Business

ગુજરાતના 7 અને સંઘ પ્રદેશના 1 મળી 8 ગામના સીમાડાથી ઘેરાયેલું ગામ: કાકડકોપર

કપરાડા તાલુકાના અને વાપી- શામળાજી માર્ગ ઉપર આવેલા અને 3780 લોકોની વસતી ધરાવતા અને કાકડકોપર ગામ માત્ર તાલુકામાં નહીં, પરંતુ રાજ્ય અને સમગ્ર દેશમાં જાણીતું છે. ધાર્મિક, શૈક્ષણિક, મહિલા ઉત્થાન, સામાજિક અને રાજકીય રીતે પણ ગામ મહત્ત્વ ધરાવે છે. એનું કારણ એ છે કે ગામના એક યુવાન જીતુભાઈ  એચ.ચૌધરી  પ્રથમ સરપંચ, તાલુકા પંચાયત સભ્ય ત્યાર બાદ ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી તરીકે બિરાજી ચૂક્યા છે. તેઓ 5 ટર્મથી ધારાસભ્ય તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચૂક્યા છે. હાલ પણ તેઓ ધારાસભ્ય તરીકે તાલુકાના વિકાસમાં પ્રયત્નશીલ છે. કાકડકોપર ગામ ધારાસભ્યના ગામ તરીકે ઓળખાય છે. કાકડ કોપર ગામ ઓઝર, મોટાપોંઢા, અંભેટી, સુખાલા, ધોધડકૂવા, વાજ વડ, કોઠાર અને દાદરા નગર હવેલીના મોરખલ એમ 8 ગામના સીમાડાઓથી ઘેરાયેલું ગામ છે. ગામ શિક્ષણમાં પણ ખૂબ આગળ છે. અહીંના યુવક-યુવતીઓ ઉચ્ચ અભ્યાસ કરી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ઉચ્ચ પદની સરકારી નોકરી કરી રહ્યા છે. પેટા આરોગ્ય કેન્દ્ર બનવાથી લોકોને તબીબી સુવિધાઓ સ્થાનિક કક્ષાએથી મળી રહે છે. તો ગામની એક અલગ ઓળખ પણ ઊભી થઈ છે. અહીં શહેરની માફક તમામ સુવિધાઓ ધરાવતી લક્ઝરી હોટલ સિલ્વર લીફ ગામની શોભા વધારી રહી છે. કપરાડા તાલુકાનું કાકડકોપર ગામ પણ મુખ્ય ખેતી ઉપર નભે છે. પશુપાલન થકી પણ લોકો આર્થિક રીતે સધ્ધર થયા છે. અહીંના પશુપાલકો દૂધની ડેરીમાં દૂધ ભરી આવક રળતા થયા છે.  વલસાડ જિલ્લાના બીજા ગામની જેમ આ ગામ પણ રળિયામણું છે.  આ ગામ વાપી તેમજ ધરમપુર તથા સેલવાસ જેવાં મુખ્ય શહેરો સાથે રોજબરોજના વહેવારથી સંકળાયેલું રહે છે. વાપી તેમજ સેલવાસમાં રોજગારી માટે તક વધુ હોવાથી આ ગામના યુવાનોને ગામમાં તો રોજગારી મળે છે, પરંતુ આ બે મુખ્ય ઔદ્યોગિક શહેરોમાં પણ રોજગારીની વધુ તક મળી રહે છે. આ ગામમાં રસ્તા તેમજ સ્ટ્રીટ લાઈટની સારી સુવિધા છે. આ ગામમાં વિવિધ તહેવારોની ઉજવણી પણ ખૂબ ધૂમધામથી થાય છે.


