શું તમને ખબર છે દેશની સુરક્ષામાં સબમરીન પણ મહત્ત્વનો ભાગ ભજવે છે? તે દુશ્મન દેશની ગુપ્ત માહિતી મેળવવામાં ઉપયોગી હોય છે, મહાસાગરમાં દેશની સીમાને સમુદ્રના ઊંડાણમાં સુરક્ષિત રાખે છે. સાથે બેલેસ્ટિક મિસાઈલ, ટોરપીડો, પાણીથી હવામાં વાર કરનારી મિસાઇલ્સને લોન્ચ કરવાનું કામ કરે છે. સબમરીનમાં ટેક્નિકલ ખામી સર્જાય તો તેને દુરસ્ત કરવાનું કામ આસાન નથી. સબમરીન એ સમુદ્રની વધુ ઊંડાણમાં જતું હોય છે તેમાં એક વખત જાઓ તો 45 દિવસ તો રહેવાનું હોય.

તમને સબમરીન વિશે વધારે માહિતી નથી ને? સમુદ્રની ગહેરાઈમાં સબમરીનર કઈ રીતે વર્ક કરે છે તે જાણવું છે ને ? તો ચાલો મૂળ કોટા રાજસ્થાનનાં સુરતમાં સ્થાયી થયેલા દિનેશ શ્રીંગી કે જેમણે સબમરીનમાં ટેક્નિકલ કામો માટે 15 વર્ષ આપ્યા છે, તેમને મળીએ અને જાણીએ કે સબમરીનમાં સેવા આપવા માટે કઈ કઈ કસોટીઓને પાર કરવી પડે છે. સબમરીનમાં 45 દિવસ કઈ રીતે વિતે છે. ખોરાક, પાણીની શું વ્યવસ્થા હોય છે. દિનેશ દિનેશ શ્રીંગીએ 15 વર્ષમાં ક્યા ક્યા સબમરીન પર ડ્યુટી કરી છે અને દેશ સુરક્ષા માટેના ક્યા ક્યા ઓપરેશનના તેઓ પાર્ટ બન્યા છે.

