અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ પર પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમ સામે ભારત એક સાથે બબ્બે ટેસ્ટ રમવાનું છે. સમગ્ર ગુજરાતમાં ઉત્તેજના ફેલાયેલી છે. ગુજરાત ક્રિકેટ એસો.ના નેજા હેઠળ બનેલું આ સ્ટેડિયમ પર આગામી બુધવારથી ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ રમાશે. ત્યાર બાદ ચોથી ટેસ્ટ આ જ સ્ટેડિયમ પર ડે. ટેસ્ટ રહેશે. ત્યાર બાદ અહીં ટવેન્ટી-20 મેચો પણ રમાશે. એક લાખ દસ હજાર દર્શકોને સમાવી શકે એવું આ સરદાર પટેલ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. આથી જ ગુજરાત માટે આ એક વિશિષ્ટ ગૌરવપ્રદ ખેલ ઘટના બની રહેશે.
માત્ર ક્રિકેટ જ નહીં પણ મોટેરાના શણગાર પછી અન્ય રમતોને પણ પ્રોત્સાહિત કરી શકાશે.
હવે મોટેરા પર આઈપીએલનું આયોજન થાય એવાં ચક્રો ગતિમાન છે. ક્રિકેટની જ વાત કરીએ તો અક્ષર પટેલ નવી ઈન્ટરનેશનલ પ્રતિભા બની ચૂકયો છે. ગુજરાત એક વાર રણજી ટ્રોફી ચેમ્પિયન પણ બની ચૂકયું છે. મોટેરા સ્ટેડિયમની કામગીરીમાં જય શાહે સારી જહેમત ઉઠાવી છે. વળી જય શાહ બી.સી.સી.આઈ.ના મંત્રી તરીકે હાલ કાર્યભાર સંભાળી રહ્યા છે. એશિયન ક્રિકેટમાં પણ એ ચૂંટાયા છે. આથી બોર્ડમાં પણ ગુજરાતનો અવાજ બુલંદ થયો છે. આઈ.પી.એલ.માં પણ અનેક ગુજરાતી ક્રિકેટરો રમી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી પ્રતિવર્ષ ખેલમેળાઓ યોજાય છે. આથી ગુજરાતની અનેક ખેલ-પ્રતિભાઓને વેગ મળ્યો છે. શાળાઓ અને મહાશાળાઓમાં ટુર્નામેન્ટો વધી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ગુજરાતમાં સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રકચર્સ અને અન્ય સુવિધાઓ વધી છે. આથી પ્રોમીસીંગ પ્લેયર્સને પ્રોત્સાહન મળી રહે છે. ખેલ મેળાઓ ગામડે સુધી પહોંચ્યા છે. આપણા ડાંગની સરિતા ગાયકવાડ 2018 એશિયન ગેઇમ્સમાં ગોલ્ડ જીતી લાવી હતી. ગુજરાત સરકારે સરિતાને ગુજરાત સ્ટેટ પોષણ અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. ઉપરાંત આ સ્ટાર એથ્લેટને ગુજરાત પોલીસે ડીવાયએસપી હોદો આપી ભરતી કરી છે. આવી અનેક ખેલ-પ્રતિભાઓને જોબ સિક્યુરિટી મળી રહી હોવાથી ખેલ લગાવ વધે છે.
દરેક રમતમાં હવે એકેડમી અને પર્સનલકોચીંગ ફેસિલિટી પણ વધી છે. સ્પષ્ટ કારણ છે કે અન્ય રમતોના જાગૃત સ્પોન્સર્સ ઇન્વેસ્ટ કરી રહ્યા છે. ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સીંગ ધોનીએ હાલમાં જ ક્રિકેટ એકેડેમી અમદાવાદ ખાતે શરૂ કરી છે. એકેડેમીના ઉદ્દઘાટન વેળા સુરેશ રૈના પણ આવ્યો હતો. એમ. એસ. ધોની એકેડેમીમાં સુરેશ રૈના અમદાવાદ આવીને તાલીમાર્થીઓને ટીપ્સ આપશે.
હવે થોડીક વાત સુરતની કરી લઇએ. નિહાળવા મળ્યું છે કે વાલીઓ પોતાનાં બાળકોને સ્પોર્ટસમાં કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કરી રહ્યાં છે. સુરતમાં સંખ્યાબંધ જિમનેસ્યમો ચાલે છે. અનેક ટુર્નામેન્ટો રમાઈ રહી છે. સુરત શહેર સ્વીમીંગ, ટેબલ ટેનિસ, બેડમિંગ્ટન, ટ્રાઈથ્લોન કે જયુડો વિગેરે રમતોમાં સારું કાઠું કાઢી ઊંચા દરજ્જાના ખેલાડીઓનું પ્રદાન કર્યું છે. જાણીતાં નામોમાં માનવ ઠક્કર, હરમીત દેસાઈ, મોર્મિકા નાગપુરે, કલ્યાણી સકસેના સેસન ક્રિશ્ચિન, શિવ સેલર, ડિસ્કી સેલર અશફાક શેખ અને જીવજૈન જેવા ખેલાડીઓએ નાનીમોટી ખેલ ઉપલબ્ધિને હાંસલ કરી છે. ટીટીમાં ફ્રેનાઝ ચિપિયાની સિદ્ધિઓ અનેક છે.
એમાંય હરમીત દેસાઈએ કોમનવેલ્થ અને એશિયન રમતોમાં મેળવેલા ચંદ્રકો નગરીની સર્વોચ્ચ સફળ ખેલસીમા છે. માનવ ઠક્કરે સ્વીમીંગમાં એશિયન રમતોમાં બ્રોન્ઝ જીત્યો હતો. મોનિકા નાગપુરે ટ્રાઈથ્લોનમાં સિદ્ધિ મેળવી છે. અશફાક શેખ કવોલિફાઈ થયો છે. સૌથી મહત્ત્વનું વેઇટલીફટીંગ અને સ્ટ્રેન્થ લિફિંટગમાં ઘણા લીફટર્સ આં.રા.કક્ષાએ મેડલો મેળવ્યા છે. આ ક્ષેત્રે જૂની અને જાણીતી બાલાજી વ્યાયામ શાળાનું નામ ઉલ્લેખવું જરૂરી છે. સુરત અને ક્રિકેટરો રણજી ટ્રોફીમાં સારાં પ્રદર્શનો કરી રહ્યાં છે. હવે સુરત ડિસ્ટ્રીકટ એસો. મોટી મેચો રમાડવા પ્રતિબદ્ધ છે. ભારત-દ.આફ્રિકા વચ્ચે લેડીઝની સીરીઝ લાલભાઈ કોન્ટ્રેકટર સ્ટેડિયમ પર રમાઈ ચૂકી છે. હવે વિજય હઝારે ટ્રોફી નિહાળતાં નગરીને મોટી મેચો મળી રહેશે એવાં એંધાણો સ્પષ્ટ થયાં છે.
હવે સુરતમાં ઘણી ક્રિકેટ ટુર્નામેન્ટો રમાવા માંડી છે. ‘ગુજરાતમિત્ર’ આયોજિત ઇન્ટર કોમ્યુનિટી ટુર્નામેન્ટ નગરી માટે એક નવી જ પહેલ છે. રમતની સાથે અહીં કોમી એકતાનાં પણ દર્શન થઈ રહ્યાં છે.