નજીકનું વન વિભાગનું સાંસ્કૃતિક વન આમ્રવન દેશભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર


કાકડકોપરથી આશરે 3 કિ.મી. દૂર નાનાપોંઢા-વાપી માર્ગ ઉપર બાલચોડી સ્થિત 4.71 હેક્ટર વિસ્તારમાં બનાવવામાં આવેલું સાંસ્કૃતિક વન આમ્રવન દેશભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં પર્યાવરણ ક્ષેત્રે વૃક્ષોનું મહત્ત્વ અને માનવ જીવન બને વચ્ચેનો સહ અસ્તિત્વની ઓળખ થઈ શકે તે રીતે જુદા જુદા રોપાઓની પ્રજાતિઓનું વાવેતર કરી સાંસ્કૃતિક વન બનાવવામાં આવ્યું છે. અહીં જિલ્લામાં મળતી 15 પ્રજાતિઓના આંબાનું પણ વાવેતર કરાયું છે. સાથે ભારતીય પરંપરામાં એવી માન્યતા છે કે, ગ્રહોના જુદા જુદા નક્ષત્રોમાં ભ્રમણનો માનવ જીવન ઉપર પ્રભાવ પડે છે. આ પ્રભાવ અનુકૂળ અને પ્રતિકૂળ હોઈ શકે છે. પ્રતિકૂળ પ્રભાવ શાસ્ત્રોમાં દર્શાવ્યા છે, જેમાં વૃક્ષ ઉપાસના પણ મહત્ત્વનો ઉપાય છે. જેથી અહીં નવગ્રહ વન પણ બનાવાયું છે,સાથે આપણી રાશિ નક્ષત્ર અને દરેક ગ્રહનું એક આરાધ્ય વૃક્ષ પણ નક્કી કરાયું છે. ત્યારે અહીં નક્ષત્ર વન પણ બનાવાયું છે. સાથે રાશી વન, પંચવટી, ઉપરાંત વન કુટિર, દેશમાં મળતી તમામ આંબા પ્રજાતિની માહિતી જૈવિક ખાતર એકમ, સ્ટેપ ગાર્ડન સહિત વિશાળ બગીચો પણ બનાવવામાં આવ્યો છે. ઉપરાંત વિવિધ જાતિના 6 હજારથી વધુ વૃક્ષો, 1075 આયુર્વેદિક રોપાઓ, 1 લાખથી વધુ શુભોસન રોપાઓનું વાવેતર કરાયું છે પ્રતિ વર્ષ હજારો પ્રવાસીઓ અહીં મુલાકાતે આવે છે.
અમારું ગામ સંપીલું છે: સરપંચ ગણેશભાઈ ગાંવિત
ગામના વર્તમાન સરપંચ ગણેશભાઈ કુંવરભાઈ ગાંવિત હાલ કુશળતાથી ગામની જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ કહે છે કે, અમારું ગામ સંપીલું છે. પૂર્વ સરપંચો, સભ્યો અને ગામના વતની અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના સહયોગથી ગામમાં 70 ટકા માર્ગો ડામરના, આંતરિક રસ્તા સહિતનાં સ્થળોએ પેવર બ્લોક માર્ગો, 500થી વધુ સ્ટ્રીટ લાઈટ્સ, પીવાનું પાણી, પાણીની વિશાળ ટાંકી, સુવિધાયુક્ત રાજીવ ગાંધી હોલ, પેટા આરોગ્ય કેન્દ્ર, 4 જેટલી દીવાલ સાથેની આંગણવાડીઓ, મુખ્ય શાળામાં બાળકો માટે શેડ, કિચન શેડ, સોલાર લાઇટની દરખાસ્ત, સ્મશાનભૂમિ બનાવવા દરખાસ્તનો સમાવેશ થાય છે.

