Editorial

વિમાનો અને એરપોર્ટોમાં સલામતી બાબતે ધાંધિયા પકડાયા: ખૂબ જ ચિંતાજનક બાબત

અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન તૂટી પડ્યું અને વિમાનમાંના અને જમીન પરના મળીને ૨૭૦ કરતા વધુ લોકોનો તેમાં જીવ ગયો તે પછી ભારતની નાગરિક ઉડ્ડયન નિયમન સંસ્થા ડિરેકટરેટ જનરલ ઓફ સિવીલ એવીએશન(ડીજીસીએ)ના આદેશ મુજબ એરલાઇનોએ પોતાના કાફલામાંના બોઇંગ ૭૮૭ મોડેલોના વિમાનોની સઘન ચકાસણી કરી અને આ વિમાનો સલામત હોવાનું જણાવ્યું તેના પછી ડીજીસીએએ દેશભરના મોટા એરપોર્ટો પર સર્વેલન્સની કામગીરી હાથ ધરી અને તેમાં અનેક ધાંધિયા મળી આવ્યા હોવાના અહેવાલ છે જે ખરેખર આઘાત જનક બાબત છે. ઉડ્ડયન વોચડોગ ડીજીસીએ દ્વારા તાજેતરમાં મોટા એરપોર્ટો પર સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં એરલાઇનો, એરપોર્ટો, વિમાનોના મેઇનટેનન્સની કામગીરીમાં અનેક નિયમભંગ તેણે શોધી કાઢ્યા છે. સર્વેલન્સની આ કવાયત એર ઇન્ડિયાનું વિમાન તૂટી પડવાની ઘટનાના બે સપ્તાહ કરતા પણ ઓછા સમયની અંદર હાથ ધરવામાં આવી છે.

પકડાય઼ેલી આ ખામીઓના સંબંધમાં એરલાઇન્સ, એરપોર્ટ અને અન્ય સંસ્થાઓના નામ જાહેર કર્યા વિના, દેશના ઉડ્ડયન નિયમનકારે મંગળવારે જણાવ્યું હતું કે દેખરેખમાં ફ્લાઇટ ઓપરેશન્સ, એરવર્થીનેસ, રેમ્પ સેફ્ટી, એર ટ્રાફિક કંટ્રોલ (ATC), સંદેશ વ્યવહાર, નેવિગેશન અને સર્વેલન્સ (CNS) સિસ્ટમ્સ અને પ્રી-ફ્લાઇટ મેડિકલ મૂલ્યાંકન જેવા અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા હતા. એરપોર્ટ પર રનવેના ઝાંખા સેન્ટર લાઇન માર્કિંગથી લઈને ત્રણ વર્ષ સુધી ઓબ્સટ્રકશન લિમિટેશન ડેટા અપડેટ ન થવાથી લઈને ઘસાઈ ગયેલા ટાયરના કારણે એક શેડયુલ્ડ એરલાઇનની ડોમેસ્ટિક ફ્લાઇટ રોકાઈ જવા સુધીના અનેક ધાંધિયા આ તપાસમાં મળી આવ્યા હતા. આ બાબત સૂચવે છે કે જેમાં કાળજી રાખવાની ખૂબ જરૂર હોય છે તે વિમાનો અને એરપોર્ટો પર તેમને સંલગ્ન પ્રણાલીઓનુ સુરક્ષા બાબતે પણ કેવી બેદરકારી રાખવામાં આવી રહી છે.

બસ, ટ્રેન કે જહાજનું મેઇનટેન્સ યોગ્ય રીતે નહીં થાય તો તેવા વાહનો પણ મુસાફરો માટે જોખમી બને છે પરંતુ આ વાહનોને થોભાવીને સમારકામ કરવાનું કે મુસાફરોને માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું શક્ય હોય છે પરંતુ વિમાનની બાબતમાં આવું શક્ય હોય છે ખરું? ભરઆકાશે વિમાનમાં મોટી ખામી સર્જાય તો મોટે ભાગે તો ભારે હોનારતકારી જ નિવડે છે. આવા સંજોગોમાં વિમાનોની ખૂબ કાળજી રખાવી જોઇએ અને તેમની દરેક ઉડાન પહેલા જરૂરી ચકાસણી થવી જોઇએ, રન-વેઝ બરાબર છે કે નહીં, એટીસી અને સંદેશ વ્યવહાર પ્રણાલી બરાબર છે કે નહીં તેવી એરપોર્ટ પરની બાબતોની પણ યોગ્ય ચકાસણી થવી જોઇએ પરંતુ કમનસીબે આપણે ત્યાં આ બધી બાબતોમાં પણ બેદરકારી મળી આવી છે.

