હું પૈસો બોલું છું. પ્રથમ મારો પરિચય આપું છું. મારું રૂપ સાધારણ છે. પણ લોકોને વ્યવસ્થિત રાખવાની કે અહંકારીનો અહંકાર ઉતારવાની ક્ષમતા મારામાં છે. લોકો મને આદર્શ માને છે. પણ પૈસા માટે જાત ધર્મ છોડે છે. આપણા જ માણસોને દગો દે છે. જીવ પણ લે છે. હું લોકોની સેવા માટે છું. લોકો મારી દેવની જેમ પૂજા કરે છે. મારે કેટલીક વાતો કરવી છે. હું તમારા માટે ઘર પણ લઇ આપું, ઘરમાં સુખશાંતિ નહિ. સૂવા માટે પલંગ લઇ આપું પણ ઊંઘ નહિ.
તમને મોટું પદ લઇ આપું પણ માન, પ્રતિષ્ઠા, પ્રેમ નહિ. કેમકે લોકો તમારી પાસે સત્તા, સંપત્તિ છે એટલે માન આપે છે. એ તમારું માન નથી. આ તમારી પાસે ન હોય ત્યારે મળે. જો કે તમારું વ્યકિતત્વ સ્વબળે ઉપસી આવ્યું છે. પૈસો જરૂર કમાવો પણ અતિરેક અન્યાયથી નહિ. આપણું કુટુંબ, સગાં સંબંધી, મિત્રો આ જ આપણું ખરું ધન છે. તેમને જવાબદારીપૂર્વક સાચવો. તમે જયારે ઉપર જશો ત્યારે હું તમારી સાથે ન આવી શકું. તે સમયે આ જ લોકો તમારી સાથે હશે. તમે કરેલો પરોપકાર આપેલ આનંદ માતા પિતા દેશની સેવા કરો. આનંદથી જીવો. તો પછી તમારા જેવો સુખી કોઇ ન હોય.
સુરત – એન. ડી. ભામરે– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કબૂતરને ચણ ખવડાવવા પર પ્રતિબંધ, એક મહત્વપૂર્ણ પગલું
કબૂતરને ચણ ખવડાવવા પર પ્રતિબંધ, એક મહત્વપૂર્ણ પગલું મહારાષ્ટ્ર સરકાર દ્વારા કબૂતરને ચણ ખવડાવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જેનો મુખ્યહેતુ શહેરોમાં ઝડપથી ફેલાઈ રહેલી શ્વાસ સંબંધિત ગંભીર બીમારીઓથી જનતાને બચાવવાનો છે. ખાસ કરીને કબૂતરના ચરક, પીંછા અને ધરતી પર જમા થતા ચરકથી હવાનાં માધ્યમથી લોકોમાં Hypersensitivity Pneumonitis, Aspergillosis, અને Bird Fancier’s Lung જેવી શ્વાસની ગંભીર બીમારીઓ ફેલાઈ શકે છે.
મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના અભ્યાસ મુજબ, ઘરના આસપાસ, છત પર અથવા ઓફિસ સામે કબૂતરોના ઊંચા વસવાટ અને તેમને ખવડાવવાની ક્રિયાએ કારણે મોટા પાયે શ્વાસની તકલીફો વધતી જોઈ છે. પરિણામે, “જાહેર જગ્યાઓ પર કબૂતરને ચણ નાખવું હવે પ્રતિબંધિત છે. ગુજરાત સરકાર પણ આ અભિગમથી પ્રેરાઈને આવી જ જાગૃતિ ઝુંબેશ અને કાયદાકીય પગલાં લેવા માટે વિચારણા કરવી જોઈએ. શહેરી વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં વધુ પ્રમાણમાં કબૂતરોના વસવાટને કારણે આવું જોખમ વધુ છે.
પર્વત ગામ, સુરત – આશિષ ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.