Dakshin Gujarat

અમદાવાદમાં શિક્ષક પર હુમલાની ઘટનાના ઘેરા પડઘાં પડ્યાં, સુરત-વલસાડમાં વિરોધ

તાજેતરમાં અમદાવાદની એક શાળામાં શિક્ષક પર છરી વડે હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી હતી, જેણે સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવ્યો છે. આ ઘટનાને પગલે બાળકો, શિક્ષકો અને શાળાના કર્મચારીઓની સુરક્ષાના પ્રશ્નો ગંભીર બન્યા છે. સુરત-વલસાડમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. શિક્ષક મંડળોએ આ ઘટનાને વખોડી છે.

સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો અને તેને નિંદનીય ગણાવ્યો હતો. મંડળના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અમદાવાદની ઘટનામાં સંડોવાયેલા ગુનેગાર સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.

આ ઉપરાંત મંડળના દીપક રાજ્યગુરુએ કહ્યું કે, તબીબો ઉપર હુમલાને રોકવા માટે વિશેષ કાયદો બનાવવામાં આવ્યો છે, તે જ રીતે શિક્ષકો માટે પણ કાયદો બનાવવામાં આવે.

સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના સંચાલકોએ વલસાડ ડીઈઓને આવેદનપત્ર પાઠવ્યું
વલસાડમાં પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન દ્વારા આજરોજ જિલ્લા શિક્ષણાધિકારીને એક આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં તેમણે શિક્ષકોની સુરક્ષા વધારવા કેટલાક સુચનો કર્યા છે.

વલસાડની ખાનગી સ્કૂલોના સંચાલકોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું કે, અમદાવાદની ઘટના દુઃખદ છે. આવી ઘટના ભવિષ્યમાં ન બને એ માટે જિલ્લાની સરકારી અને ખાનગી શાળામાં સુરક્ષા અને સલામતીની યોગ્ય વ્યવસ્થા કરો. શાળાના પરિસર અને પ્રવેશદ્વારા પર સુરક્ષા કર્મીઓ મુકી તેને્ સીસી ટીવીથી સજ્જ કરો. હિંસાત્મક વ્યવહાર કે હુમલાની ઘટના માટે ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત પગલાં ભરવા જેવા કેટલાક સુચનો કર્યા હતા.

આ આવેદનપત્ર પાઠવવા માટે એસોસિએશનના અધ્યક્ષ અને સલવાવ સ્વામિનારાયણ સ્કૂલના કપિલ સ્વામી, એસોસિએશનના મંત્રી અને વિદ્યાનિકેતન સ્કૂલના સંચાલક મિત્તલબેન ધાખડા અને સંજોજક એવા વલ્લભઆશ્રમનના કુશ સાકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top