Vadodara

વડોદરા : 12 દિવસમાં 8 લોકોના મોબાઈલ ઝુંટવી લેનાર બાઈક સવાર ત્રિપુટી ઝડપાઈ

ચોરેલા મોબાઇલ વેચાણ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે જ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા, મોબાઈલ અને બાઈક મળ્યું રૂ. 1.08 લાખનો મુદ્દામાલ કબજે

વડોદરા તા.13
વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી બાઈક સવાર ટોળકીએ અલગ અલગ વિસ્તારોમાં લોકોના મોબાઇલ ઝૂટવીને આતંક મચાવ્યો હતો. 12 દિવસમાં રસ્તે ચાલતા અને વાહન પર જઇ રહેલા લોકોના હાથમાંથી મોબાઇલ ઝુંટવી લીધા બાદ બાઇક લઈ ફરાર થઈ જતી ત્રિપૂટીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખોડીયાર નગર વુડાના મકાનથી એપીએમસી તરફ જતા ઝડપી પાડ્યા હતા. ચોરી કરેલા મોબાઈલ વેચાણ કરવા માટે જઈ રહ્યા હતા. તેમની પાસેથી આઠ મોબાઇલ અને બાઈક મળી રૂ.1.08 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલતા તથા બાઇક પર જઈ રહેલા લોકોને નિશાન બનાવીને તેમના હાથમાંથી મોબાઇલ તથા પર્સ બાઇક સવાર ત્રિપુટી ઝૂટવીને રફુચક્કર થઈ જતી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચના ક્રાઇમ દ્વારા આ હાથમાંથી પર્સ અને મોબાઇલ ફોન ઝુંટવી લઇ જવાના ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બાઈક અંગે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારે તપાસ કરવામાં આવી હતી. આ આરોપીઓએ મોટાભાગે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારને ટાર્ગેટ કરતા હોય જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે ત્રણ શંકાસ્પદ શખ્સો બાઈક ઉપર સ્નેચિંગ કરેલા મોબાઇલ વેચવા માટે ફરી રહ્યા છે અને થોડીવારમાં મા શક્તિ વુડાથી એપીએમસી માર્કેટ તરફ કાચા રોડ પરથી પસાર થવાના છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ શક્તિ વુડાથી એપીએમસી માર્કેટ તરફ જતા કાચા રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબની બાઇક પર ત્રણ શખ્સો આવ્યા હતા ત્યારે પોલીસને જોઇ તેઓએ બાઈક પરત વળાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી આ ત્રણેય શખ્સોને બાઈક સાઇડમાં ઉભી રખાવી હતી. ત્યારબાદ નરેશ વિઠ્ઠલ વાદી, અર્જુન રાજુ મારવાડી (બન્ને (રહે. પીળા વુડાના મકાનમાં ખોડીયાર નગર ન્યુ વીઆઇપી રોડ વડોદરા) તથા સંજય મેલા વાદી (રહે. દાતા લોજ પછળ ઝુપડામાં, વાઘોડીયા જી.વડોદરા)ની ઝડપી પાડયા હતા. ત્યારે તેઓ પાસેથી જુદી-જુદી કંપનીના 8 મોબાઇલ ફોન મળી આવતા ત્રણેયની પુછપરછ કરી હતી ત્યારે તેઓએ આ મોબાઇલ ફોન વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં રાત્રીના સમયે રસ્તે ચાલતા તેમજ ટુ વ્હીલ વાહન પર જઇ રહેલા મહીલાઓ તેમજ પુરૂષોના હાથમાંથી મોબાઇલ ફોન ઝુંટવી લીધા હતા. જેથી તેમની પાસેથી તમામ મોબાઈલ અને બાઈક મળી રૂ. 1.08 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. કપુરાઇ, મકરપુરા, પાણીગેટ, સયાજીગંજ અને હરણી પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા હોય તમામ પોલીસ સ્ટેશનમાં જાણ કરી આરોપીઓ અને મુદ્દામાલ વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. આરોપી નરેશ વિઠ્ઠલ વાદી અગાઉ ડભોઇ પોલીસ સ્ટેશનમાં (ચોરી) તથા વારસીયા પોલીસ સ્ટેશનમાં ચીલઝડપ, અર્જુન રાજુ મારવાડી અગાઉ ચીલઝડપના 3, ચોરીના 1 અને મારામારીના-2 ગુના મળી 6 ગુનામાં પકડાયા છે. આ આરોપી એક વખત પાસામાં પણ ગયો છે. ઉપરાંત વાડી, બાપોદ, પાણીગેટ, વારસીયા પોલીસ સ્ટેશન નોંધાયેલા છે.સંજયભાઇ મેલા વાદી અગાઉ ડભોઇ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયો છે.

Most Popular

To Top