શહેરના સચીન વિસ્તારમાં આવેલી જ્વેલરી શોપમાં સોમવારની રાત્રે લૂંટ થઈ હતી. લૂંટારાના રોકવાનો પ્રયાસ કરનાર જ્વેલરી શોપના માલિક જ્વેલર્સ પર લૂંટારાઓએ ફાયરિંગ કર્યું હતું. જેમાં જ્વેલર્સનું મોત થયું હતું. લોકોએ એક લૂંટારાને પકડીને માર માર્યો હતો. હવે આ લૂંટ વિથ મર્ડરનો લાઈવ વીડિયો સામે આવ્યો છે.
સચીન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં 7 જુલાઈએ રાત્રિના સમયે થયેલી લૂંટ અને મર્ડરની ઘટનાનો લાઈવ વીડિયો બહાર આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લૂંટારાઓ દાગીના ભરેલો થેલો લઈ ભાગી રહ્યા છે, ત્યારે જ્વેલર આશિષ રાજપરા દોડી આવે છે અને લૂંટારાઓને રોકવાનો પ્રયાસ કરે છે. ત્યારે લૂંટારાઓ આશિષ રાજપરા પર ફાયરિંગ કરે છે. ગોળી વાગતા આશિષ રાજપરા ઢળી પડે છે.
ફાયરિંગનો અવાજ સાંભળી લોકો ભેગા થઈ ગયા હતા. ભાગી રહેલાં લૂંટારાઓ પેકી એક લૂંટારાને ઝડપી ઢોર માર માર્યો હતો. પકડાયેલા લૂંટારાનું નામ દીપક પાસવાન હોવાની વિગતો સાંપડી છે. લૂંટારો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. લૂંટ વિથ મર્ડરની ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી છે. નાસી છૂટેલા ત્રણ લૂંટારાને ઝડપી પાડવા પોલીસે પાંચ ટીમની રચના કરી છે. લૂંટ માટે ટીપ આપનારને પોલીસે પકડી લીધો છે. તેની પૂછપરછ ચાલી રહી છે. ટિપ આપનાર હોજીવાલા એસ્ટેટમાં ચપ્પલ બનાવતી ફેક્ટરીમાં કામ કરે છે.
લૂંટ થઈ ત્યારે જ્વેલર આશિષ રાજપરા બાજુની દુકાનમાં હતા. પોતાના લેપટોપમાં લાઈવ સીસીટીવીમાં તેમણે જોયું કે દુકાનમાં લૂંટ થઈ રહી છે. તેથી તેઓ દુકાન તરફ દોડ્યા હતા. આશિષે લૂંટારાઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે લૂંટારાઓએ તેમની પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં તેનું મોત નિપજ્યું હતું. આશિષના માતા પિતા લંડન ફરવા ગયા છે. પુત્રના મોતની જાણ થતા સુરત આવવા રવાના થયા છે.
શાકભાજીવાળાને પગમાં ગોળી વાગી
લોકોએ લૂંટારાઓએ પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે લૂંટારાઓએ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક શાકભાજીવાળા નઝીમને પગમાં ગોળી વાગી હતી. છતાં લોકોએ હિંમતપૂર્વક એક લૂંટારાને ઝડપી પાડ્યો હતો અને માર માર્યો હતો.

પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?
આ ઘટના બની ત્યારે બાજુની દુકાનમાં હાજર અને ઘટનાને નજરે જોનારે કહ્યું કે બેથી ત્રણ લોકો રિવોલ્વર લઈને આવ્યા હતા. દુકાન બહાર અફરાતફરી મચી હતી. બહાર જઈને જોયું ત્યાં એક વ્યક્તિ હાથમાં રિવોલ્વર લઈને ઊભી હતી. જે વ્યક્તિ ઉપર ફાયરિંગ થયું તે અને હું બહાર ઊભા જ હતા. તેમની ઉપર ફાયરિંગ થતાં હું પાછળ હટી ગયો. હું તરત જ મારી દુકાનમાં જઈને શટર નીચે પાડી દીધું. ત્યાર પછી શું થયું એની મને ખબર નથી. જ્યારે હું અંદર જઈ રહ્યો હતો ત્યારે દુકાનની જાળી મને વાગી હતી. મારી દુકાન પાછળના ભાગે છે એટલે ત્યાર પછી શું બન્યું એની મને વધારે ખબર નથી. ત્રણથી ચાર લોકો હતા, પરંતુ પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે કશું સમજાયું નહીં.