સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની (Surat Municipal Election) આખરી પ્રક્રિયા, મતગણતરી આજે શહેરમાં બે સ્થળોએ હાથ ધરવામાં આવી હતી. મજૂરાગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજ તેમજ ઇચ્છાનાથ સ્થિત એસવીએનઆઇટી કેમ્પસમાં હાથ ધરાયેલી મતગણતરી પૈકી એસવીએનઆઇટી કેમ્પસમાં કુલ 16 જુદા જુદા વોર્ડની હાથ ધરાયેલી મતગણતરીની પ્રક્રિયામાં તમામ 64 બેઠકો પર ભાજપાની (BJP) પેનલનો આસાન વિજય થયો હતો. અહીંથી કોંગ્રેસના (Congress) સિટીંગ ઉમેદવારો તેમજ દિગ્ગજ નેતાઓ જેમકે અસલમ સાયકલવાલા, ધનસુખ રાજપુત, સતીશ પટેલ, કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાના પુત્ર રુષિન રાયકા વગેરેએ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. એસવીએનઆઇટી ખાતે હાથ ધરાયેલી મતગણતરીમાં દરેક વોર્ડ વાઇઝ પરીણામ આ મુજબ રહ્યા હતા.
લિંબાયત-પરવટ-કુંભારીયા વોર્ડ નં.18માં ભાજપની પેનલનો વિજય
મહદઅંશે શ્રમજીવી અને ગામતળ વિસ્તાર ધરાવતા વોર્ડ નં.18 લિંબાયત, પરવટ, કુંભારીયા વોર્ડમાં ભાજપાના ઉમેદવારો અમિતા પટેલ, ગેમર દેસાઇ, દર્શિનીબેન કોઠીયા અને દિનેશ રાજપૂરોહિતનો વિજય થયો હતો. અહીં ભાજપાના ઉમેદવારો 10થી 12 હજાર મતોની સરસાઇ સાથે વિજેતા નિવડ્યા છે. પહેલા રાઉન્ડથી જ અહીં ભાજપાને લીડ મળી હતી જે છેલ્લા રાઉન્ડ સુધી યથાવત રહી હતી.
કરંજ-મગોબ વોર્ડ નં.15માં ભાજપાની પેનલ વિજેતા નિવડી
સુરત મ્યુનિ. કોર્પોરેશનના વોર્ડ નં.15 કરંજ, મગોબ ખાતે ભાજપાની આખી પેનલ વિજેતા નિવડી હતી. આ વોર્ડમાં આમ આદમી પાર્ટી બીજા ક્રમે રહી હતી જ્યારે કોંગ્રેસના ઉમેદવારોએ ત્રીજા ક્રમે સંતોષ માનવો પડ્યો હતો. આ વોર્ડમાં ભાજપાની પેનલના મનિષા આહિર, રૂપા પંડ્યા, રાજુભાઇ જોળીયા અને ધર્મેશ ભાલાળા વિજેતા નિવડ્યા છે.
નદી પારના ચારેય વોર્ડમાં ભાજપાના ઉમેદવારોએ ભગવો લહેરાવ્યો
સુરતમાં રાંદેર, અડાજણ, જહાંગીરાબાદ વિસ્તાર કે જે નદીપારના વિસ્તાર તરીકે જાણીતા છે, આ વિસ્તારમાં આવેલા ત્રણેય મ્યુનિસિપલ વોર્ડની ચૂંટણીમાં ભાજપાની પેનલના ઉમેદવારોનો વિજય થયો છે. આ વિસ્તારમાં વોર્ડ ન. 11 અડાજણ-ગોરાટ ખાતે (1) વૈશાલી દેવાંગ શાહ (2) હેમાલી બોઘાવાલા (3) કેતન મહેતા અને (4) કેયુર ચપટવાલા, ચારેય ભાજપાના ઉમેદવારોનો જંગી વિજય થયો હતો. અહીં ભાજપાના ઉમેદવારોની સામે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના કોઇ ઉમેદવાર પાંચ આંકડા એટલે કે દસ હજાર જેટલા પણ મતો મેળવી શક્યા ન હતા. એવી જ રીતે વોર્ડ નં.10 અડાજણ,પાલ, ઇચ્છાપોર ખાતે પણ ચારેય બેઠકો ભાજપાના ઉમેદવારોએ જંગી લીડ સાથે જીતી લીધી હતી. વોર્ડ નં.10માં (1) દિવ્યા રાઠોડ (2) ઉર્વશી નિરવ પટેલ (3) નિલેશ પટેલ અને (4) ધર્મેશ વાણિયાવાલા ચારેય ભાજપાના ઉમેદવારો 25 હજારથી વધુ મતોની સરસાઇ સાથે વિજેતા ઘોષિત કરાયા હતા. નદીપારના ત્રીજા વોર્ડ નં.9, રાંદેર, જહાંગીરપુરા, પાલનપુર વિસ્તારમાં પણ ભાજપાના ઉમેદવારોની આખી પેનલ વિજેતા નિવડી છે. આ વોર્ડમાં (1) ગૌરી સાપરીયાને 28362 મત (2) નેન્શી શાહને 27672 મત (3) કૃણાલ સેલને 30879 મત અને (4) રાજન પટેલને 27419 મતો મળ્યા હતા. આમ, નદીપારના ત્રણેય વોર્ડની 12 બેઠકો પર ભાજપાની નજીક કોઇ હરીફ ઉમેદવારો ફરકી પણ શક્યા ન હતા. નદીપાર વિસ્તારમાં પાલિકાના ચોથા વોર્ડ, વોર્ડ નં.1 જહાંગીરપુરા, વરીયાવ, છાપરાભાઠા ખાતે પણ ભાજપાની પેનલનો જવલંત વિજય થયો હતો. આ વોર્ડમાં ભાજપાની પેનલમાં (1) ગીતા સોલંકીને 26669 (2) ભાવિશા પટેલને 27414 (3) અજીત પટેલને 29576 અને (4) રાજેન્દ્ર ગોવનભાઇ પટેલને 29216 મતો મળ્યા હતા.
શ્રમજીવી વિસ્તાર ડિંડોલી દક્ષિણમાં ભાજપની આસાન જીત
શ્રમજીવી વિસ્તાર ગણાતા ડિંડોલી દક્ષિણ વિસ્તારમાં પહેલા રાઉન્ડથી જ ભાજપાના ઉમેદવારોએ લીડ મેળવવાનું શરૂ કરી દીધું હતું. આ વોર્ડમાં (1) નિરાલીબેન રાજપૂતને 19326 મત (2) શશીબેન ત્રીપાઠીને 17789 મત (3) સુધાકર લોટન ચૌધરીને 21511 મત અને (4) ભાઇદાસ સીતારામ પાટીલને 18758 મત મળ્યા હતા. આ ચારેય ભાજપના ઉમેદવારોની નજીક પણ કોઇ હરીફ ફરકી શક્યા ન હતા. આ વોર્ડમાં ભાજપા પછી બીજા ક્રમે કોંગ્રેસના ઉમેદવારો રહ્યા હતા. જેમને 6થી 7 હજાર જેટલા મતો જ મળી શક્યા હતા.
વોર્ડ નં.22 ભટાર, વેસુ, ડુમસમાં ભાજપાની પેનલ ખાસ્સી લીડ સાથે જીતી ગઇ
સુરતના પોશ વિસ્તાર ગણાતા વેસુ, ભટાર તેમજ ડુમસ વિસ્તારને આવરી લેતા વોર્ડ નં.22માં ભાજપાના ઉમેદવારોની પેનલનો ખાસ્સી લીડ સાથે વિજય થયો હતો. અહીં ભાજપાની પેનલમાં (1) કૈલાશ સોલંકીને 30019 મત (2) રશ્મી સાબુને 26571 મત (3) દીપેશ ચંદુલાલ પટેલને 28745 મત અને (4) હિમાંશુ રાઉલજીને 26548 મત મળ્યા હતા. અહીં કોઇ જ સ્પર્ધા જોવાઇ ન હતી. કેમકે આ પેનલ પછી પાંચમાં ક્રમે આવેલા આપના ઉમેદવારને ફક્ત 5215 મતો મળ્યા હતા.