32 વર્ષની ઉંમરે લીધું રિટાયરમેન્ટ, મેળવ્યા છે એવોર્ડ્સ
દિનેશ શ્રીંગીએ જણાવ્યું કે 1987ના વર્ષમાં મેં સબમરીન માટે સેવા આપવાનું શરૂ કર્યું જોકે, 2002માં મેં વર્ષે રિટાયરમેન્ટ લીધું. એ પછી મેં દુબઈ અને ચાયનામાં કમ્પનીમાં એડમિનિસ્ટ્રેશન શેત્રમાં વર્ક કર્યું અને પછી ઇન્ડિયા પરત ફર્યો. અહીં ગાંધીધામ અને વડોદરામાં પછી સુરતમાં હજીરાની કમ્પનીમાં કામ કર્યા બાદ કોવિડ દરમિયાન સેવા નિવૃત જીવન શરૂ કર્યું. વિશાખાપટનમમાં પેટ્રોકેમ ઇન્ડસ્ટ્રીઝમાં આગની ઘટનામાં બચાવ કાર્યમાં ફ્લેગ ઓફિસર કમાંડ ઇન ચીફ તરફથી એવોર્ડ મળ્યો. મુંબઈમાં હતો ત્યારે ઓપરેશન પરાક્રમ વખતે આઉટસ્ટેન્ડિંગ પર્ફોર્મન્સ માટે (સબમરીનમાં કમ્પ્રેસર ખરાબ થયું હતું ત્યારે બે દિવસ ખાધાપીધા વગર તેના રીપેરીંગ માટે કામગીરી કરી હતી) એવોર્ડ મળ્યો હતો.
વોર નહીં હોય ત્યારે સબમરીનની કામગીરી
જ્યારે વોર નહીં હોય ત્યારે સબમરીન ટેસ્ટિંગ માટે જતું હોય છે, નવું સબમરીન ઉતારવામાં આવ્યું હોય ત્યારે તેના ઇકવિપમેન્ટ ફિટ કરવાના, ટેસ્ટિંગનું કામ થતું હોય. નવા ક્રુ મેમ્બરને ટ્રેન કરવા તેને લઈને પણ સબમરીન જાય છે.
સબમરીનમાં સેવાની તીવ્ર ઈચ્છા હતી પણ મેડિકલ ટેસ્ટમાં થોડો પ્રોબ્લેમ આવ્યો
દિનેશ શ્રીંગીએ જણાવ્યું કે, હું મૂળ રાજસ્થાનના કોટાનો છું. ત્યાં એક મોટા મેદાનમાં આર્મીની યુનિટ રહેતી તો તેમને મળવાનું થતું તેમની એક્ટિવિટી જોતો એટલે યુનિફોર્મ સર્વિસમાં ઇન્ટરેસ્ટ જાગ્યો. B.Sc. કરતો હતો ત્યારે એક મિત્ર સાથે એક રીક્રુટમેન્ટ ઓફિસમાં જવાનું થયું ત્યાં આર્મીની ભર્તી થઈ રહી હતી. મને ત્યાં નેવી શીપ, વ્હાઇટ યુનિફોર્મ જોઇ નેવીમાં જવાની ઈચ્છા થઈ અને કેટલીક પરીક્ષાઓ બાદ મારું સિલેક્શન થતા હું ઓડીસામાં ચિલકા ગયો ત્યાં 1971માં કરાચી પર જે મિસાઈલ બોટ દ્વારા એટેક કરાયો હતો તેમાં ટ્રેનિંગ થઈ પછી પ્રોફેશનલ ટેક્નિકલ ટ્રેનિંગ માટે લોનાવાલા મોકલવામાં આવ્યો.
તેમાં INS શિવાજી શિપમાં એન્જીન, પમ્પ, શિપની મશીનરીની ટેક્નિકલ ટ્રેનિંગ થઈ સાથે વોર સમયે શું કરવું શું ન કરવું તે બતાવાયું. શરૂઆતમાં મજા આવી પણ પછી ડોકમાં રીપેરીંગ માટે આવેલી સબમરીન જોઈ અને તેમાં જોડાવવા રિકવેસ્ટ કરી. જોકે મેડિકલ ટેસ્ટમાં મારા હાર્ટમાં થોડો પ્રોબ્લેમ બતાવાયો. પ્રેશર બેરન થાય બ્રિધિંગનો ઇશ્યુ આવી શકે તેવું હતું પણ મેં સતત 9 દિવસ સબમરીનમા મને જોડવામાં આવે તે માટે રિકવેસ્ટ કરી હતી ત્યારે 10માં દિવસે મને પાસ કરાયો. ટ્રેનિંગ હાર્ડ હતી. ટ્રેનિંગ સેટઅપમાં 17 મીટર નીચે પાણીમાં તમને અમુક સમય માટે છોડવામાં આવે પછી ઉપર સુધી જવાનું. મિસાઈલ જેવા પ્રોટેક્શન માટેના ટોરપીડોની ટ્યુબમાંથી નીકળવાની ટ્રેનિંગ હાર્ડ હોય. પછી સબમરીનમાં ટેક્નિકલ કામ કરવાનું હોય. તમામ ટેસ્ટમાંથી સફળ રીતે પસાર થયા બાદ ડોલ્ફીન બેચથી એવોર્ડ કરી ક્વોલિફાઇડ કરાય છે.

સતત 45 દિવસ સુધી સબમરીનમાં રહ્યો, 50 ડિગ્રીમાં કામ કર્યું : દિનેશ શ્રીંગી
દિનેશ શ્રીંગીએ બતાવ્યું કે હું સબમરીનમાં વધુમાં વધુ 45 દિવસને 11000 કલાક રહ્યો છું. આ દિવસોમાં તમારે ન્હાવાનું નહીં હોય. દર ત્રીજા દિવસે કપડાની જગ્યાએ કોટનના ડિસ્પોઝલ આપવામાં આવે છે. પહેરવા માટે ટેકનિકલ કામ હોવાને કારણે 50 ડીગ્રી ટેમ્પરેચરમાં રહેવાથી પરસેવાને લીધે થતી સ્કીન ડીઝીઝથી બચવા ડિસ્પોઝલ કામ લાગે છે. ત્રણ કલાકનું સતત કામ અને છ કલાક આરામ આવી સ્વીફ્ટ હતી. બ્રશ કરવા માટે લિમિટમાં પાણી મળે. ડ્રિંકિંગ વોટર પણ સ્ટ્રીકટલી અપાય છે. તમે ડ્રિંકિંગ વોટરથી હાથ કે મોઢું નહીં ધોઈ શકો. દાઢીના વાળ વધતા જ જાય. 45 દિવસ પછી ઉપર આવો તો નેચરલ લાઈટમાં તમે એકધારું નહીં જોઈ શકો. દોઢથી બે કલાક આંખો ખોલબંધ કરવી પડે પછી તમે નોર્મલ થઈ શકો. જ્યારે સબમરીનમાં કોઈનું નિધન થાય ત્યારે મૃતકના સમ્માનમાં સેરેમનિયલ ડ્રિલ થાય છે, ત્યારબાદ ડેથ બોડીને સમ્માન સાથે એર લિફ્ટ કરાવી દેવાય છે. જો તેવું નહીં થઈ શકે તો ડેથ બોડીને કોલ્ડરૂમમાં આદર સમ્માન સાથે પ્રિઝર્વ કરવામાં આવે છે.

