Dakshin Gujarat

પ્લેન ક્રેશ: રાંદેરનું તબીબ દંપતી, રામપુરાનો નાનાબાવા પરિવાર, વાપીના બદરૂદ્દીન હાલાણી સવાર હતા..

આજે ગુરુવારે તા. 12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઈન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું તેમાં દક્ષિણ ગુજરાતના મુસાફરો પણ સવાર હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વાપી ભાજપનું જાણીતા નામ બદ્દરૂદ્દીન હાલાણી તેમના પરિવારના કેટલાંક સભ્યો સાથે પ્લેનમાં સવાર હતા. આ ઉપરાંત મૂળ બ્રિટિશના નાગરિક અને સુરતના રામપુરાનો નાનાબાવા પરિવાર પણ આ પ્લેનમાં લંડન જઈ રહ્યો હતો. આ ઉપરાંત રાંદેરનું તબીબ દંપતી પણ સવાર હતું. પ્લેનમાં સવાર મુસાફરોની યાદી બહાર આવી છે.

ડો. હિતેશ શાહની ફાઈલ તસવીર.

ડો. હિતેશ શાહ અને તેમના પત્ની અમીતા શાહની ફાઈલ તસવીર.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં એરઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું તેમાં રાંદેર-અડાજણ પાટીયાના સ્મિત સર્જીકલ હોસ્પિટલનું તબીબ દંપતી ડો. હિતેશ શાહ અને તેમના પત્ની અમીતા શાહ પણ સવાર હતા. ડો. હિતેશ શાહ લંડન ખાતે પોતાની બહેનના ઘરે જઈ રહ્યાં હતા.

સુરતના ડો. સ્મિત શાહ બહેનનો બર્થ ડે સેલિબ્રેટ કરવા લંડન જઈ રહ્યાં હતાં, દુર્ઘટના પહેલાં મિત્ર સાથે ફોન પર વાત થઈ
અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સુરતના રાંદેર-અડાજણ પાટિયા રોડના જાણીતા સ્મિત સર્જીકલ હોસ્પિટલના ડો. હિતેશ શાહ અને તેમના પત્ની અમીતા શાહ પણ સવાર હતા.

આ દંપતી ડો. હિતેશ શાહના લંડન નિવાસી બહેનના 70મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે લંડન જઈ રહ્યાં હતાં. એરપોર્ટ પર ચેકિંગ કર્યા બાદ અમીતા શાહે પોતાની અંગત મિત્ર અને સાઈકિયાટ્રીસ્ટ ડો. આરતી મહેતા સાથે ફોન પર વાત કરી હતી. પોતે ચેકિંગ કરી લીધું અને થોડી વારમાં પ્લેનમાં બોર્ડિંગ કરશે તેવો મેસેજ આરતીબેને મિત્ર ડો. આરતી મહેતાને આપ્યો હતો.

ડો. આરતી મહેતાએ કહ્યું કે, ડો. હિતેશ શાહ સુરતના તબીબી જગતનું ખૂબ જ રિસ્પેક્ટેડ નામ છે. તેમના પરિવારમાં બે દીકરા સ્મિત અને સ્નેહ છે. બંને દીકરાઓ લંડનમાં સેટલ થયા છે. ડો. હિતેશ શાહની બહેનનો 70મો બર્થ ડે હોય તેના સેલિબ્રેશન માટે દંપતી લંડન જઈ રહ્યું હતું.

અકીલ નાનાબાવાની ફાઈલ તસવીર.

આ ઉપરાંત અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સુરતના રામપુરા છડાઓલ મના એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ બ્રિટિશ નાગરિક અકીલ અબ્દુલ્લા નાનાબાવા તેમના પત્ની અને દીકરી ઘવાયા હોવાના મેસેજ છે. તેઓને અમદાવાદ સિવિલમાં લઈ જવાયા છે. અકીલ પિતા અબ્દુલ્લા નાનાબાવાને મળવા પત્ની દીકરી સાથે વેકેશન માણવા સુરત આવ્યો હતો.પરિવાર અમદાવાદ સિવિલ જવા રવાના થયો છે. નાનાબાવા પરિવાર લોખાત ટ્રસ્ટ સાથે સંકળાયેલો છે.

બદ્દરૂદ્દીન હાલાણીની ફાઈલ તસવીર.

ભાજપના સક્રિય સભ્ય હતા. લઘુમતી મોરચા અને વક્ફ બોર્ડના વિવિધ હોદ્દા પર જવાબદારી નિભાવી ચૂક્યા છે. બદ્દરુદ્દીન હાલાણી ભાજપના સંનિષ્ઠ કાર્યકર તરીકે જાણીતા હતા. તેમના પત્ની પણ હતા. છેલ્લાં ઘણા સમયથી આણંદ શિફ્ટ થયા હતા. વાપીમાં બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા.

અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક ઓફ કર્યાના પાંચ મીનીટમાં જ ક્રેશ થઇ ગયું છે. પ્લેન તુટી પડવાને પગલે સમગ્ર શહેરમાં અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવવા રવાના થયા છે.

હાલમાં પ્રાથમિક રીતે જે વિગતો સામે આવી છે તેમાં આ પ્લેનમાં 242 મુસાફરો હતા અને મોટા ભાગના મુસાફરો ગુજરાતી હતા. સાથો સાથ પ્લેનમાં માજી મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હોવાનું કહેવાય છે અને તેમનો સીટ નંબર 12 હતો. અત્યાર સુધીમાં 50 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને મૃત્યુ આંક હજુ પણ વધવાની સંભાવના છે.

વડોદરાના સાદીકા શેઠવાલા પરિવાર સાથે મુસાફરી કરતા હતા
વડોદરા મદાર માર્કેટમાં દુકાન ધરાવતાં વેપારી આસીફ શેઠવાલા પુત્રવધૂ સાદીકા શેઠવાલા અને તેની દોઢ વર્ષિય પુત્રી ફાતેમા શેઠવાલા વિમાનમાં મુસાફરી કરતાં હતા. સદીકા શેઠવાલા પતિ લંડન છે તેઓ લંડન જઈ રહ્યા હતા. સદીકા શેઠવાલા અહીં તેમની સગામાં લગ્ન હોવાથી પુત્રી સાથે વડોદરા આવ્યા હતા. સદીકાના સસરા અને તેમના પિતા ઐયુબભાઈ તપેલીવાલા અમદાવાદ જવા રવાના થઈ ગયા છે.

અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલરૂમ કાર્યરત કર્યો છે આ કંટ્રોલરૂમ ના ફોન નંબર 079 23251900 અને મોબાઈલ નંબર 99784053304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.

વિજય રૂપાણીની પ્લેનની તસવીર વાયરલ
આ પ્લેનમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. તેઓ ઈન્જર્ડ હોવાના મેસેજ આવ્યા છે. દરમિયાન વિજય રૂપાણીનો પ્લેનમાં બેઠા હોય તેવી એક તસવીર સોશિયલ મીડિયામાં ફરી રહી છે.

Most Popular

To Top