World

ટ્રમ્પના નોબેલ નામાંકન પર પાકિસ્તાનમાં ગુંજી વિરોધની લહેર

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા યુદ્ધી તણાવની પૃષ્ઠભૂમિમાં પાકિસ્તાન સરકાર ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકન આપવાના નિર્ણયો પર હવે પોતાના જ દેશમાં કઠિન સવાલોનો સામનો કરી રહી છે. પાકિસ્તાન સરકારે તાજેતરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા તણાવ દરમિયાન ટ્રમ્પના કથિત શાંતિ પ્રયાસો માટે તેમને 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકન કરવાની જાહેરાત કરી હતી. જોકે, આ પછી અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર બોમ્બમારો કર્યો અને ટ્રમ્પના ‘શાંતિ દૂત’ રૂપે રજૂ કરવાના દાવાઓ પર કટાક્ષ થઈ રહ્યો છે.

શાંતિ દાવાની સાક્ષાત ખોટ: જમિયત ઉલેમા-એ-ઇસ્લામ(એફ)ના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “ટ્રમ્પ હવે શાંતિના દૂત નથી. તેમની ભલામણ પાછી ખેંચવી જોઈએ. તેમનો શાંતિ દાવો એક ખોટો નાટક સાબિત થયો છે.” તેમણે કહ્યું કે પાકિસ્તાની લશ્કરપ્રમુખ આસીમ મુનીર સાથે ટ્રમ્પની મુલાકાત પછી સરકાર એટલી ખુશ થઈ ગઈ કે તેમણે શાંતિનો નોબેલ આપે એવી ભલામણ કરી નાખી.

ટ્રમ્પ હવે શાંતિદૂત નહીં – ‘યુદ્ધપ્રેમી નેતા’: ભૂતપૂર્વ સેનેટર મુશાહિદ હુસૈને ટ્વિટર પર લખ્યું, “ટ્રમ્પ હવે સંભવિત શાંતિદૂત નહીં રહ્યો. તેમણે ગેરકાયદેસર યુદ્ધની શરૂઆત કરી છે.” તેમણે આક્ષેપ કર્યો કે ટ્રમ્પ ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ અને યુદ્ધ લોબીની વાતોમાં આવી ગયા છે. “ટ્રમ્પ હવે માત્ર અમેરિકાના નહી પણ સમગ્ર વિશ્વના સંકટના કારણ બની શકે છે.”

સોશિયલ મીડિયામાં સરકારની પણ ભારે ટીકા: પાકિસ્તાનના શાસકો પર હવે પોતાના જ નાગરિકો સવાલ ઉઠાવી રહ્યાં છે કે એક એવો નેતા જે ગ્લોબલ યુદ્ધના ભડકા ઊઠાવે તે શાંતિ માટે પુરસ્કાર માટે લાયક કેવી રીતે ગણાઈ શકે? ઘણા યુઝર્સે લખ્યું કે આ નામાંકન માત્ર રાજકીય ખુશામતનો હિસ્સો છે અને સરકારને તરત આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ.

ટ્રમ્પનું નામાંકન પાછું ખેંચવાના સૂર ઉંચા: જેમ જેમ મધ્યપૂર્વમાં યુદ્ધ તીવ્ર બની રહ્યું છે, તેમ તેમ પાકિસ્તાનમાં ટ્રમ્પના નોબેલ નામાંકન સામે અવાજ ઉંચો થઈ રહ્યો છે. સરકાર માટે હવે આ નિર્ણય આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામીનું કારણ ન બને તે જરૂરી બન્યું છે.

Most Popular

To Top