ગામમાં આવેલાં જાણીતાં ધાર્મિક સ્થળો
કાકડકોપર ગામ આજે વિકાસની ગતિમાં આગળ વધી રહ્યું છે એનું કારણ ગ્રામજનોની એકરાગીતા પણ છે. અહીં વિકાસની વાત હોય તો સૌ કોઈ આગળ આવી ચિંતન કરે છે. વધુમાં ધારાસભ્ય અને મંત્રી એવા ગામના જીતુભાઈ ચૌધરી પણ ગામલોકોને સાથે લઈને ચાલે છે એથી કોઈ સમસ્યા નથી. આ ગામ ધાર્મિક રીતે પણ આગળ છે. ગામમાં સૌથી જૂનું મંદિર ચિકાર ફળિયામાં આવ્યું છે, જે આશરે 70 વર્ષ જૂનું હોવાનું મનાય છે, તો અંધેર ફળિયાનું રામેશ્વર મંદિર, સાઈ બાબાનું મંદિર, હનુમાન મંદિર, શંકર ભગવાનનું મંદિર, 40 વર્ષ અગાઉ બનેલું  શ્રી ચક્રધર દંડવત મંદિર, ડુંગર ઉપર આવેલું માવલી માતાનું મંદિર જાણીતું છે. ઉપરાંત ગણેશ ચતુર્થી, નવરાત્રિ, નાગપંચમી સહિતના તમામ તહેવારો હર્ષોલ્લાસ સાથે ગ્રામજનો ઉજવે છે.

વર્ષ-1973માં સેવા સહકારી મંડળીની સ્થાપના થઈ હતી
ભારતમાં સહકારી મંડળીઓ અસ્તિત્વમાં આવ્યા બાદ ઘણા ખેડૂતોને રાહત થઈ હતી. આ માળખું દિવસે ને દિવસે મજબૂત થતું ગયું. દક્ષિણ ગુજરાતમાં આજે પણ કેટલીક સહકારી મંડળીઓ અસ્તિત્વમાં છે. જેના પાયાના મૂળમાં સહકારિતાની ભાવના જળવાયેલી છે. સંગઠન દ્વારા પરસ્પરના અનુભવો થકી સંચાલન વધુ કાર્યક્ષમ બને છે. ગામમાં આવેલી સેવા સહકારી મંડળીની સ્થાપના વર્ષ-1973માં થઈ હતી. હાલ રઘુભાઈ રૂપાભાઈ ગાંવિત પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. મંડળી દ્વારા ખેડૂત સંલગ્ન કામગીરી કરી ખેડૂતોના જીવનધોરણને આગળ લાવવા પ્રયાસો કરવામાં આવે છે. રઘુભાઈ વલસાડ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર ઉપરાંત અગાઉ 10 વર્ષ સુધી સરપંચ તરીકે ફરજ બજાવી હતી.

ગામના યુવાન તબીબે ચિરંજીવી હોસ્પિટલ શરૂ કરી
આજકાલ ગામડાં પણ વિકાસ તરફ આગળ વધી રહ્યાં છે. સાથે સાથે રોજગારીની તકો વધવા સાથે શિક્ષણ ક્ષેત્રે પણ આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. જેને કારણે શહેરી વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોના યુવાનોનું નોકરીનું પ્રમાણ વધી રહ્યું છે. કોકડકોપરના વડીલોએ પણ શિક્ષણને પ્રાધાન્ય આપતાં શિક્ષણ ક્ષેત્રે આજે ઘણા યુવાનો આગળ નીકળી જતાં ગામના વિકાસમાં ફાળો આપી રહ્યા છે. ગામના યુવાન દિવ્યેશભાઈ ચૌધરીએ તબીબ બની મોટા શહેરોમાં જવાના બદલે કપરાડા તાલુકાના લોકોને સ્થાનિક કક્ષાએ હાઇટેક તબીબી સુવિધા મળે એ માટે નિષ્ણાત તબીબો સાથે  તાલુકાની પ્રથમ નાનાપોંઢા ખાતે ચિરંજીવી હોસ્પિટલ શરૂ કરી છે. જ્યાં એક જ સ્થળે તમામ રોગોની સારવાર કે અકસ્માત સમયે તાત્કાલિક સારવાર મળી રહે તેવી સુવિધા ઊભી કરાઇ છે.

Most Popular

To Top