National

‘મહારાષ્ટ્રમાં ચૂંટણી ફિક્સ હતી’, રાહુલ ગાંધીના દાવાથી ભાજપ ભડક્યું, CM ફડણવીસે આપ્યો વળતો જવાબ

મહારાષ્ટ્ર ચૂંટણીમાં ‘ફિક્સિંગ’ના દાવાઓ પર રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપે મોરચો ખોલ્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાહુલ પર કટાક્ષ કર્યો અને તેમના પર મતદારોનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. ફડણવીસે કહ્યું કે, બિહાર ચૂંટણી પહેલા જ રાહુલે હાર સ્વીકારી લીધી છે. એનસીપીએ કહ્યું કે જો આટલા મોટા પદ પર બેઠેલા નેતા (લોકસભામાં વિપક્ષના નેતા) પાયાવિહોણા દાવા કરે છે તો તેમના મનમાં શું છે તે સમજાતું નથી.

અંગ્રેજી અખબારમાં પ્રકાશિત રાહુલના લેખ પર સીએમ ફડણવીસે વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે, રાહુલ ગાંધીએ બિહારમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. જ્યાં સુધી રાહુલ ગાંધી જમીન પર ઉતરીને હકીકતો નહીં સમજે ત્યાં સુધી તેમની પાર્ટી હારતી રહેશે. રાહુલ ગાંધીએ ઊંઘમાંથી જાગવું પડશે. તેઓ મતદારોનું અપમાન કરી રહ્યા છે. રાહુલને ખબર નથી કે તેઓ શું બોલી રહ્યા છે.

એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે પણ રાહુલ પર પ્રહાર કરતા કહ્યું કે, રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા છે. જો આટલા ઉચ્ચ પદ પર બેઠેલા નેતા હલકી કક્ષાની વાતો કરે તો તેમના મનમાં શું છે તે સમજવું મુશ્કેલ છે. જ્યારે તે જીતે છે ત્યારે બધું સારું હોય છે. પરંતુ જ્યારે તે હારે છે ત્યારે તે આ બધું કહેતા રહે છે.

અમિત માલવિયાએ કહ્યું રાહુલ કન્ફ્યુઝન ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે
ભાજપના નેતા અમિત માલવિયાએ ટ્વિટર પર લખ્યું, એવું નથી કે રાહુલ ગાંધીને ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે તે ખબર નથી. તેઓ તે ખૂબ સારી રીતે જાણે છે. પરંતુ તેમનો ઉદ્દેશ સ્પષ્ટતા નહીં પણ અરાજકતાનો છે. તેઓ વારંવાર અને જાણી જોઈને મતદારોના મનમાં આપણા સંસ્થાકીય માળખા વિશે શંકા અને મૂંઝવણના બીજ વાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ ચૂંટણી જીતે છે… પછી ભલે તે તેલંગાણા હોય કે કર્ણાટક. ત્યારે આ વ્યવસ્થાને ન્યાયી કહેવામાં આવે છે. પરંતુ જ્યારે તે હારી જાય છે… હરિયાણાથી મહારાષ્ટ્ર સુધી… ત્યારે હોબાળો અને ષડયંત્ર સિદ્ધાંતો શરૂ થાય છે અને તે પણ દરેક વખતે.

માલવિયાએ આગળ લખ્યું, આ બધું જ્યોર્જ સોરોસની રણનીતિમાંથી લેવામાં આવ્યું છે. લોકોનો પોતાની સંસ્થાઓ પરનો વિશ્વાસ વ્યવસ્થિત રીતે નાશ કરો, જેથી તેમને અંદરથી નબળા પાડીને રાજકીય લાભ લઈ શકાય. ભારતનું લોકશાહી મજબૂત છે. તેની સંસ્થાઓ સક્ષમ છે અને ભારતીય મતદાતા બુદ્ધિશાળી છે. ગમે તેટલી ચાલાકી કરવામાં આવે, આ સત્ય બદલાશે નહીં.

શિવસેના (UBT) ના નેતા સંજય રાઉતે રાહુલ ગાંધીના નિવેદનને સમર્થન આપ્યું અને કહ્યું કે, મહારાષ્ટ્રની ચૂંટણીઓ હાઇજેક કરવામાં આવી હતી. ભાજપ અને મોદીએ સાથે મળીને ચૂંટણીઓ હાઇજેક કરી હતી. જો આઘાડી સરકાર આવી હોત તો અદાણીના પ્રોજેક્ટ્સ રદ થઈ ગયા હોત તેથી મહારાષ્ટ્રની ચૂંટણીઓ બોગસ મતદારો સાથે હાઇજેક કરવામાં આવી હતી.

રાહુલ ગાંધીએ X પર શું લખ્યું છે…
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોતાના લેખના કેપ્શનમાં લખ્યું છે, ચૂંટણીઓ કેવી રીતે ચોરી થાય છે? 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓ લોકશાહીને નુકસાન પહોંચાડવા માટે એક સુનિયોજિત યોજના હતી. મારો લેખ સમજાવે છે કે આ બધું કેવી રીતે થયું? સ્ટેપ બાય સ્ટેપ…

સ્ટેપ 1: ચૂંટણી પંચની નિમણૂક કરતી પેનલ સાથે છેડછાડ કરવી.
સ્ટેપ 2: મતદાર યાદીમાં ખોટા નામો ઉમેરવા.
સ્ટેપ 3: મતદાનની ટકાવારી વધારીને દર્શાવવી.
સ્ટેપ 4: એવી જગ્યાએ ખોટા મતદાન કરાવવું જ્યાં ભાજપને જીતવાની જરૂર હતી.
સ્ટેપ 5: પુરાવા છુપાવવા.

રાહુલે વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્રમાં ભાજપ આટલો ભયાવહ કેમ હતો તે સમજવું મુશ્કેલ નથી પરંતુ ગોટાળા મેચ ફિક્સિંગ જેવું છે. છેતરપિંડી કરનારી ટીમ રમત જીતી શકે છે, પરંતુ તે સંસ્થાઓને નુકસાન પહોંચાડે છે અને જનતા પરિણામો પર વિશ્વાસ ગુમાવે છે. તેમણે કહ્યું કે, દરેક જાગૃત ભારતીયે આ પુરાવાઓ જોવા જોઈએ. તેમણે વિચારીને નિર્ણય લેવો જોઈએ અને જવાબો માંગવા જોઈએ. કારણ કે મહારાષ્ટ્રનું આ મેચ ફિક્સિંગ હવે બિહારમાં પણ પુનરાવર્તન થશે અને પછી ત્યાં પણ… જ્યાં પણ ભાજપ હારશે. મેચ ફિક્સ્ડ ચૂંટણીઓ કોઈપણ લોકશાહી માટે ઝેર જેવી છે.

હકીકતમાં લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધન INDIA એ જબરદસ્ત વિજય મેળવ્યો હતો. પરંતુ જ્યારે થોડા મહિના પછી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે કોંગ્રેસ, ઉદ્ધવ સેના અને પવાર જૂથને મોટી હારનો સામનો કરવો પડ્યો. લોકસભા ચૂંટણીમાં વિપક્ષી પક્ષોની એકતાએ ભાજપને ઝટકો આપ્યો હતો, જ્યારે વિધાનસભા ચૂંટણીના પરિણામોએ વિપક્ષની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.

Most Popular

To Top