સુરત શહેરમાં બે દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સોમવારે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે આજે બીજા દિવસે મંગળવારે જિલ્લામાં વરસેલા વરસાદનું પાણી ખાડીમાં આવતા સુરતમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ છે, જેના લીધે સીમાડાના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે. દરમિયાન ખાડીમાં ત્રણ યુવકો ડૂબ્યા હોવાના સમાચાર મળ્યા છે.
આજે મંગળવારે સવારે પુણા કુંભારીયા પાસે ખાડીમાં ત્રણ યુવક તણાયા હતા, જેમાંથી ફાયર બ્રિગેડે બે યુવકોને બચાવી લીધા છે, જ્યારે એક યુવક હજુ ગુમ છે.આજે સવારે પુણા કુંભારિયા નજીક બનેલી ઘટનામાં એક યુવક ખાડીના પ્રવાહમાં તણાઈ ગયો છે. ફાયર બ્રિગેડ દ્વારા યુવકની શોધખોળના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યા છે.
વધુમાં મળતી માહિતી મુજબ આજે સવારે ત્રણ યુવકો ખાડી પાસે હતા ત્યારે અચાનક ખાડીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. યુવકોને બહાર નીકળવાનો સમય ન મળતા તેઓ ફસાઈ ગયા હતા. આ પૈકી બે યુવકોને ફાયર બ્રિગેડ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને ખાડીમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, 18 વર્ષીય અર્જુન નામનો યુવક હજુ લાપતા છે અને તેની શોધખોળ ચાલી રહી છે.
ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક તંત્ર દ્વારા અર્જુનને શોધવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો પણ અર્જુન સહીસલામત મળી આવે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.