દક્ષિણ એશિયાના દેશોનું સંગઠન – સાર્ક એ ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા વગેરે દેશો વચ્ચેના સહકાર માટેનું એક મહત્વનું સંગઠન છે. જો કે છેલ્લા કેટલાક વર્ષથી તે નિષ્ક્રિય થઇ ગયું છે અને નામ માત્રનું સંગઠન રહી ગયું છે ત્યારે હવે ચીન સક્રિય થયું છે અને તે પાકિસ્તાન અને બાંગ્લાદેશને પોતાની સાથે લઇને એક નવું સંગઠન બનાવવાની તૈયારી કરી રહ્યું છે જે સાર્ક સંગઠનનું સ્થાન લઇ શકે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન અને ચીન એક નવા પ્રાદેશિક સંગઠનની સ્થાપનાના પ્રસ્તાવ પર કામ કરી રહ્યા છે જે સંભવિત રીતે હવે બંધ થઈ ગયેલા દક્ષિણ એશિયન પ્રાદેશિક સહકાર સંગઠન (SAARC)નું સ્થાન લઇ શકે છે.
આ ઘટનાક્રમથી વાકેફ એવા કેટલાક રાજદ્વારી સૂત્રોને ટાંકીને એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારે અહેવાલ આપ્યો છે કે ઇસ્લામાબાદ અને બેઇજિંગ વચ્ચેની વાતચીત હવે આગોતરા તબક્કામાં છે કે બંને પક્ષો સહમત છે કે પ્રાદેશિક એકીકરણ અને જોડાણ માટે એક નવું સંગઠન આવશ્યક છે. સૂત્રોને ટાંકીને, અખબારે જણાવ્યું હતું કે આ નવું સંગઠન સંભવિત રીતે પ્રાદેશિક બ્લોક SAARCનું સ્થાન લઇ શકે છે, જેમાં ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. સાર્ક સંગઠનમાં ચીન સભ્ય નથી પણ હવે તે સાર્કના સ્થાને નવું સંગઠન રચીને તેમાં દક્ષિણ એશિયન દેશો સાથે પોતે પણ જોડાવા માગે છે. તેની ઇચ્છા સ્વાભાવિક રીતે જ આ પ્રદેશમાં આ સંગઠન મારફતે પોતાની વગ વધારવાની જણાય છે.
ચીનના કુનમિંગમાં પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશ વચ્ચે તાજેતરમાં યોજાયેલી ત્રિપક્ષીય બેઠક તે રાજદ્વારી માથાપચ્ચીનો એક ભાગ હતી એમ કહેવાય છે. શેખ હસીનાનું શાસન ઉથલાવી પાડવામાં આવ્યા બાદ બાંગ્લાદેશ સાથે ભારતના વણસેલા સંબંધોનો લાભ પણ ચીન ઉઠાવી રહ્યું છે એમ જણાઇ આવે છે. ચીન બાંગ્લાદેશને પણ પાકિસ્તાની માફક સંપૂર્ણપણે પોતાની પડખે લઇ લેવાની ગણતરીઓ માંડી રહ્યું છે એમ લાગે છે. જો કે, બાંગ્લાદેશની વચગાળાની સરકારે ઢાકા, બેઇજિંગ અને ઇસ્લામાબાદ વચ્ચે કોઈપણ ઉભરતા જોડાણના વિચારને ફગાવી દીધો હતો, અને કહ્યું હતું કે આ બેઠક રાજકીય ન હતી.
બાંગ્લાદેશની વચગાળાની યુનુસ સરકાર સાચવી સાચવીને ડગલા ભરી રહી છે અને તે સંપૂર્ણપણે ચીનની સાથે બેસી જવાથી અત્યાર સુધી તો દૂર રહી છે. સૂત્રો જણાવે છે કે આ બેઠકનો હેતુ અન્ય દક્ષિણ એશિયાઈ દેશો, જે SAARCનો ભાગ હતા, તેમને નવા જૂથમાં જોડાવા માટે આમંત્રણ આપવાનો પણ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા પ્રસ્તાવિત ફોરમમાં ભારતને આમંત્રણ આપવામાં આવશે, જ્યારે શ્રીલંકા, માલદીવ અને અફઘાનિસ્તાન જેવા દેશો આ જૂથનો ભાગ બનવાની અપેક્ષા છે. અખબારે જણાવ્યું હતું કે નવા સંગઠનનો મુખ્ય હેતુ વેપાર અને જોડાણ દ્વારા વધુ પ્રાદેશિક સહકાર કેળવવાનો છે. તેમાં વધુમાં જણાવાયું હતું કે જો આ દરખાસ્ત સાકાર થાય છે, તો તે સાર્કનું સ્થાન લેશે જે ભારત-પાકિસ્તાન સંઘર્ષને કારણે લાંબા સમયથી સ્થગિત છે.
