મધ્ય પૂર્વમાં એક નવું અને ખૂંખાર યુદ્ધ શરૂ થયું છે. ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનો તણાવ હવે યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. ઇઝરાયેલ અને ઈરાન એકબીજાને નષ્ટ કરવા માટે તૈયાર થઈ ગયાં છે. ૧૩ જૂનની સવારે ઇઝરાયેલે ઈરાન પર લશ્કરી હુમલો કર્યો. ઇઝરાયેલે ઈરાનના લશ્કરી થાણાં અને પરમાણુ થાણાંઓનો નાશ કર્યો. ઇઝરાયેલે ૨૦૦ લડાયક વિમાનો સાથે ૩૦૦ હવાઈ હુમલા કર્યા. આ પછી ઈરાનમાં અરાજકતા ફેલાઈ ગઈ. આ હુમલામાં ઈરાનનાં ૧૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યાં હતાં. ઇઝરાયેલે ઈરાનના આર્મી ચીફ અને ટોચના પરમાણુ વૈજ્ઞાનિકોને મારી નાખ્યા હતા. ઈરાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે અને દેશભરમાં કટોકટી લાદી દીધી છે. આ પછી ઈરાને ૧૩ જૂનની રાત્રે ૧૦૦ બેલિસ્ટિક મિસાઇલો ચલાવી હતી, જેના કારણે ઇઝરાયેલનો વિખ્યાત આયર્ન ડોન તૂટી પડ્યો હતો અને તેનાં મુખ્ય શહેર તેલ અવીવમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી.
ઇઝરાયેલનું ઓપરેશન રાઇઝિંગ લાયન અથવા ઈરાન પરનો હુમલો અભૂતપૂર્વ છે. ઈરાન માટે ૧૯૮૦-૧૯૮૮ના ઈરાન-ઈરાક યુદ્ધ પછી તેની ધરતી પરનો સૌથી મોટો હુમલો છે. ઇઝરાયેલની ગુપ્તચર એજન્સીએ ઈરાનની સુરક્ષા સંસ્થાના હૃદયમાં સફળતાપૂર્વક ઘૂસણખોરી કરી છે અને સાબિત કર્યું છે કે ઈરાનમાં કોઈ સુરક્ષિત નથી. આ હુમલાઓ દરમિયાન મોસાદ ઈરાનની અંદરથી ડ્રોન લોન્ચ કરવામાં સક્ષમ હોવાનું કહેવાય છે. આ સમગ્ર ઓપરેશનનાં પ્રારંભિક લક્ષ્યો નટાન્ઝમાં પરમાણુ કેન્દ્ર અને IRGC સંબંધિત સ્થાનો હતાં. ઇઝરાયેલી સેના લાંબા સમયથી આ યોજના બનાવી રહી હતી.
ઇઝરાયેલનો ઉદ્દેશ ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવાનો છે. ઇઝરાયેલ અને ઘણા પશ્ચિમી દેશોને શંકા છે કે ઈરાન ગુપ્ત રીતે બ્રેકઆઉટ ક્ષમતા પર કામ કરી રહ્યું છે, જેનો અર્થ એ છે કે ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવવાની બહુ નજીક પહોંચી ગયું છે. એક દાયકા કરતાં વધુ સમયથી ઇઝરાયેલ ઈરાનની પરમાણુ પ્રગતિને ધીમી પાડવા અને પાછળ ધકેલવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, ઈરાન આ વાતનો ઇનકાર કરે છે અને હંમેશા આગ્રહ રાખે છે કે તેનો કાર્યક્રમ એક નાગરિક પરમાણુ કાર્યક્રમ છે, જેના માટે તેને રશિયા તરફથી મદદ મળી છે અને તે સંપૂર્ણપણે શાંતિપૂર્ણ હેતુઓ માટે છે. ઇઝરાયેલ આ વાત માનવા તૈયાર નથી.

ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે ૨૦૧૫માં બરાક ઓબામાના શાસન કાળમાં એક કરાર થયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે તેને દુનિયાનો સૌથી ખરાબ સોદો ગણાવ્યો હતો અને રાષ્ટ્રપતિ બન્યા પછી અમેરિકાને આ સોદામાંથી બહાર કાઢી નાખ્યું હતું. ઈરાને પણ ૨૦૧૮ માં આ કરારનું પાલન કરવાનું બંધ કરી દીધું હતું. ઈરાનની બહાર કોઈ એવું નથી ઈચ્છતું કે ઈરાન પરમાણુ બોમ્બ ધરાવે. ઈઝરાયલ એક નાનો દેશ છે જેની વસ્તી લગભગ ૯૫ લાખ છે. ઈઝરાયલ માને છે કે ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો હોવા તેના અસ્તિત્વ માટે ખતરો છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમ દ્વારા અત્યંત સમૃદ્ધ યુરેનિયમના ઉત્પાદન અંગે ચિંતાઓ છે. તેનું સ્તર ૬૦ ટકા સુધી સમૃદ્ધ કરવામાં આવ્યું છે, જે પરમાણુ ઊર્જા ઉત્પન્ન કરવા માટે પૂરતું છે, પરંતુ પરમાણુ બોમ્બ બનાવવા માટે ઓછું છે.
