ભારતના હવાઈ ઉડ્ડયન ક્ષેત્રમાં સૌથી મોટી વિમાન દુર્ઘટના પછી નિષ્ણાતો આ દુર્ઘટનાનાં કારણોની છણાવટ કરી રહ્યા છે. આ લખાય છે ત્યાં સુધી વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું ન હોવાથી નિર્ણાયક રીતે કંઈ પણ કહેવું મુશ્કેલ છે, પણ મોટા ભાગના નિષ્ણાતો એ બાબતમાં સંમત છે કે જે બોઈંગ ૭૮૭ નું એક પણ વિમાન આજ દિન સુધી ક્રેશ નથી થયું. તેનું વિમાન ઉડાન ભરવાની ૫૩ સેકન્ડમાં પડી ભાંગે તે ઘટના કુદરતી નથી પણ વિમાનમાં કોઈ ભાંગફોડ છેલ્લી ઘડીએ કરવામાં આવી હોય તેવી વધુ સંભાવના છે. બોઈંગ ૭૮૭ માં બે એન્જિનો હોય છે અને એક એન્જિન ફેઇલ જાય તો વિમાન બીજા એન્જિન પર સલામત ઉડ્ડયન ભરી શકે છે.
ટેઇક ઓફ્ફની ગણતરીની સેકન્ડોમાં વિમાનનાં બંને એન્જિનો ફેઇલ જાય તે માનવું બહુ મુશ્કેલ છે. દુર્ઘટનાના જે વિડિયો ફૂટેજ જોવા મળ્યા તેમાં પણ વિમાનની ચાંચ નીચે તરફ નહીં પણ ઉપર તરફ ઝૂકેલી જોવા મળે છે. જો વિમાન ઉપર તરફ જઈ રહ્યું હતું તો તે અચાનક નીચે તરફ ગતિ કેમ કરવા લાગ્યું? એ સવાલનો જવાબ મળતો નથી. વિમાન દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બચી જનારા એક માત્ર ઉતારુ કહે છે કે વિમાને ટેઇક ઓફ્ફ કર્યું તેની ૩૦ સેકન્ડમાં તેણે મોટો ધડાકો સાંભળ્યો હતો. આ બોમ્બનો ધડાકો હોઈ શકે છે કે પક્ષી અથડાવાને કારણે થયેલો ધડાકો પણ હોઈ શકે છે.
જો બોમ્બનો ધડાકો હોય તો તેનો સંબંધ આતંકવાદ સાથે હોઈ શકે છે. જો પક્ષી અથડાવાને કારણે ધડાકો થયો હોય તો પણ તેને કારણે વિમાનનું એક એન્જિન બંધ થઈ ગયું હોઈ શકે છે. બંને એન્જિન પક્ષી અથડાવાને કારણે બંધ થઈ જાય તેવી ઘટના દુર્લભ છે. વળી વિમાનમાં બે ધડાકા થયા હતા તેવું બચી જનાર ઉતારુ કહેતો નથી. આ સંયોગોમાં પાઇલોટની ભૂલ અથવા ભાંગફોડનાં કારણો જ બાકી રહે છે. વિમાનના પાઇલોટો જે અનુભવ અને કાબેલિયત ધરાવતા હતા તે જોતાં પાઇલોટની ભૂલ થઈ હોય તેવી સંભાવના બહુ ઓછી રહે છે. વિમાનના વિડિયો ફૂટેજ તપાસનારા કહે છે કે દુર્ઘટના વખતે વિમાનના લેન્ડિંગ ગિયર ખુલ્લાં હતાં તે વિચિત્ર બીના ગણાય, કારણ કે ટેઇક ઓફ્ફ પછી તરત લેન્ડિંગ ગિયર બંધ કરી દેવામાં આવે છે. શું વિમાન ઊંચાઈ સુધી જવામાં નિષ્ફળ ગયું તેના કારણે પાઇલોટો લેન્ડિંગ કરવાની તૈયારી કરી રહ્યા હતા?
અમદાવાદથી ઉડાન ભર્યા પછી તરત જ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રેશ થવાનું કારણ શું હતું તે નક્કી કરવા માટે સંપૂર્ણ તપાસ જરૂરી છે, પરંતુ ઉડ્ડયન નિષ્ણાતો કહે છે કે આમાં ઘણાં સંભવિત પરિબળો ભૂમિકા ભજવી શકે છે. ઉડ્ડયન વિશ્લેષકોએ આ દુર્ઘટનાનું કારણ શું હતું તે અંગે વિવિધ વિચારો રજૂ કર્યા છે. યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ ખાતે એરોસ્પેસ ડિઝાઇનના સિનિયર લેક્ચરર ડૉ. સોન્યા બ્રાઉને જણાવ્યું હતું કે ફૂટેજ સૂચવે છે કે વિમાન અટકી ગયું હતું, કારણ કે તેને જોઈએ તેટલો થ્રસ્ટ મળ્યો નહોતો. થ્રસ્ટનો અભાવ શા માટે હતો તે કારણ અસ્પષ્ટ રહ્યું છે.