2014 માં કાઠમંડુમાં છેલ્લી બેઠક પછી તેની દ્વિવાર્ષિક સમિટ યોજાઈ નથી. સાર્ક સંગઠનની શિખર પરિષદ દર બે વર્ષે મળતી હતી. 2016 ની સાર્ક સમિટ ઇસ્લામાબાદમાં યોજાવાની હતી. પરંતુ તે વર્ષે 18 સપ્ટેમ્બરના રોજ જમ્મુ અને કાશ્મીરના ઉરીમાં ભારતીય સૈન્ય શિબિર પર આતંકવાદી હુમલા પછી, ભારતે પ્રવર્તમાન પરિસ્થિતિઓને કારણે સમિટમાં ભાગ લેવાની અસમર્થતા વ્યક્ત કરી હતી. બાંગ્લાદેશ, ભૂતાન અને અફઘાનિસ્તાને પણ ઇસ્લામાબાદ સમિટમાં ભાગ લેવાનો ઇનકાર કર્યા પછી તે સમિટ રદ કરવામાં આવી હતી. અને ત્યારપછી સાર્ક સંગઠન બિલકુલ નિષ્ક્રિય જેવું થઇ ગયું છે.
સાર્ક સંગઠનના સ્થાને ચીન હવે નવું સંગઠન બનાવવાની વેતરણમાં છે અને દેખીતી રીતે તે પોતાના ખાસ સાથીદાર પાકિસ્તાનનો સમાવેશ તો આ સંગઠનમાં કરે જ અને ભારતને તે બાબતની સામે સખત વાંધો હોય તે સ્વાભાવિક છે. અત્યારે જ પહેલગામ હુમલાની ઘટના બની ગઇ અને તેને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મર્યાદિત યુદ્ધ પણ લડાઇ ગયું. આવી શત્રુતાના માહોલમાં પાકિસ્તાન સાથે નવા સંગઠનમાં બેસવા ભારત તૈયાર નહીં થાયે. અત્યારે થોડા જ સમય પહેલા શાંઘાઇ કોઓપરેશન કાઉન્સિલ (એસસીઓ)ની બેઠકમાં પણ ભારતે સંયુક્ત ઢંઢેરા પર હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કર્યો હતો કારણ કે આ ઢંઢેરામાં પહેલગામ હુમલાનો કોઇ ઉલ્લેખ જ ન હતો, જ્યારે પાકિસ્તાન બલુચિસ્તાનના હુમલાની એક ઘટનાનો તેમાં સમાવેશ કરીને ભારતને બદનામ કરાવવા માગતુ હતું.
ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે હસ્તાક્ષર નહીં કરતા આ ઢંઢેરો બહાર નહીં પડી શકયો કારણ કે તે સર્વસંમતિના સિદ્ધાંતન પર ચાલે છે અને તમામ પક્ષકારોની સહમતિ હોય તો જ તે ઘોષણાપત્ર બહાર પડી શકે છે. આવા જ મતભેદો સાર્કના સ્થાને રચાનાર નવા સંગઠનમાં પણ ઉભા થાય તે સ્પષ્ટ જણાઇ આવે છે. બાંગ્લાદેશ પણ હાલ તો બહુ ઉત્સુક જણાતુ નથી. અન્ય દક્ષિણ એશિયન દેશો જેવા કે શ્રીલંકા અને માલ્દીવ પણ આ સંગઠનમાં જોડાવા તૈયાર થાય કે કેમ? એ પ્રશ્ન છે, આથી હાલ તો સાર્કના સ્થાને નવું સંગઠન રચવાની ચીનની હિલચાલ સફળ થાય તેમ લાગતું નથી.