અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ બંને દેશો વચ્ચે છેલ્લા 12 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે જાહેરાતના થોડા કલાકો બાદ જ બંને દેશોએ યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. જોકે ઈરાનની સેનાએ સ્પષ્ટપણે કહ્યું છે કે યુદ્ધવિરામ પછી તેમણે ઈઝરાયલ તરફ કોઈ મિસાઈલ છોડી નથી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલને ચેતવણી આપી હતી કે ઈરાન પર બોમ્બ ન ફેંકો. આમ કરવું યુદ્ધવિરામનું મોટું ઉલ્લંઘન હશે. તાત્કાલિક તમારા પાઈલટોને પાછા બોલાવો.
ઈઝરાયલે કહ્યું છે કે મંગળવારે યુદ્ધવિરામ શરૂ થયાના અઢી કલાક પછી ઈરાન દ્વારા મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. હુમલાઓને કારણે સમગ્ર ઉત્તર ઈઝરાયલમાં સાયરનનો અવાજ સંભળાયો હતો. આ તાજેતરના હુમલાઓ ઈઝરાયલ અને ઈરાને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત યુદ્ધવિરામ પ્રસ્તાવ સ્વીકાર્યા પછી થયા છે. યુદ્ધવિરામ અમલમાં આવ્યાના ત્રણ કલાકથી ઓછા સમયમાં ઈરાને મિસાઈલ છોડ્યા છે. બીજી તરફ ઈરાનની સેનાએ સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે કે યુદ્ધવિરામ પછી ઈઝરાયલ તરફ કોઈ મિસાઈલ છોડવામાં આવી નથી.
ઈઝરાયલ અને ઈરાન બંનેએ યુદ્ધવિરામનો ભંગ કર્યો – ટ્રમ્પ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇઝરાયલ અને ઈરાન બંનેએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ તેમણે કહ્યું કે તેઓ ઇઝરાયલ અને ઈરાનથી નાખુશ છે. તેમણે કહ્યું ઈરાનની પરમાણુ ક્ષમતાઓ ખતમ થઈ ગઈ છે. તેહરાન ક્યારેય તેના પરમાણુ કાર્યક્રમનું પુનર્નિર્માણ કરશે નહીં.
યુદ્ધવિરામ પહેલા જે રીતે હુમલો કર્યો હતો તે જ રીતે હુમલો કરશે – ઈરાન
ઈરાની સુરક્ષા અધિકારીએ કહ્યું કે યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછી ઇઝરાયલ પર કોઈ મિસાઈલ છોડવામાં આવી નથી. સીએનએનના અહેવાલ મુજબ ઈરાની અધિકારીએ કહ્યું કે અત્યાર સુધી દુશ્મન પર કોઈ મિસાઈલ છોડવામાં આવી નથી. તેમણે કહ્યું, “જો ઇઝરાયલ કંઈ કરશે તો અમે તે જ રીતે હુમલો કરીશું જે રીતે તેણે યુદ્ધવિરામના એક કલાક પહેલા કર્યો હતો.
ઈરાને હુમલા પહેલા પરમાણુ સ્થળો પરથી તમામ સાધનો દૂર કર્યા
ઈરાનના પરમાણુ ઊર્જા સંગઠનના વડાએ કહ્યું કે ઈરાને તેના પરમાણુ કાર્યક્રમમાં કોઈપણ સમસ્યા ટાળવા માટે પહેલાથી જ યોજનાઓ બનાવી લીધી છે. સીએનએનના અહેવાલ મુજબ તેમણે કહ્યું કે ઇઝરાયલી હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને ફોર્ડો અને ઇસ્ફહાન પરમાણુ સ્થળો પરથી સાધનો પહેલાથી જ દૂર કરી દેવામાં આવ્યા છે.
ઈરાને કતારનો આભાર માન્યો
ઈરાને મધ્ય પૂર્વમાં તણાવ ઘટાડવા બદલ કતારનો આભાર માન્યો છે. ઈરાની નાયબ વિદેશ મંત્રીએ પ્રદેશમાં તણાવ ઘટાડવામાં મદદ કરવા બદલ કતારનો આભાર માન્યો છે. અલ જઝીરાના અહેવાલ મુજબ ઈરાનના નાયબ વિદેશ મંત્રીએ સારા પડોશી અને સર્વોચ્ચ હિતોના આધારે બંને દેશો વચ્ચે સંબંધો ચાલુ રાખવા અને મજબૂત બનાવવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો.