કોઈ પણ યુદ્ધમાં કોઈ પણ દુશ્મનને ક્યારેય કમજોર માનવાની ભૂલ કરવી જોઈએ નહીં. રશિયાએ યુક્રેન સામેના યુદ્ધમાં નાનકડા યુક્રેનને મચ્છરની જેમ મસળી નાખવાની આશા રાખી હતી પણ યુક્રેન હવે હાથીના કાનમાં ઘૂસી ગયેલા મચ્છરની જેમ હેરાન કરી રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે ઇસ્તંબુલમાં શાંત મંત્રણાઓની તૈયારીઓ ચાલી રહી હતી ત્યાં જ યુક્રેને અચાનક ડ્રોન વિમાનો દ્વારા હુમલો કરીને રશિયાનાં ૪૦થી વધુ વિમાનોને નુકસાન પહોંચાડ્યું છે. યુક્રેનની સ્થાનિક ગુપ્તચર એજન્સી SBU જણાવ્યા અનુસાર દોઢ વર્ષથી વધુ સમય સુધી ચાલી રહેલા આ ગુપ્ત ઓપરેશનમાં ડ્રોનને રશિયન પ્રદેશમાં દાણચોરી કરીને ટ્રકોની અંદર છૂપાવવામાં આવ્યાં હતાં.
આ હુમલાઓને કારણે રશિયાને અંદાજે ૭ અબજ ડોલરનું નુકસાન થયું હતું અને તેનાં મુખ્ય હવાઈ મથકો પરનાં ૩૪% વ્યૂહાત્મક ક્રુઝ મિસાઈલ કેરિયર્સ નાશ પામ્યાં હતાં. રશિયાના સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી છે કે ડ્રોન યુક્રેનિયન પ્રદેશમાંથી નહીં પરંતુ રશિયન એરબેઝની નજીકના વિસ્તારમાં છોડવામાં આવ્યાં હતાં. યુક્રેનની સરહદથી લગભગ ૪,૩૦૦ કિલોમીટર દૂર આવેલા ઇર્કુત્સ્ક ઓબ્લાસ્ટમાં બેલાયા એરબેઝ અને ઉત્તરમાં સરહદથી લગભગ ૨,૦૦૦ કિલોમીટર દૂર આવેલા મુર્મન્સ્ક ઓબ્લાસ્ટમાં ઓલેન્યા એરબેઝ પર આ હુમલામાં હાનિ થઈ હતી. ઓનલાઈન ફરતા વિડિયોમાં રશિયન વિમાનો આ બે એરબેઝ પર આગની લપેટ જોવા મળે છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેણે ઇવાનોવો અને રાયઝાન પ્રદેશો તેમજ રશિયાના દૂર પૂર્વમાં ચીનની સરહદ નજીક આવેલા અમુરમાં હુમલાઓનો સફળતાપૂર્વક સામનો કર્યો હતો.
યુક્રેન માટે રશિયન વાયુસેના પર આટલો મોટો હુમલો કેવી રીતે શક્ય બન્યો તે સમજવું જરૂરી છે. યુક્રેન દ્વારા આ હુમલાને ‘ઓપરેશન સ્પાઇડર વેબ’નું નામ આપવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૨થી રશિયન આક્રમણના જવાબમાં યુક્રેન નિયમિતપણે રશિયામાં લક્ષ્યો પર હુમલો કરવા માટે ડ્રોન છોડે છે, પરંતુ આ વખતે ઉપયોગમાં લેવાયેલી મોડસ ઓપરેન્ડી અલગ હતી. યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે દોઢ વર્ષથી વધુ સમયના આયોજન પછી ૧૧૭ ડ્રોન વિમાનોનો ઉપયોગ કરીને ઓપરેશન સ્પાઇડર વેબ પાર પાડવામાં આવ્યું હતું.
ઓપરેશન સ્પાઇડર વેબ હેઠળ ઘણાં નાનાં ડ્રોન રશિયામાં દાણચોરી દ્વારા મોકલવામાં આવ્યાં હતાં. તેમને કાર્ગો ટ્રકના ખાસ ડબ્બામાં રાખવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ તેમને હજારો માઇલ દૂર ચાર અલગ અલગ સ્થળોએ લઈ જવામાં આવ્યાં હતાં અને નજીકનાં રશિયન લશ્કરી હવાઈ મથકો પર રિમોટ કન્ટ્રોલ વડે છોડવામાં આવ્યાં હતાં. ઓપરેશનના આયોજન માટે જટિલ લોજિસ્ટિક્સની જરૂર હતી. ડ્રોનને ટ્રક પર લગાવેલી લાકડાની કેબિનની છત નીચે છુપાવેલાં હતાં. હુમલા સમયે ડ્રોનને તેમનાં ટૂંકા અંતરનાં લક્ષ્યો તરફ ઉડાડવા માટે માળખાંઓની છત દૂરથી રિમોટ કન્ટ્રોલ વડે ખોલવામાં આવી હતી.