ઇઝરાયેલ માટે આ એક મહત્ત્વપૂર્ણ સમય છે. ઈરાન પહેલેથી જ નબળું પડી ગયું છે. આનું કારણ લેબનોન, સીરિયા અને ગાઝામાં તેના સાથીઓની હાર અથવા લગભગ વિનાશ છે. આ ઉપરાંત ગયા વર્ષે કરાયેલા ઇઝરાયલી હુમલાઓને કારણે ઈરાનનું હવાઈ સંરક્ષણ નોંધપાત્ર રીતે નબળું પડી ગયું છે. અમેરિકામાં ઇઝરાયેલના એક સમર્થક રાષ્ટ્રપતિ છે. ઇઝરાયેલને એ પણ ડર હતો કે ઈરાન કેટલાક મુખ્ય યુરેનિયમ સંવર્ધન ઉપકરણોને ભૂગર્ભમાં ખસેડી રહ્યું છે. ઇઝરાયેલ શું ઇચ્છે છે તે સ્પષ્ટ છે. તે ઇચ્છે છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમને ઘણાં વર્ષો પાછળ ધકેલી દેવામાં આવે અથવા તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવે. ઇઝરાયેલના લશ્કર અને રાજકારણમાં ઘણાં લોકો આશા રાખી રહ્યા છે કે આ કાર્યવાહી ઈરાનના નેતૃત્વને નબળું પાડશે અથવા પતન કરશે. આનાથી એક નવા શાસનની શરૂઆત થશે જે પ્રદેશ માટે ખતરો નહીં હોય.
ઇઝરાયેલનું આક્રમણ વિપરીત પરિણામ પણ લાવી શકે છે. તે પરમાણુ શસ્ત્રોની સ્પર્ધા શરૂ કરી શકે છે. ઈરાનની સુરક્ષા એજન્સીઓ લાંબા સમયથી દલીલ કરે છે કે ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા ભવિષ્યમાં થતા હુમલાઓ ખાળવાનો શ્રેષ્ઠ ઉકેલ પરમાણુ શસ્ત્રો મેળવવાનો છે. તે બાબતમાં લિબિયા અને ઉત્તર કોરિયાના નેતાઓ પાસેથી પાઠ લેવા જેવું છે. લિબિયાના કર્નલ ગદ્દાફીએ ૨૦૦૩ માં તેમના સામુહિક વિનાશનાં શસ્ત્રોનો કાર્યક્રમ બંધ કરી દીધો હતો, પરંતુ આઠ વર્ષ પછી પશ્ચિમી હવાઈ શક્તિ દ્વારા સમર્થિત વિરોધ પ્રદર્શનો વચ્ચે તેમની હત્યા કરવામાં આવી હતી.
બીજી બાજુ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં, ઉત્તર કોરિયાએ પરમાણુ શસ્ત્રો અને બેલિસ્ટિક મિસાઇલોનો વિશાળ ભંડાર એકઠો કર્યો છે. આ કારણે કોઈ પણ દેશ ઉત્તર કોરિયા પર હુમલો કરતાં પહેલાં બે વાર વિચાર કરશે. ઇઝરાયેલના ઓપરેશન રાઇઝિંગ લાયનથી ઈરાનને ગમે તેટલું નુકસાન થાય, જો ઈરાનનું વર્તમાન શાસન બચી જાય, તો તે પરમાણુ બોમ્બ બનાવવાની અને તેનું પરીક્ષણ કરવાની તેની દોડને વેગ આપી શકે છે. જો આવું થાય, તો મધ્ય પૂર્વમાં પરમાણુ શસ્ત્રોની સ્પર્ધા શરૂ થઈ શકે છે, જેમાં સાઉદી અરેબિયા, તુર્કી અને ઇજિપ્ત પણ જોડાઈ શકે છે.