થ્રસ્ટ ન મળવાને કારણે વિમાન ઊંચકાયું નહોતું અને તેની ગતિ પણ ધીમી પડી ગઈ હતી. જો તમારી પાસે થ્રસ્ટ ન હોય અને તમે ગતિ ગુમાવો તો તમે અટકી પડો છો અને રડાર ડેટા સૂચવે છે કે પ્રારંભિક ટૂંકા ચઢાણ પછી વિમાન તેની ગતિ ગુમાવી રહ્યું હતું. કેટલાંક લોકોએ વિડિયો ફૂટેજનું અર્થઘટન એવું કર્યું કે ટેઇક ઓફ્ફ દરમિયાન પાંખોના ફ્લૅપ્સ લંબાવવામાં આવ્યા ન હતા. આ પાઇલટની ભૂલ અને ક્રેશનું કારણ હોઈ શકે છે. આ ફ્લૅપ્સને લિફ્ટ જનરેટ કરવામાં મદદ કરવા માટે લંબાવી શકાય છે અને ટેઇક ઓફ્ફ અને લેન્ડિંગ દરમિયાન તે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.
બોઇંગ ૭૮૭ બે એન્જિનવાળું વિમાન છે પરંતુ તે એક એન્જિન પર ઊડી શકે છે, જે આધુનિક ઉડ્ડયનમાં ઉપયોગમાં લેવાતી ઘણી બધી વધારાની સુવિધાઓમાંથી એક છે, જેણે તેને આંકડાકીય રીતે પરિવહનનાં સૌથી સુરક્ષિત સ્વરૂપોમાંનું એક બનાવ્યું છે. પક્ષી અથડાવાથી બે એન્જિન એક સાથે બંધ થઈ જાય તેવું ભાગ્યે જ બને છે, પણ એવું થઈ શકે છે. ૨૦૦૯માં યુએસ એરવેઝની ફ્લાઇટ ૧૫૪૯ના બંને એન્જિન પર પક્ષી અથડાવાથી વિમાનના કેપ્ટન સુલી સુલેનબર્ગરને ન્યૂ યોર્કની હડસન નદી પર ઉતરાણ કરવાની ફરજ પડી હતી. હેન્સફોર્ડે અમદાવાદ એરપોર્ટ પર સેંકડો પક્ષીઓના હુમલાનો ઇતિહાસ નોંધ્યો હતો. ગુરુવારે સવારે અમદાવાદમાં ગરમ તાપમાન હતું. એવી પરિસ્થિતિમાં પક્ષીઓના હુમલાની શક્યતા વધારે રહેતી હોય છે.
યુનિવર્સિટી ઓફ યોર્ક ખાતે સેફ્ટી ચેર પ્રોફેસર જોન મેકડર્મિડે જણાવ્યું હતું કે ટેઇક ઓફ્ફ રોલમાં પાઇલોટ ખૂબ મોડે સુધી ટેઇક ઓફ્ફ અટકાવી શકે છે, તેથી એવું લાગે છે કે અમદાવાદ દુર્ઘટનામાં સમસ્યા ટેઇક ઓફ્ફ રોલના અંતિમ ભાગમાં અથવા ટેઇક ઓફ્ફ પછી તરત જ અચાનક આવી હતી અને તે એટલી ગંભીર હતી કે તેને નિયંત્રિત કરી શકાઇ નહોતી. વિમાન જ્યારે બહુ ઊંચાઇ ઉપર હોય ત્યારે બંને એન્જિન બંધ થઈ જાય તો પણ વિમાન થોડો સમય માટે હવામાં ગ્લાઈડ કરતું રહે છે અને સલામત ઉતરાણ પણ કરી શકે છે, પણ આ લાભ વધુ ઊંચાઈ પર જ મળતો હોય છે. અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલું વિમાન માંડ ૮૦૦ ફૂટ ઊંચાઈએ પહોંચ્યું હતું. આટલી ઊંચાઈ પર વિમાનને ગ્લાઇડ કરાવવા માટે પર્યાપ્ત સમય મળતો નથી. તો પણ એર ઇન્ડિયાના પાઇલોટે છેલ્લી ક્ષણોમાં વિમાનને ગ્લાઇડ કરાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.
ભૂતપૂર્વ પાઇલટ અને સ્ટ્રેટેજિક એવિએશન સોલ્યુશન્સ કન્સલ્ટન્સીના અધ્યક્ષ નીલ હેન્સફોર્ડે જણાવ્યું હતું કે પાઇલોટની ભૂલ એક કારણ હોઈ શકે છે. અમદાવાદના અકસ્માતમાં બોઇંગ ૭૮૭ ની ઓછી ઊંચાઈ, ઓછી ગતિ અને ગિયર ડાઉન હોવાને કારણે, ટેકઓફ દરમિયાન એરક્રાફ્ટ સેટિંગ્સમાં પાઇલોટની મોટી ભૂલ થઈ હોવાની સંભાવના છે. ટેઇક ઓફ્ફ સમયે કોન્ફિગરેશનની ભૂલ એ વિમાનના સેટિંગ્સમાં ભૂલ છે, જે તેને યોગ્ય રીતે ઉડાન ભરતાં અટકાવે છે.
