્ટેશન પાસે આવેલી ભરાતા બજારમાં સોમવારે રાત્રે શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટના ઈરાદે ઘૂસેલા ચારથી પાંચ લૂંટારૂઓએ દુકાનના માલિક આશિષ રાજપરાની ગોળી મારી હત્યા કરી દીધી.આ ઘટના સમગ્ર શહેરમાં ચકચાર જગાવતી થઈ છે અને રાજ્યભરમાં ગંભીર પ્રતિસાદ મળ્યો છે.જેમાં લૂંટારૂઓ રાત્રે નવ વાગ્યાના સમયે દુકાનમાં ઘૂસ્યા અને તમંચાની અણીએ ઘરેણાંની લૂંટ ચલાવી હતી.માલિક આશિષભાઈ અને દુકાનના અન્ય કર્મચારીઓએ લૂંટારૂઓનો વિરોધ કર્યો,જેના પરિણામે એક લૂંટારૂએ આશિષભાઈ ઉપર ગોળી ફાયર કરી તેમની હત્યા કરી નાખી હતી.હંગામોં સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એક લૂંટારૂને પકડીને મારમારી અધમુઓ કરી દીધો હતો. જયારે અન્ય લૂંટારૂઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા. ઘટનામાં એક મહિલા કર્મચારીને પગમાં ઇજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે.ઘટનાની ગંભીરતાને પગલે પોલીસ કમિશનર સહિત ડીસીબી,પીસીબી અને સ્થાનિક સચિન પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.પોલીસે ભાગેલા આરોપીઓનું પગેરું મેળવવા 6 અલગ અલગ ટીમો બનાવી છે.
સચિન સ્ટેશન વિસ્તારના સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ખરેખર કથળી ગઈ હોય એવું લાગી રહ્યું છે. શ્રીનાથજી જવેલર્સ માં લૂંટ વિથ મર્ડરની ઘટના બનતાંની સાથે જ વેપારીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સોમવારે રાત્રે આ સમાચાર આવતાંની સાથે જ અમારા આખા વિસ્તારની અંદર વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમે પોલીસ અને વહીવટી તંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ કે કાયદો વ્યવસ્થા યોગ્ય રીતે જળવાય રહે.
લૂંટ માટે ટિપ આપનારને પોલીસે પકડી પાડ્યો
ચકચારીત લૂંટ વિથ મર્ડરની ઘટના અંગે એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે લૂંટારાઓને સુરતમાં આશરો આપનાર અને લૂંટ માટે ટિપ આપનારને પોલીસે ઝડપી પૂછપરછ શરૂ કરી છે. બનાવ બન્યો ત્યારે મૃતક આશિષ રાજપરા બાજુની દુકાનમાં હાજર હતા, જોકે પોતાના લેપટોપમાં લાઈવ સીસીટીવીમાં દુકાનમાં લૂંટ થયાની જાણ થતાં તેઓ દોડી ગયા હતા.આશિષ રાજપરાએ લૂંટારાઓને રોકવાનો પ્રયાસ કરતા તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું, જેમાં તેમનું મોત નીપજ્યું હતું.