Vadodara

ડ્રોપ આઉટની સંખ્યા ઘટાડવા શિક્ષણ વિભાગ દ્વારા એ.આઈ નો ઉપયોગ

શાળા છોડી હોય તેવા 164 શાળાના 793 બાળકો મળી આવ્યા

આચાર્ય,સીઆરસી,બીઆરસી કે શાળા વ્યવસ્થાપન સમિતિ મારફતે બાળક અભ્યાસ છોડે નહી તેવા પ્રયત્નો કરવામાં આવશે

( પ્રતિનિધિ ) વડોદરા,તા.11

શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ વખત આર્ટીફિશયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી શાળા છોડી દેવાની સંભાવના ધરાવતા બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા આ પદ્ધતિને અર્લી વોર્નિંગ સિસ્ટમ નામ આપવામાં આવ્યું છે. ત્યારે, જિલ્લામાંથી શાળા છોડી હોય તેવા 164 શાળાના 793 બાળકો મળી આવ્યા છે. જેઓ અભ્યાસ ન છોડે તેવા પ્રયાસ કરવામાં આવનાર છે.

રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે ટેક્નોલોજીના વિનિયોગથી આધુનિક પ્રકારનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. એમાં સરકારી શાળાઓમાં ભણતા તમામ બાળકોના અભ્યાસ ઉપરાંત શૈક્ષણિક પ્રગતિને સતત મોનિટર કરવામાં આવે છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી બાળકના જન્મ થતાં જ શાળામાં પ્રવેશ પાત્રતાની સ્થિતિએ યાદી મળી જાય છે. આથી આંગણવાડી, બાલવાડી અને પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન સંપૂર્ણપણે થઇ જાય છે. પણ, એક વખત બાળક અભ્યાસ શરૂ કરે તે બાદના વર્ષોમાં પણ શાળા છોડી જવાની શક્યતા રહે છે. બાળકની શાળામાં 80 ટકાથી ઓછી હાજરી, પરિવારની આર્થિક સ્થિતિ કે સ્થળાંતર સહિતના પરિબળો કારણોથી બાળક અધ વચ્ચેથી શાળા છોડી દે છે. આવા બાળકોની ઉપલબ્ધ માહિતીનું એઆઇ મારફત વિશ્લેષણ કરાવવામાં આવતા ડ્રોપ આઉટ થવાની શક્યતા ધરાવતા બાળકો મળી આવ્યા છે. જેની યાદી તૈયાર કરવામાં આવી છે. આ અંગે ડીઈઓ મહેશ પાંડેએ જણાવ્યું કે, વડોદરા જિલ્લાની 164 શાળાઓમાંથી આવા 793 બાળકો મળી આવ્યા છે. જેમાં ડભોઇમાં 148, ડેસરમાં 30, કરજણમાં 153, પાદરામાં 114, સાવલીમાં 75, શીનોરમાં 18, વડોદરા તાલુકામાં 98, વાઘોડિયામાં 157 બાળકો ડ્રોપ આઉટ થવાની શક્યતા ધરાવે છે. આ વખતના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાજોત્સવ બનાવવાની અપીલ કરી છે. ત્યારે, ડ્રોપ આઉટની શક્યતા ધરાવતા બાળકો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી શાળાના આચાર્ય,સીઆરસી, બીઆરસી કે શાળા વ્યવસ્થાપન સમિતિ મારફત બાળક અભ્યાસ છોડે નહી તેવા પ્રયત્નો કરવામાં આવશે.

Most Popular

To Top