Dakshin Gujarat

વ્યારાની સ્કૂલમાં કપિરાજોની કૂદાકૂદથી બાળકો, શિક્ષકો ત્રાહિમામ્, ક્લાસરૂમમાં ઘુસી જાય છે…

વ્યારાની શાળાના વિદ્યાર્થી, શિક્ષકો અને કર્મચારીઓ વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. અહીં સ્કૂલમાં કપિરાજ એટલે કે વાંદરાઓ ઘુસી આવે છે. સ્કૂલની બસ, ક્લાસરૂમ, ટેરેસ પર વાંદરાઓ કૂદાકૂદ કરતા હોય છે, જેના લીધે બાળકોમાં ભય વ્યાપેલો છે. કપિરાજને દૂર હોય તો તેને જોવાનો બાળકોને આનંદ આવે પરંતુ ક્યારેક કપિરાજ નજીક ધસી જઈ હુમલો કરી દેતા હોય છે, તેના લીધે બાળકોમાં ભય વ્યાપેલો છે.

  • વ્યારાની શાળામાં કપિરાજનો આતંક, હજારો વિદ્યાર્થીઓને જીવનું જોખમ

પ્રાપ્ત માહિતી અનુસાર શ્રી ર ફ દાબુ કેળવણી મંડળ સંચાલિત વ્યારાની વિવિધ શાળાઓ લગભગ એક જ કેમ્પસમાં આવેલી છે જેમાં શ્રી કે બી પટેલ અંગ્રેજી માધ્યમ શાળા શ્રી ખુમ ગાંધી પ્રાથમિક શાળા, શ્રીમતી કે કે કદમ કન્યા વિદ્યાલય તેમજ શ્રી જે બી સાર્વજનિક હાઇસ્કુલ જેવી શાળાઓ છે. આ શાળાઓમાં કુલ 5000 કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

છેલ્લા છ મહિનાથી આ સ્કૂલો પર કપિરાજોએ કબજો જમાવ્યો હોય તેવું વાતાવરણ ઊભું થયું છે. સવારે ચારથી પાંચ વાંદરાઓ એક શાળા પરથી બીજી શાળા પર કૂદકા મારતા હોય છે. કેમ્પસમાં પાર્ક કરેલી બસો, સ્કૂલ વેન તેમજ ક્લાસરૂમમાં પણ ઘૂસી જઈને વાંદરાઓએ આતંક મચાવ્યો છે. વાંદરાઓ શાળાના બાળકો પર હુમલાઓ પણ કરી રહ્યા છે જેના કારણે શાળાના વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓના જીવ પર જોખમ ઊભું થયું છે.

જંગલ ખાતાની નિષ્ક્રિયતાને પગલે રોષ
આ અંગેની જાણ ઘણા વખતથી જંગલ ખાતાને પણ શાળા પ્રશાસન દ્વારા કરવામાં આવે છે. જંગલ ખાતા દ્વારા એકમાત્ર પાંજરું ત્યાં મૂકીને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હોય તેવું જણાઈ રહ્યું છે. જો જંગલ ખાતા દ્વારા આ વાંદરાઓ ઉપર કાબુ મેળવી તેનો કોઈ રસ્તો કરવામાં ન આવે તો કોઈ દિવસ શાળાના નાના નાના બાળકોને ઘણું ખરાબ પરિણામ ભોગવવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જંગલ ખાતુ આ બાબતે ત્વરિત પગલાં લે તેવી માંગ ઉઠી છે.

Most Popular

To Top