કલ્પી અને ઝલક શોરૂમને પરવાનગી વિનાના બાંધકામને દૂર કરવા ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના
નવ વખત અરજીઓ બાદ સીએમઓમાં ફરિયાદ થતા ટાઉન પ્લાનિંગ વિભાગને કાર્યવાહી કરવા સૂચના
( પ્રતિનિધિ )વડોદરા,તા.11
વડોદરા શહેરના વૈભવી કહેવાતા વિસ્તાર અલકાપુરીમાં આવેલા શ્રીમ શાલીની મોલના પાર્કિંગ સ્પેસમાં કરાયેલા અનઅધિકૃત બાંધકામ મામલે ટીપીઓમાં નવ વખત અરજી કરવામાં આવી હતી. છતાં કોઈ કાર્યવાહી નહીં થતા આખરે સીએમઓમાં ફરિયાદ થતા ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં કલ્પી અને ઝલક શો રૂમને વધારાનું બાંધકામ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી.

અલકાપુરી આરસીદત્ત રોડ પર આવેલા શ્રીમ શાલીની મોલના કોમન સ્પેસમાં વિશાળકાય થયેલ અનઅધિકૃત તથા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે અરજદાર રાજેન્દ્ર લાડલા દ્વારા ટાઉન પ્લાનિંગ વિભાગ તથા સીએમઓમાં રજૂઆત કરી હતી. જેમાં કલ્પિત તથા ઝલક શોરૂમના ગેરકાયદેસર બાંધકામ થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત બુધવારે પાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી પિયુષ ગવલીએ આ દુકાનદારોને વહેલી તકે દબાણ દૂર કરવાની સૂચના આપી હતી. આ અંગે અરજદાર રાજેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, અલકાપુરીમાં શ્રીમશાલીની મોલ, જેમાં કલ્પી અને ઝલક શોરૂમ વાળાએ અનઅધિકૃત બાંધકામ કરીને કોમન સ્પેસમાં બે માળનો શો રૂમ બનાવ્યો અને ચાર માળની ગેરફાયદેસર લિફ્ટ બનાવેલી છે,સાથે એક મોટો દાદર બનાવેલો છે. જેના લીધે પાર્કિંગ કરવામાં અગવડતા પડે છે. આ લોકો માથાભારે હોવાથી કોઈને ગણકારતા નથી. આની પહેલા પણ અમે નવ જેટલી અરજીઓ કોર્પોરેશનમાં કરી હતી. જેમાં એ લોકોને ત્રણ નોટિસ પણ આપેલી છે. જેમાં છેલ્લી નોટિસ 13 મે 2025ના રોજ આપેલી છે. જેમાં ડિમોલેશન કરવા જણાવ્યું છે. માટે આજે કોર્પોરેશનમાંથી અધિકારીઓ આવ્યા હતા પણ સામે વાળા લોકોએ ખબર નહિ પ્રેશર કરીને અને અધિકારીને રોક્યા હતા. કોર્પોરેશનની સાથે સાથે અમે સીએમઓમાં પણ ફરિયાદ કરેલી છે. જે બાદ કોર્પોરેશનને પત્ર લખી જાણ કરવામાં આવી છે કે આ મામલે કાર્યવાહી કરો. જેથી કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ આવ્યા હતા અને આ વધારાનું બાંધકામ દૂર કરવા માટે સૂચનાઓ આપી હતી.


શ્રીમશાલીની મોલમાં બીન પરવાનગીએ જે લોકોએ બાંધકામ કરેલું છે કોમન સ્પેસમાં તેઓને સૂચના આપી છે. કલ્પી અને ઝલક શોરૂમ છે એની ફરિયાદ કરી હતી. એમણે આ બાંધકામને દૂર કરવા માટે રજૂઆત કરેલી છે. અમે અત્યારે સૂચના આપવા માટે આવ્યા હતા. આગામી દિવસોમાં એ બાંધકામ એ લોકો સંમતિ લીધા વગર જો મંજૂરી કરાવે નહીં તો અમને સૂચના મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે : પિયુષ ગવલી, બાંધકામ તપાસનીશ
ટાઉન પ્લાનિંગ શાખા