રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ચોમાસું વિધિવત શરૂ થઈ ગયું છે. રાજ્યના લગભગ તમામ જિલ્લામાં ધમધોકાર વરસાદ શરૂ થયો છે. અમદાવાદ-ગાંધીનગરમાં ગઈકાલે મોડી રાતે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના લીધે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અહીં અંડર બ્રિજમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. સ્કૂલ, ઓફિસ જતા લોકો અટવાયા હતા.
આવી જ હાલત વલસાડમાં પણ થઈ છે. ત્યાં વરસાદના લીધે પાણી ભરાઈ જતા 37 રસ્તા બંધ કરવાની નોબત ઉભી થઈ છે. ધરમપુર તાલુકામાં 20 અને કપરાડા તાલુકામાં 10 રસ્તાઓ બંધ કરાયા છે. વાપીના મુખ્ય બજાર માર્ગ પર પાણી ભરાયા છે. બીજી તરફ નેશનલ હાઈવે પર પણ વરસાદના લીધે ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું છે. વાપીથી મુંબઈ વચ્ચે વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે.
અમદાવાદ ખાતેની હવામાન કચેરી અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં ચોમાસું હવે સક્રિય થયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેહુલો જામ્યો છે. છેલ્લાં 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સુરેન્દ્ર નગર, બોટાદ, જામનગર અને ભાવનગર જિલ્લામાં ખૂબ વરસ્યો છે. બનાસકાંઠા, આણંદ, મોરબી અને દ્વારકામાં પણ અમુક સ્થળે ભારે વરસાદ પડ્યો છે.
ક્યાં કેટલો વરસાદ પડ્યો?
સવારે 8થી 10 દરમિયાન નવસારીના ખેરગામમાં સૌથી વધુ 2.05 ઈંચ, સુરતના ઓલપાડમાં 1.93 ઈંચ, કામરેજમાં 1.69 ઈંચ, ઉમરપાડામાં 1.46 ઈંચ, સુરત શહેરમાં 1.30 ઈંચ, બારડોલીમાં 1.14 ઈંચ, વ્યારામાં 1.02 ઈંચ, તાપી જિલ્લાના વાલોડ, કુકરમુંડા અને સુરતના માંગરોળમાં 1 ઈંચ વરસાદ, જ્યારે વલસાડના પારડીમાં 1.85 ઈંચ, ધરમપુરમાં 1.81 ઈંચ, વલસાડમાં 1.57 ઈંચ, ડાંગના વઘઈમાં 1.57 ઈંચ અને વાપીમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે.
ગુજરાત ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટીએ આપેલી માહિતી અનુસાર રાજ્યમાં વીતેલા 24 કલાકમાં સરેરાશ 21 મિમી વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં સરેરાશ 52 મિમી વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં કચ્છમાં 84 મિમી, ઉત્તર ગુજરાતમાં સરેરાશ 58 મિમી, સૌરાષ્ટ્રમાં 150 મિમી, દક્ષિણ ગુજરાતમાં 133 મિમી વરસાદ પડ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 12.87 ટકા વરસાદ પડી ગયો છે.
યલો અને રેડ એલર્ટ અપાયા
આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતાને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 8 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે.
રાજ્યના 34 ડેમ એલર્ટ પર મુકાયા
આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ અમુક જિલ્લામાં અતિભારે વરસાદ પડવાથી રાજ્યના 34 ડૅમને ઍલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ફ્લડ મૅનેજમૅન્ટ માટે આ ડૅમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.
હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ બે દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી છે.