ડ્રોનના સંકલિત હુમલાઓમાં યુક્રેનિયન શહેરો પર બોમ્બમારો કરવા માટે ઉપયોગમાં લેવાતાં ૪૧ વિમાનોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં, જેમાં Tu-૯૫ અને Tu-૨૨ વ્યૂહાત્મક બોમ્બર્સ અને A-૫૦ રડાર ડિટેક્શન અને કમાન્ડ એરક્રાફ્ટને નુકસાન પહોંચાડવાનો દાવો કરવામાં આવ્યો હતો. રશિયાના સંરક્ષણ મંત્રાલયે પણ પુષ્ટિ આપી છે કે રશિયન આર્કટિક અને પૂર્વી સાઇબિરીયામાં સ્થિત મુર્મન્સ્ક અને ઇર્કુત્સ્ક પ્રદેશોમાં બેઝ પર ડ્રોન હુમલા બાદ ઘણાં વિમાનોમાં આગ લાગી ગઈ હતી. રશિયાએ કહ્યું કે તેણે ઘણા શંકાસ્પદોની ધરપકડ કરી છે, જેમાં એક ટ્રકના ડ્રાઇવરનો પણ સમાવેશ થાય છે, પરંતુ ઝેલેન્સ્કીએ કહ્યું કે હુમલાઓની તૈયારીમાં સામેલ લોકોને રશિયન પ્રદેશમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં.
રશિયન સંરક્ષણ મંત્રાલયે રવિવારે સોશ્યલ મિડિયા પર એક પોસ્ટમાં પુષ્ટિ આપી હતી કે દેશના પાંચ પ્રાંતોમાં લશ્કરી એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા. જો કે, સંરક્ષણ મંત્રાલયે એવો પણ દાવો કર્યો હતો કે તેણે ઇવાનોવો, રાયઝાન અને અમીર પ્રાંતોમાં લશ્કરી એરબેઝ પર હુમલાઓ નિષ્ફળ કર્યા છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે મુર્મન્સ્ક અને ઇર્કુત્સ્ક પ્રાંતોમાં નજીકના વિસ્તારોમાં ઉડાન ભર્યા પછી ઘણાં વિમાનોમાં આગ લાગી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે બધી આગ ઓલવાઈ ગઈ હતી અને કોઈ નુકસાન થયું નથી. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ હુમલાઓમાં સામેલ કેટલાંક લોકોની અટકાયત કરવામાં આવી છે.
વિશ્લેષકો રશિયાને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા હોય કે ન કરી રહ્યા હોય, પરંતુ ઓપરેશન સ્પાઈડર વેબે માત્ર રશિયાને જ નહીં પરંતુ યુક્રેનના પશ્ચિમી સાથીઓને પણ એક મહત્ત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. યુક્રેનિયન સંરક્ષણ પત્રકાર ઇલ્યા પોનોમારેન્કોએ સોશ્યલ મિડિયા વેબસાઇટ X પર ઓવલ ઓફિસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી વચ્ચેની પ્રખ્યાત ચર્ચાનો ઉલ્લેખ કર્યો છે.
એવું કહેવામાં આવતું હતું કે યુક્રેન પાસે ફક્ત છ મહિના બાકી છે, તમારી પાસે હવે કોઈ પત્તાં બાકી રહ્યાં નથી, શાંતિ માટે શરણાગતિ સ્વીકારો, રશિયાને હરાવી શકાતું નથી. યુક્રેને ઓપરેશન સ્પાઇડર વેબને સફળતાથી પાર પાડવા દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મારવામાં આવેલાં મહેણાંનો જવાબ આપ્યો છે.