અમેરિકા પહેલાથી જ જાણતું હતું કે ઇઝરાયેલ ઈરાન પર હુમલો કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ વાત સ્વીકારી છે. ઇઝરાયેલ સામે બદલો લેવા માટે ઈરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોને અટકાવવામાં અમેરિકાનું સૈન્ય મદદ કરી રહ્યું છે. એક અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકા મિસાઇલોને અટકાવવા અને પ્રદેશમાં અમેરિકાના લશ્કરી બેઝને વધુ સારી સુરક્ષા પૂરી પાડવા માટે તેની સિસ્ટમોને ઇઝરાયેલની નજીક ખસેડી રહ્યું છે. ઇઝરાયેલ-ઈરાન યુદ્ધે હવે ઈરાન અને અમેરિકા વચ્ચેની રાજદ્વારી વાટાઘાટો પર અસર કરી છે. ઈરાન કહે છે કે તાજેતરના હુમલા પછી અમેરિકા સાથે રાજદ્વારી વાટાઘાટો ચાલુ રાખવાની શક્યતાનો અંત આવ્યો છે. ઇરાને ઇઝરાયલી હુમલા માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. આ હુમલા પછી ઈરાન સત્તાવાર રીતે અમેરિકા સાથેની પરમાણુ વાટાઘાટોમાંથી ખસી ગયું છે.
હવે પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે શું આ ઘટના ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત બની શકે છે? નિષ્ણાતો માને છે કે તેનો જવાબ રશિયા અને ચીન જેવા દેશોના વલણ પર નિર્ભર કરે છે. અમેરિકા ઇઝરાયેલનું મુખ્ય સાથી છે. મધ્ય પૂર્વમાં તેના ૪૦,૦૦૦ સૈનિકો તૈનાત છે. જો ઈરાન પર વધુ હુમલા થાય તો અમેરિકા યુદ્ધમાં સામેલ થઈ શકે છે, જે નાટોને પણ યુદ્ધમાં જોડી શકે છે. નિષ્ણાતો કહે છે કે જો આગામી ૭૨ કલાકમાં પરિસ્થિતિ કાબૂ બહાર જશે તો વિશ્વયુદ્ધની શક્યતા વધી શકે છે. રશિયાએ ઈરાનને S-૩૦૦ હવાઈ સંરક્ષણ પ્રણાલી પૂરી પાડી છે.
તેણે યુક્રેન યુદ્ધમાં શાહેદ-૧૩૬ ડ્રોનનો ઉપયોગ કર્યો છે. જો રશિયા ઈરાનમાં વધુ શસ્ત્રો અથવા સૈનિકો મોકલે તો તે સંઘર્ષને વધારી શકે છે. ચીને ઈરાન સાથે ૪૦૦ અબજ ડોલરનો ઊર્જા કરાર કર્યો છે. ચીન તેને પોતાનું વ્યૂહાત્મક ભાગીદાર માને છે. ચીન ઇઝરાયેલના ઈરાન પરના હુમલાને અસ્થિર કરનાર ગણાવે છે. અત્યાર સુધી ચીને લશ્કરી હસ્તક્ષેપને નકારી કાઢ્યો છે, પરંતુ ચીન ઈરાનને આર્થિક સહાય પૂરી પાડી શકે છે, જે યુદ્ધને લંબાવી શકે છે. ચીન મધ્ય પૂર્વમાં તેના તેલ અને ગેસ હિતોને સુરક્ષિત કરવા માંગે છે. જો ઇઝરાયેલ-અમેરિકા જોડાણ મજબૂત બને તો ચીન ઈરાન સાથે ઊભું રહી શકે છે.
ઇઝરાયેલ માટેનો ખતરો હજુ ટળ્યો નથી. ઈરાન હજુ પણ તેના માટે મૃત્યુઘંટ સમાન છે. ૧૦૦ થી વધુ બેલિસ્ટિક મિસાઇલો છોડ્યા પછી ઇરાને ફરી એક વાર હુમલો કર્યો છે. ઇરાને જાહેરાત કરી છે કે તેણે ફરી એક વાર ઇઝરાયેલ પર મિસાઇલોનો વરસાદ કર્યો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીએ પણ યુદ્ધની ઘોષણા કરી છે. તેમણે કહ્યું કે આજે આપણે દુષ્ટ, દ્વેષપૂર્ણ, આતંકવાદી ઝાયોનિસ્ટ (યહૂદી) ઓળખનો કડક જવાબ આપવો જોઈએ. અલ્લાહની ઇચ્છાથી, આપણે તાકાતથી જવાબ આપીશું અને તેમના પર કોઈ દયા નહીં બતાવીએ. આ રીતે ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે તેનો દેશ ઇઝરાયેલ સામેના યુદ્ધમાં ઝૂકશે નહીં. આ યુદ્ધમાં એક બાજુ અમેરિકા જેવી મહાસત્તા છે તો બીજી બાજુ ચીન અને રશિયા જેવી મહાસત્તાઓ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.