SURAT

સુરતની 23 વર્ષીય મોડલ અંજલિ વરમોરાએ કેમ કર્યો આપઘાત?, તપાસમાં ચોંકાવનારો ખુલાસો

ગઈ તા. 8મી જૂને 23 વર્ષીય અંજલિ વરમોરા નામની મોડલે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હવે લગભગ એક મહિના બાદ મોડલના આપઘાતનો ભેદ ઉકેલાયો છે. પ્રેમી ચિંતનના ત્રાસથી અંજલિએ આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. હાલ અઠવા લાઇન્સ પોલીસે ચિંતન અગ્રાવત સામે આત્મહત્યાની દુષ્પેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અઠવાગેટ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય અંજલિ વરમોરા નામની મોડલે ગઈ તા. 8મી જૂને દુપટ્ટાથી ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. અંજલિ વરમોરાની મોત બાદ અનેક સવાલો ઊભા થયા હતા. હવે તેના આપઘાતનો ભેદ ઉકેલાયો છે. આ આપઘાતમાં હવે પ્રેમ પ્રકરણનો ખુલાસો થયો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, અંજલિના પ્રેમીએ મૃતક સાથે પ્રેમ સંબંધ બાદ લગ્નના ખોટા વાયદા કર્યા હતા. જોકે, બાદમાં બંને વચ્ચેના સંબંધમાં ખટાશ આવતા પ્રેમી તેને જાતિ વિષયક શબ્દો બોલી તેનું અપમાન કરતો. સતત કરવામાં આવતા આ ત્રાસથી મોડેલ કંટાળી ગઈ હતી અને તેથી તેણે પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો. હાલ, પોલીસે આ મામલે પ્રેમી ચિંતન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોડેલ અંજલિ વરમોરાના કોલ ડિટેઈલની પ્રાથમિક તપાસમાં આપઘાત પહેલાંના અઢી કલાકમાં કુલ 23 કોલ હોવાનું સામે આવ્યું છે, જેમાં મિસકોલથી લઈને તેણે કરેલા કોલ પણ સામેલ છે. આ 23 કોલ્સમાંથી 12 કોલ ચિંતન અગ્રાવતના હતા. એમાં અંજલિએ તેની સાથે 16 મિનિટ વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મૃતક અંજલિ વરમોરા અલગ-અલગ કંપનીઓ સાથે મોડેલિંગનું કામ કરતી હતી. તે સુરત અને અમદાવાદના અલગ-અલગ પ્રોજેક્ટ પર તે કામ કરતી હતી. જ્યારે શૂટિંગનું કામ હોય ત્યારે જ તે જતી હતી અને બાકીનો સમય તે ઘરે રહેતી હતી. એ જે કામ કરતી હતી એમાં પરિવારનો સંપૂર્ણ સપોર્ટ હતો.

Most Popular

To Top