આમાં ફ્લૅપ્સનું ખોટું સેટિંગ્સ, ઓછો થ્રસ્ટ, અકાળે ટેઇક ઓફ્ફ અથવા લેન્ડિંગ ગિયર બંધ કરવામાં નિષ્ફળતાનો સમાવેશ થાય છે. વિમાન જ્યારે ૮૨૫ ફૂટની ઊંચાઈએ પહોંચ્યું ત્યારે તેની ગતિ ફક્ત ૧૭૪ નોટ હતી, જ્યારે વિમાનને આ વજન પર ઓછામાં ઓછી ૨૦૦-૨૫૦ નોટની ગતિની જરૂર હતી. વિડિયોમાં વિમાનના લેન્ડિંગ ગિયર (વ્હીલ્સ) નીચે દેખાતાં હતાં, જે ટેઇક ઓફ્ફ દરમિયાન ત્યાં ન હોવાં જોઈએ. વિમાન લાંબા અંતરની ઉડાન ભરી રહ્યું હતું અને તેનું વજન લગભગ તેની સંપૂર્ણ મર્યાદા (૨૨૭ ટન) પર હતું. ફ્લાઇટ મેનેજમેન્ટ સિસ્ટમમાં કોઈ ખામી રહી હશે અથવા પાઇલોટે થ્રસ્ટ (એન્જિન પાવર) સેટ કરવામાં ભૂલ કરી હશે, જેના કારણે વિમાનને ઊડવા માટે જરૂરી શક્તિ મળી નહીં હોય. આ કારણે વિમાનની ગતિ અને ઊંચાઈ ઓછી રહી હશે.
પાઇલોટ સામાન્ય રીતે એન્જિનનો પાવર નક્કી કરવા માટે ફ્લાઇટ મેનેજમેન્ટ સિસ્ટમમાં દાખલ કરેલા ડેટા પર આધાર રાખે છે, પરંતુ જો વજન, તાપમાન અથવા રન વે લંબાઈ જેવી માહિતી ખોટી રીતે દાખલ કરવામાં આવે તો એન્જિન ઓછો પાવર ઉત્પન્ન કરે છે. બોઈંગ ૭૮૭ ના બંને પાઇલોટો બહુ અનુભવી હતા, પણ થાક કે ઉતાવળને કારણે તેમણે ફ્લાઇટ મેનેજમેન્ટ સિસ્ટમમાં ડેટા દાખલ કરવામાં ભૂલ કરી હોય તેવું બની શકે છે. રોટેશનનો અર્થ એ છે કે ટેઇક ઓફ્ફ દરમિયાન વિમાનનું નાક ઊંચું કરવું, જેથી વિમાન જમીન પરથી ઊંચકાઈ શકે. આ રોટેશન નક્કી કરેલી ગતિ પર કરવામાં આવે છે. જો વિમાન આ ગતિ પહેલાં ઊંચકવાનો પ્રયાસ કરે છે, તો વિમાનને પૂરતું લિફ્ટ બળ મળતું નથી. આનાથી વિમાનની પૂંછડી રન વે સાથે અથડાઈ શકે છે અથવા વિમાન અસ્થિર થઈને પડી શકે છે. અમદાવાદમાં ગરમીને કારણે વિમાનની લિફ્ટ પણ ઓછી થઈ ગઈ હતી, જેનો અર્થ થયો કે તેને જમીન સુધી વધુ લાંબું અંતર કાપવું પડ્યું હતું.
વિમાનમાં ટેકનિકલ કે માળખાકીય ખામી અચાનક પેદા થઈ ગઈ હોઈ શકે છે, પરંતુ બોઈંગ ૭૮૭નો સલામતી રેકોર્ડ ઉત્તમ છે અને આવી કોઈ ઘટના પહેલાં બની નથી. વળી કોઈ પણ ફ્લાઇટ ટેઇક ઓફ્ફ કરે તે પહેલાં તેની પૂરેપૂરી ટેકનિકલ ચકાસણી કરવામાં આવતી હોય છે. જો વિમાન હેંગરમાં હોય ત્યારે તેમાં છેલ્લી ઘડીએ કોઈ ભાંગફોડ કરવામાં આવી હોય તેવું બની શકે છે. જો આ ભાંગફોડ પુરવાર થાય તો તેમાં આતંકવાદીઓનો હાથ હોઈ શકે છે. આ બધી સંભાવનાની ચકાસણી પછી જ આપણને વિમાન તૂટી પડવાનું સાચું કારણ જાણવા મળશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.