Dahod

દાહોદમાં બંધ RTO ચેકપોસ્ટના કેબિનમાંથી 40 વર્ષીય મહિલાની ગળું કપાયેલી હાલતમાં લાશ મળી

દાહોદ : દાહોદ નજીક પુંસરી ગામે આવેલી લાંબા સમયથી બંધ પડેલી RTO ચેકપોસ્ટના એક કેબીન માંથી એક મહિલાની હત્યા કરાયેલી હાલતમા મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક મહિલાની ઓળખ કરતા મૃતક મહિલાનુ નામ લીલાબેન ઉર્ફે વર્ષાબેન વાદી હોવાનુ સામે આવ્યુ હતુ. આ મૃતક મહિલા મૂળ પંચમહાલ જિલ્લાના મોરવા ગામના વતની હતી.

લીલાબેનના લગ્ન ઝાલોદ તાલુકાના ગામડી ગામે થયા હતા. હાલ તેઓ પોતાના પતિ અને પરિવાર સાથે મધ્ય પ્રદેશના ઝાબુઆમાં રહેતા હતા. સવારે 11 વાગ્યાની આસપાસ આ ઘટનાની જાણ થઈ હતી.
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. દાહોદ બી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. હત્યારાની શોધખોળ માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે.
પોલીસને હજુ સુધી એ જાણકારી મળી નથી કે મહિલાને આ બંધ કેબિનમાં કોણ લાવ્યું. હત્યા પાછળનું કારણ પણ અજ્ઞાત છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજની તપાસ અને ફોરેન્સિક પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે.
લીલાબેન ઝાબુઆથી દાહોદ નજીક આવેલા પુંસરી ગામના બંધ RTO ચેકપોસ્ટ સુધી કેવી રીતે પહોંચ્યા તે પણ તપાસનો વિષય છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે. પોલીસ હત્યારાઓને પકડવા માટે સઘન પ્રયાસો કરી રહી છે.

Most Popular

To Top