જ્યાં સૌથી ઓછું મતદાન થયું એ વોર્ડમાં ભાજપાની પેનલનો 22 હજારની લીડથી વિજય
સુરત મહાનગરપાલિકાના ત્રીસ વોર્ડ પૈકી જ્યાં સૌથી ઓછું મતદાન થયું હતું એ સોનીફળિયા, નાનપુરા, અઠવાલાઇન્સ અને પીપલોદને સમાવતા વોર્ડ નં.21માં ભાજપાના ઉમેદવારોએ 22 હજાર ઉપરાંતની લીડથી આખી પેનલ કબજે કરી હતી. આ વોર્ડમાં ભાજપાના ઉમેદવારો (1) ડિમ્પલ કાપડીયાને 28800 મતો (2) સુમન ગડીયાને 25955 મતો (3) અશોક રાંદેરીયાને 29508 મતો અને (4) વ્રજેશ ઉનડકટને 26513 મતો મળ્યા હતા. આ બેઠક પર ભાજપાના પહેલા નંબરના ઉમેદવારથી નજીકના હરીફની વચ્ચે 22 હજાર મતોન સરસાઇનો ગેપ હતો.
કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાના પુત્રને ભાજપાએ હાર આપી
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં. 28 પાંડેસરા ભેસ્તાન કે જે કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાનો પુત્ર રૂષિન રાયકા ચૂંટણી લડી રહ્યો હતો એ વોર્ડમાં ભાજપાએ આખી પેનલ કબજે કરી લીધી હતી. આ વોર્ડમાં ભાજપાના ઉમેદવાર (1) પૂર્ણિમા દાવલેને 19217 મતો (2) રાજકંવર રાઠોડને 16193 મત (3) વિનોદ પટેલને 16813 મત અને (4) શરદ પાટીલને 14707 મતો મળ્યા હતા. આ વોર્ડમાં ભાજપાના ઉમેદવારો સામે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કોઇપણ ફાઇટ આપી શક્યા ન હતા. પહેલા રાઉન્ડથી જ ભાજપાના ઉમેદવારોને સરસાઇ સાંપડી હતી.
કોંગ્રેસના મહારથી ગણાતા અસલમ સાઇકલવાલાની પેનલને ભાજપાએ હરાવી
વોર્ડ નં.19 આંજણા ડુંભાલ ખાતે કોંગ્રેસના સિટીંગ કોર્પોરેટર અસલમ સાઇકલવાલાની પેનલ સાથે ચૂંટણી લડી રહ્યા હતા. એવી વાતો ભારે ચર્ચામાં હતી કે આ વોર્ડમાં અસલમ સાઇકલવાલા ભાજપાને હરાવશે પરંતુ, ચિત્ર કંઇક અલગ જ નિકળ્યું હતું. પહેલા રાઉન્ડની ગણતરીથી જ અસલમ સાઇકલવાલા અને તેમની આખી પેનલ પાછળ ચાલી રહી હતી. 7 સાઉન્ડના અંતે અસલમ સાઇકલવાલા મતગણતરી હોલ છોડીને બહાર નીકળી આવ્યા હતા. આ વોર્ડમાં ભાજપાની પેનલમાં (1) રમીલા પટેલને 26753 મત (2) લતા રાણાને 26560 મત (3) નાગર પટેલને 27521 મત અને (4) વિજય ચૌમાલને 25602 મત મળ્યા હતા. વિજય ચૌમલ ભાજપાના સિટીંગ કોર્પોરેટર છે.
વોર્ડ નં.14માં ભાજપાના જૂના જોગી દિનેશ જોધાણીની પેનલ વિજેતા નિવડી
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.14 ઉમરવાડા, માતાવાડી વિસ્તારમાં ભાજપાએ જૂના જોગી દિનેશ જોધાણી સમેત આખી પેનલને મેદાનમાં ઉતારી હતી. આપનું જોર જોતા ચૂંટણી અગાઉથી જ આ વોર્ડમાં ભાજપાએ હારનો સામનો કરવો પડે તેવી વાતો વહેતી થઇ હતી પરંતુ, આજે મતગણતરીમાં એ બાબત બેબુનિયાદ પુરવાર થઇ હતી. દિનેશજોધાણી સમેત આખી ભાજપાની પેનલે આસાન જીત મેળવી હતી. આ વોર્ડમાં ભાજપાની પેનલમાં (1) રાજેશ્રી મૈસુરીયાને 15151 (2) મધુબેન ખૈનીને 15688 (3) દિનેશ જોધાણીને 17726 અને (4) નરેશ ધામેલીયાને 16201 મતો મળ્યા હતા. અહીં ભાજપની સ્પર્ધા કોંગ્રેસ સાથે નહીં બલ્કે આપ સાથે જોવા મળી હતી.
