રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એટલે કે RCB એ IPL 2025નો ખિતાબ જીત્યા બાદ વિજયની ઉજવણી માટે બેંગલુરુમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક ભાગદોડ મચી ગઈ હતી જેમાં 11 લોકો માર્યા ગયા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા. હવે આ કેસમાં RCB ફ્રેન્ચાઇઝી સહિત ઘણા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. મળતી માહિતી મુજબ બેંગલુરુ પોલીસે RCB ફ્રેન્ચાઇઝી, DNA એન્ટરટેઇનમેન્ટ, કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન અને અન્ય લોકો સામે FIR નોંધી છે.
કર્ણાટક પોલીસે ગુરુવારે ભાગદોડ કેસમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), DNA ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની અને કર્ણાટક ક્રિકેટ એસોસિએશન વિરુદ્ધ FIR નોંધી છે. તેમના પર વિજય પરેડ દરમિયાન ગુનાહિત બેદરકારીનો આરોપ મૂકવામાં આવ્યો છે. અકસ્માતના 24 કલાક પછી પોલીસે આ કાર્યવાહી કરી છે.
FIRમાં જણાવાયું છે કે ભાગદોડની ઘટના જવાબદાર એજન્સીઓની અરાજકતા અને બેદરકારીને કારણે થઈ હતી. બીજી તરફ આ મામલાની સુનાવણી હાઇકોર્ટમાં થઈ હતી. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વી કામેશ્વર રાવ અને ન્યાયાધીશ સીએમ જોશીની બેન્ચે રાજ્ય સરકારને અકસ્માત અંગે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. હવે આગામી સુનાવણી 10 જૂને થશે.
અરજદારના વકીલે કોર્ટને કહ્યું, ‘રાજ્ય સરકારે જણાવવું જોઈએ કે આરસીબીના ખેલાડીઓનું સન્માન કરવાનો નિર્ણય કોણે લીધો. દેશ માટે ન રમતા ખેલાડીઓનું સન્માન કરવાની મજબૂરી શું હતી?’
કઈ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો?
જાહેર થયેલી માહિતી અનુસાર બેંગલુરુમાં ભાગદોડના કેસમાં આરસીબી, ડીએનએ (ઇવેન્ટ મેનેજર), કેએસસીએ વહીવટી સમિતિ અને અન્ય લોકો સામે કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆરમાં ભાગદોડની ઘટનામાં ગુનાહિત બેદરકારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆરમાં કલમ 105, 125 (1)(2), 132, 121/1, 190 આર/ડબલ્યુ 3 (5) લગાવવામાં આવી છે.
પોલીસે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાનારી ઉજવણી મુલતવી રાખવાની પણ વિનંતી કરી હતી. તેમનું માનવું હતું કે હાલમાં ચાહકોમાં ઘણો ઉત્સાહ છે કારણ કે ટીમે એક દિવસ પહેલા જ ટ્રોફી જીતી છે. પોલીસ ઇચ્છતી હતી કે RCB રવિવારે આ કાર્યક્રમનું આયોજન કરે પરંતુ RCB એ દલીલ કરી હતી કે તેમના વિદેશી ખેલાડીઓ તેમના દેશમાં પાછા ફરી જશે તેથી તેઓ 4 જૂને આ કાર્યક્રમ યોજવા માંગે છે.
બેંગલુરુ અર્બન ડેપ્યુટી કમિશનર જી જગદીશે અગાઉ કહ્યું હતું કે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પોલીસ કમિશનર બી દયાનંદને નાસભાગની ઘટનાની તપાસમાં જોડાવા માટે નોટિસ જારી કરવામાં આવશે. બુધવારે જ્યાં નાસભાગ થઈ હતી ત્યાં ચિન્નાસ્વામી સ્ટેડિયમનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.