સંરક્ષણ વિશ્લેષક સેરહી કુઝાને યુક્રેનિયન ટી.વી.ને જણાવ્યું કે દુનિયામાં ક્યાંય પણ આ પ્રકારનું ગુપ્તચર ઓપરેશન ક્યારેય થયું નથી. રશિયાના આ વ્યૂહાત્મક બોમ્બરો યુક્રેન પર લાંબા અંતરના હુમલા કરવા સક્ષમ હતા. રશિયા પાસે તેવાં ફક્ત ૧૨૦ વિમાન હતાં, જેમાંથી યુક્રેને ૪૦ ને નિશાન બનાવ્યાં હતાં. આ એક અભૂતપૂર્વ આંકડો છે. નુકસાનની હદનો અંદાજ લગાવવો મુશ્કેલ છે, પરંતુ યુક્રેનિયન લશ્કરી બ્લોગર ઓલેક્ઝાન્ડર કોવાલેન્કો કહે છે કે જો બોમ્બર્સ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ એરક્રાફ્ટનો નાશ ન થયો હોત તો પણ તેની અસર ખૂબ મોટી હોત. તેમણે તેમની ટેલિગ્રામ ચેનલ પર લખ્યું કે આ નુકસાન એટલું મોટું છે કે રશિયન લશ્કરી ઔદ્યોગિક સંકુલ માટે વર્તમાન સ્થિતિમાં નજીકના ભવિષ્યમાં તેને ફરીથી બનાવવાનું મુશ્કેલ લાગે છે.
રશિયન મિડિયાએ આ હુમલાઓને પર્લ હાર્બરના સમકક્ષ તરીકે ઓળખાવ્યો છે, જેમાં ૧૯૪૧ માં હવાઈમાં અમેરિકાના વિમાન કાફલા પર શાહી જાપાની નૌકાદળ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. તે હુમલાએ યુએસને બીજા વિશ્વયુદ્ધમાં સામેલ કરી દીધું હતું. આ હુમલાના જવાબમાં રશિયા પરમાણુ હુમલો પણ કરી શકે છે. રશિયાએ ચાર વર્ષના સંઘર્ષ દરમિયાન ઓછામાં ઓછા એક વખત પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી છે. ૧ જૂનનો હુમલો સમસ્યારૂપ છે, કારણ કે તેણે રશિયાના વ્યૂહાત્મક બોમ્બર કાફલા પર હુમલો કર્યો હતો.
આનો અર્થ એ થયો કે હવે રશિયા પાસે પૂર્ણ સ્તરીય યુદ્ધની સ્થિતિમાં પરમાણુ શસ્ત્રો લોન્ચ કરવા માટે ઓછાં વિમાનો છે. રશિયન અધિકારીઓએ ૧ જૂનના યુક્રેનિયન હુમલાનો બદલો લેવાની ધમકી આપી છે. યુક્રેનિયન હુમલા પછી તરત જ, ૧ જૂનના રોજ રશિયાએ યુક્રેન પર ૪૦૦ થી વધુ ડ્રોનનો હુમલો શરૂ કર્યો હતો. રશિયાએ ભૂતકાળમાં યુક્રેન પર ઘાતક ઓરેશ્નિક હાઇપર સોનિક પરંતુ પરંપરાગત સશસ્ત્ર મિસાઇલ વડે હુમલો કર્યો હતો, તેને ફરીથી ફાયર કરી શકે છે. ઇસ્તંબુલમાં શાંતિ મંત્રણાની તૈયારીઓ વચ્ચે તાજેતરના યુક્રેનિયન ડ્રોન હુમલાઓ પહેલાં પણ રશિયા યુક્રેન પર હુમલાઓ વધારી રહ્યું હતું.
શનિવારે રાત્રે રશિયાએ યુદ્ધની શરૂઆત પછી યુક્રેન પર તેનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો હતો, જેમાં ૪૭૨ ડ્રોનનો સમાવેશ ઉપયોગ કરવામાં આવ્યો હતો. યુક્રેનિયન સૈન્યના તાલીમ સ્થળ પર રશિયન મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા ૧૨ લોકો માર્યા ગયા હતા અને ૬૦ થી વધુ ઘાયલ થયા હતા. જેમ જેમ આ બધું બની રહ્યું છે, તેમ તેમ વધુ ને વધુ હતાશ થયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જેઓ યુક્રેન યુદ્ધનો ટૂંક સમયમાં અંત લાવી શકે છે તેવી બડાઈ મારતા હતા. હવે તેમની વિદેશ નીતિના પાયાના પથ્થરને સ્પષ્ટપણે અસ્થિર થતો જોઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ઓવલ ઓફિસમાં જેમની ટીકા કરી હતી તે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી પરનું તેમનું દબાણ કે ક્રેમલિન શાસકને તાજેતરમાં આપેલો ઠપકો બંને પક્ષોને શાંતિ કરારની નજીક લઈ ગયા હોય તેવું લાગતું નથી.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.