મહાનગરપાલિકાના છેલ્લા વોર્ડ નં.30માં ભાજપાએ આસાન વિજય મેળવ્યો
સુરત મહાનગરપાલિકાના અંક પ્રમાણે છેલ્લા વોર્ડ નં.30 સચીન, કનસાડ, ઉન, આભવા જેવા શહેરના છેવાડાના વિસ્તારમાં ભાજપાની સામે આપ કે કોંગ્રેસનું કશું ઉપજ્યું ન હતું. આ વોર્ડની મતગણતરીમાં પહેલા રાઉન્ડથી જ ભાજપાના ઉમેદવારોને સરસાઇ મળવાનું શરૂ થઇ ગયુ હતું. આ વોર્ડમાં ભાજપાની પેનલમાં (1) પીયુષા પટેલને 24608 મત (2) રીના અજીત રાજપૂતને 22899 મત (3) હસમુખ નાયકાને 22298 મત અને (4) ચિરાગ સોલંકીને 24138 મતો મળ્યા હતા.
અલથાણ-બમરોલી-વડોદ વોર્ડ નં.29માં ભાજપાના જૂના જોગી કનુ પટેલ સમેત આખી પેનલનો વિજય
અલથાણ, બમરોલી, વડોદના વિસ્તારોના આવરી લેતા મ્યુનિસિપલ વોર્ડ નં.29માં ભાજપાના પૂર્વ કોર્પોરેટર કનુ પટેલની આખી પેનલનો વનસાઇડેડ વિજય થયો હતો. આ વોર્ડમાં કોંગ્રેસ કે આપે ફાઇટ આપી તેવા કોઇ અણસાર જોવા મળ્યા ન હતા. અહીં ભાજપાના ઉમેદવારોની પેનલમાં (1) સુધા પાંડેયને 16991 મત (2) વૈશાલી પાટીલને 15311 મત (3) કનૈયાલાલ ઉર્ફે કનુ પટેલને 18310 મત અને (4) બંશુ જુગરુ યાદવને 17326 મતો મળતા તેમને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે.
ભાજપાના સિટીંગ કોર્પોરેટરની અમિતસિંઘ રાજપૂતની આખી પેનલ વિજેતા
મ્યુનિસિપલ વોર્ડ નં.26, ગોડાદરા, ડીંડોલીમાં ભાજપે સિટીંગ કોર્પોરેટર અમિતસિંગ રાજપૂતની પેનલને મેદાનમાં ઉતારી હતી. અહીં ભાજપાના ઉમેદવારો સિવાય કોઇપણ પાર્ટી કે અપક્ષના ઉમેદવારો 8000થી વધુ મત મેળવી શક્યા ન હતા. જ્યારે ભાજપાના તમામ ઉમેદવારોએ 24 હજાર ઉપરાંત મતો મેળવ્યા હતા. આ વોર્ડમાં ભાજપની આસાન જીત જોવા મળી હતી. અહીં ભાજપાની પેનલમાં (1) અલકા પાટીલને 27759 મત (2) વર્ષા બલદાણિયાને 24185 (3) અમિતસિંગ રાજપૂતને 28157 મત અને (4) નરેશ શાંતારામ પાટીલને 25674 મતો મળ્યા હતા.
વોર્ડ નં.25 લિંબાયત ઉધના યાર્ડમાં પણ ભાજપની પેનલે જીત મેળવી
લિંબાયત ઉધના યાર્ડ વિસ્તારને સમાવતા વોર્ડ નં.25માં ભાજપાના ઉમેદવારોની પેનલમાં (1) કવિતા એનાગંડુલાને 19136 મતો (2) કાંતાબેન વાકોડીકરને 18106 મત (3) વિક્રમ પોપટ પાટીલને 17346 મત અને (4) ભૂષણ મુરલીધર પાટીલને 16406 મતો મળ્યા હતા.