Dakshin Gujarat

ભરૂચ મનરેગા સ્કેમઃ હીરા જોટવા બાદ દીકરા દિગ્વિજયને પોલીસે ઊંચક્યો, 48 કલાક પહેલાં જ સરપંચ બન્યો હતો

ભરૂચઃ ભરૂચ પોલીસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરા જોટવા બાદ તેના પુત્ર દિગ્વિજયને પૂછપરછ અર્થે ઉઠાવી ગઈ છે. હજુ તો તા-25મી જુને સુપાસી ગ્રામ પંચાયતનાં સરપંચ તરીકે વિજેતા થયેલા હીરા જોટવાનાં દીકરો દિગ્વિજયને માંડ 48 કલાકમાં ભરૂચ પોલીસે ધરપકડ કરવામાં આવતા ભારે સળવળાટ મચી ગયો છે. ભરૂચ જીલ્લામાં મસમોટા મનરેગા કૌભાંડમાં રાજકીય કાવાદાવા શરુ થઇ ગયા છે.

  • જલારામ એજન્સી અને મુરલીધર એજન્સીનાં માલિકો સાથે હીરા જોટવાને શું સંબંધ છે, પોલીસ તપાસ કરી રહી છે
  • બંને એજન્સીઓને કોના સીધા કે છુપા આશીર્વાદથી રૂપિયાઓની ચુકવણી કરવામાં આવી એ હજુ રહસ્ય

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી છે. ભરુચ એ ડિવિઝને હીરા જોટવાની કરી પૂછપરછ અને હાંસોટ તા.પં.ના આઉટસોર્સિંગ ઓપરેટર રાજેશ ટેલરની પણ ધરપકડ કરવામાં આવી છે. ભરૂચના 56 ગામોમાં 7.50 કરોડનું મનરેગા કૌભાંડ કરવામાં આવ્યું છે. શુક્રવારે ભરૂચ એસપી મયુર ચાવડાએ હીરા જોટવાના દીકરા દિગ્વિજય જોટવાની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

મનરેગા કૌંભાડને લઈ આમોદ, જંબુસર, હાંસોટમા ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. કૌંભાડ હેઠળ કરોડોની ઉચાપત થઈ હોવાની વાત છે જેમાં જલારામ એન્ટરપ્રાઈઝ એન્જસી, મુરલીધર એન્ટરપ્રાઈઝ અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ છે. કામ થયું નથી અને રૂપિયા સીધા ગજવામાં ઘાલી લીધા છે.

ઉલ્લેખનીય છે કે આ બંને એજન્સીઓને કોના સીધા કે છુપા આશીર્વાદથી રૂપિયાઓની ચુકવણી કરવામાં આવી એ હજુ રહસ્ય ઉભું છે. જે તલસ્પર્શી તપાસમાં ઘણી વિગતો બહાર આવે એમ લાગે છે.

ગુરુવારે હીરા જોટવા અને હાંસોટના કર્મચારી રાજેશ ટેલરની પોલીસે ધરપકડ કરી હતી
આ અગાઉ ગુરુવારે ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના મનરેગા યોજનાના 430 જેટલા કામમાં કઠિત કરોડો ગેરરીતિ મામલે કોંગ્રેસ નેતા હીરા જોટવાને ગીર સોમનાથથી ભરૂચ લાવીને ધરપકડ કરવામાં આવી છે.જ્યાં પૂછપરછ બાદ હીરા જોટવા અને હાંસોટ TDO ઓફીસનાં આઉટસોર્સિંગ કર્મચારી રાજેશ ટેલરને પણ રાત્રે જ ધરપકડ કરવામાં આવી હતી.

શું છે કૌભાંડ?
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની એજન્સીઓએ આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાના 56 ગામમાં મનરેગા યોજના હેઠળ થયેલા 430 કામમાં 7.30 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ DRDAના પ્રાયોજના અધિકારીએ ભરૂચ એ ડીવીઝનમાં નોંધાવી હતી. ત્યારબાદ ભરુચ SP મયુર ચાવડાએ સમગ્ર કૌભાંડની તપાસ માટે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરી હતી. સીટની ટીમે ત્રણેય તાલુકાના ગામડાઓની મુલાકાત લીધી હતી અને નિવેદનો લીધાં હતાં.

બંને એજન્સીઓએ બે વર્ષમાં ગોબાચારી કરી SITની ટીમે ત્રણેય તાલુકાના શ્રમિકો અને કર્મચારીઓના નિવેદનો લીધા બાદ જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ રતિલાલ નુકાણી અને મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા નારણ સભાડના નામજોગ તથા તપાસમાં નીકળે તે સરકારી અધિકારી, કર્મચારી તથા આઉટસોર્સ આધારિત કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી. બંને એજન્સીઓએ ગત તા-20મી જાન્યુઆરી 2023થી તા-30મી મે 2025 દરમિયાન કરેલાં કામોમાં કઠિત ગોબાચારી કરી હતી.

હીરા જોટવાની શું ભૂમિકા?
સમગ્ર કેસની તપાસમાં હીરા જોટવાનું નામ ખુલ્યું બંને એજન્સીઓ પાસે મનરેગાના કામોમાં મટીરીયલ સપ્લાય કરવાનો કોન્ટ્રાકટ હતો. જો કે તેમણે ઓછું મટીરીયલ સપ્લાય કરીને વધારે મટીરીયલ બનાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું હતું. SITની ટીમની તપાસમાં કોંગ્રેસના મોટા નેતા હીરા જોટવાનું નામ સામે આવ્યું હતું.

સમગ્ર પ્રકરણમાં ગીર સોમનાથથી ભરૂચ લાવી જલારામ એજન્સી અને મુરલીધર એજન્સીનાં માલિકો સાથે હીરા જોટવાને ક્યાં સંબંધ નાતો છે. રજેરજ વિગતો મેળવવા ભરૂચ પોલીસ હીરા જોટવાને સઘન પૂછપરછ માટે ભરૂચ લઇ ગઈ હતી. પૂછપરછ બાદ મોડી રાત્રે હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ હાંસોટ TDO ઓફીસના આઉટસોર્સિંગ કર્મચારી રાજેશ ટેલરની ધરપકડ કરવામાં આવતા સ્થાનિક કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Most Popular

To Top