આવા સંજોગોમાં હવાઇ મુસાફરીમાં જોખમ વધી જાય તે સ્વાભાવિક છે. એરપોર્ટોની ચકાસણીમાં ગ્રાઉન્ડ હેન્ડલિંગના સાધનો જેવા કે બેગેજ ટ્રોલીઓ ઉપયોગમાં નહીં લઇ શકાય તેવી હાલતમાં જણાયા. મેઇનટેનન્સની કામગીરીમાં સલામતીની પૂર્વસાવચેતીઓ એરક્રાફ્ટ મેઇનટેનન્સ એન્જિનિયરો દ્વારા લેવાઇ નહીં હોય તેવું જણાયું હતું, તો કેટલાક વિમાનોમાં લાઇફ વેસ્ટ્સ વિમાનની નક્કી કરાયેલી બેઠકો નીચે યોગ્ય રીતે નહીં સચવાયા હોય તેમ જણાયું હતું. વિમાનોને લગતી આ બેદરકારીની બાબતો તો ખૂબ જ ગંભીર છે.

ઉડ્ડયન ઇકોસિસ્ટમમાં જોખમો શોધવા માટે ભવિષ્યમાં વ્યાપક દેખરેખ ચાલુ રહેશે તે જણાવીને, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ જણાવ્યું હતું કે સાત દિવસમાં સુધારાત્મક પગલાં લેવા માટે સંબંધિત સંસ્થાઓને તારણો જણાવવામાં આવ્યા છે. સંયુક્ત મહાનિદેશકની આગેવાની હેઠળની બે ટીમોએ દિલ્હી અને મુંબઈ એરપોર્ટ સહિત મોટા એરપોર્ટો પર રાત્રિ અને વહેલી સવારના સમયે તપાસ હાથ ધરી હતી. દેશના એરપોર્ટો પર ડીજીસીએ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી અને ખામીઓ પકડી પાડીને લાગતીવળગતા એરપોર્ટો, એરલાઇનો વગેરેને સાત દિવસમાં ભૂલો સુધારી લેવા આદેશ અપાયો છે સારી વાત છે પણ હવે આ એકમો પુરતી ગંભીરતા સાથે તેનો અમલ કરે તે જરૂરી છે. અત્યારે આદેશનો અમલ કરવામાં આવે અને થોડા સમય પછી ફરીથી જૈસે થે જેવી સ્થિતિ થઇ જાય તેવું ન બનવું જોઇએ હવાઇ મુસાફરીના ક્ષેત્રે જરાયે બેદરકારી ચલાવી લેવાય નહીં.

તેમાં જરાસરખી બેદરકારી પણ ક્યારેક ખૂબ ગંભીર પરિણામો લાવનારી નિવડી શકે છે. અમદાવાદના વિમાન અકસ્માતમાં પણ આવી કંઇ બેદરકારી જવાબદાર હોઇ શકે છે તેવો એક ગણગણાટ છે, એ તો જે હોય તે તપાસમાં બહાર આવશે પરંતુ હવે ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતી અટકાવવા માટે પુરતા સલામતી લક્ષી પગલાઓ લેવા માટે એરલાઇનો અને એરપોર્ટોને સખત તાકીદ કરવામાં આવે તે ખૂબ જરુરી છે. એક ટિકીટના હજારો રૂપિયા એરલાઇનો પડાવે છે તો તેઓ વિમાનોની સલામતી બાબતે બેદરકાર કેવી રીતે રહી શકે. એક હવાઇ અકસ્માત કેવો વિનાશ વેરી શકે છે તે આપણે અમદાવાદની ઘટનામાં ફરી એકવાર જોઇ લીધું છે, આથી એરલાઇનો અને એરપોર્ટો સલામતી બાબતે ખૂબ કાળજી રાખે તે જરૂરી છે.

Most Popular

To Top