RICE ને બદલે ICE થયું અને મળ્યો 200 kg. આઇસ
દિનેશ શ્રીંગીએ જણાવ્યું કે સબમરીનમાં હોઈએ અને ક્યારેક અમે વધારે દિવસો આપવાનું થાય ત્યારે રાશનનો પ્રશ્ન આવી જતો હોય છે ત્યારે અમારા સબ્રની પરીક્ષા પણ થતી હોય છે. એકવાર આવું જ થયું. સબમરીનમાં રહેવાનો સમય વધ્યો ત્યારે રાશનમાં રાઇસ મંગાવવા હતા પણ RICEને બદલે ICEનો મેસેજ પહોંચ્યો અને 200 kg. આઇસ મોકલી દેવામાં આવ્યો.

ઓપરેશન વિજય કારગિલમાં લીધો હતો ભાગ
દિનેશ શ્રીંગીએ જણાવ્યું કે મેં 15 વર્ષમાં INS સિંધુ કેસરી, INS સિંધુવિજય, INS સિંધુરક્ષક, INS વિરબાહુ સબમરીનમાં ડ્યુટી પર રહ્યો છું. હું ઓપરેશન વિજય, ઓપરેશન તાશા, ઓપરેશન IPKF, ઓપરેશન પરાક્રમનો પાર્ટ રહ્યો છું. બે વાર સ્પેશ્યલ મિશન પર કરાચી ગયા હતાં. અમે નોર્થ કોરિયાનું એક શીપ પકડ્યું હતું. સબમરીન 9 મીટર નીચે હોય ત્યાં સુધી બહારનું જોવા માટે પેરિસ્કોપ અમારી આંખો હોય. જો તેની નીચે ગયા તો પછી કોઈ નહીં દેખાય. હા, એરિયલ થ્રુ કોમ્યુનિકેટ કરી શકાય છે. અમારા એક કોમ્યુનિકેટરને એપેન્ડિક્સનો દુખાવો ઉપડ્યો હતો ત્યારે કોમ્યુનિકેટ કરી થોડીક મિનિટો માટે ઉપર આવ્યા અને હેલિકોપ્ટરે તે કોમ્યુનિકેટરને પીકઅપ કર્યો હતો. આ ઘટના મ્યાનમાર તરફ હતા ત્યારની હતી. એક સબમરીનમાં 80, 90 કે 100 જણા પણ હોઈ શકે. હવે તો 120 પણ રહેતા હોય છે.
આ રીતે થાય છે રેસ્ક્યુ
જ્યારે સબમરીન ખોટકાય અને ઉપર નહીં જઇ શકે અને બીજી કોઈ હેલ્પ મળી નહીં શકે એવું હોય ત્યારે એકસાથે મેક્સિમમ ત્રણ લોકોને ટોરપીડો ટ્યુબમાંથી એસ્કેપિંગ સૂટ પહેરાવી બહાર કાઢવામાં આવે છે. ટ્યુબમાં પાણીનો ફોર્સ તથા એર પ્રેસર આપી બહાર વાતાવરણને અનુરૂપ અપાય છે. જો સબમરીન ડૂબે તો રેસ્ક્યુ બેલને નીચે પાણીમાં લાવવામાં આવે છે. તેને સબમરીન ઉપર હેચ સાથે ફિટ કરાય છે ત્યારબાદ સબમરીનમાં ક્રૂ મેમ્બર્સ હોય તે બધા રેસ્ક્યુ બેલમાં પહોંચી જાય છે અને એ રીતે બહાર નીકળી જાય છે.