ઇઝરાયલ અને અમેરિકા; અત્યંત ગાઢ સંબંધોથી જોડાયેલાં રાષ્ટ્રો. ઇઝરાયલનો સંકટનો સાથી એટલે અમેરિકા અને અમેરિકા સાથે ખભેખભો મિલાવી ઊભો રહેનાર એક અડીખમ દેશ એટલે ઇઝરાયલ. રઈના એક દાણા જેવડો નાનો અને દુનિયાના મહાસંહારમાંથી વર્ષોની મસક્કત પછી જન્મેલો એક દેશ એટલે ઇઝરાયલ. આ ઇઝરાયલ અને અમેરિકાના વડા પ્રધાન મિત્રરાષ્ટ્રોના વડા તરીકે એકબીજાથી નજદીકી અનુભવે અને એકબીજાના મતનું પ્રતિપાદન કરે એ સ્વાભાવિક છે. પણ હમણાં હમણાં આમાં કાંઈક ગરબડ વર્તાવા માંડી છે. ઇઝરાયલમાં એવી અટકળોએ જોર પકડ્યું છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુ વચ્ચે અંતર વધી રહ્યું છે અને આ તિરાડ સમય જાય છે તેમ વધુ ને વધુ પહોળી બનતી જાય છે.
અમેરિકા અને ઇઝરાયલ ટ્રમ્પની પહેલી ટર્મ દરમિયાન અત્યંત નજદીક હતા. પણ આ નજદીકી જ નાનામાં નાના મતભેદને મોટો કરી દેખાડે છે. ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુએ પોતાની જાતને અમેરિકાના નજદીકી મિત્ર તરીકે ચિતરવાનો અને ટ્રમ્પથી નજદીક હોવાનો દેખાડો જ્યારે પણ તક મળી ત્યારે કર્યો છે પણ આ સંબંધો ઇઝરાયલના વડા પ્રધાન કહે છે એટલા નજદીક ભાગ્યે જ રહ્યા છે. હમણાં ઇઝરાયલના મિડિયામાં એક અટકળે જોર પકડ્યું છે કે આ બે નેતાઓ વચ્ચેના સંબંધો અને તેના લીધે બે દેશો વચ્ચેના સંબંધો ધીરે ધીરે ખાટા થતા જાય છે.
ટ્રમ્પે તાજેતરમાં જ મધ્ય-પૂર્વનો પ્રવાસ કર્યો ત્યારે આ તિરાડ વધતી જતી હોવાનો ખ્યાલ આવ્યો, કારણ કે, ટ્રમ્પની આ મુલાકાતમાં સાઉદી અરેબિયા, કતાર અને યુનાઇટેડ આરબ અમીરાતનો સમાવેશ કરવામાં આવ્યો પણ ઇઝરાયલનો નહીં. ઇઝરાયલના બે વિરોધીઓ ઇરાન અને યમનમાં હૂથી બળવાખોરો સાથેની અમેરિકાની મંત્રણાઓ ઇઝરાયલને વિશ્વાસમાં લીધા વગર થઈ. ઇઝરાયલ એક એવો દેશ છે જે અમેરિકાની મધ્ય-પૂર્વની નીતિમાં કેન્દ્રસ્થાને રહ્યો છે.
અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ જે. ડી. વાન્સ દ્વારા એમની અગાઉથી નિર્ધારિત ઇઝરાયલની મુલાકાત રદ કરવાનો નિર્ણય પણ ખાસ્સો ચર્ચામાં રહ્યો. ઈઝરાયલના રાષ્ટ્રીય ટેલિવિઝન પર એક રમૂજ ચાલી રહી છે કે જાણે ટ્રમ્પ નેતન્યાહુને ઇશારો કરી રહ્યા છે કે, ‘હની, હું હવે તારાથી ધરાઈ ગયો છું!’ અમેરિકા એક સમયે ઇઝરાયલનું અત્યંત નજદીક હતું, હવે એ દેખાતું નથી. કેટલાક ઇઝરાયલી આ માટે નેતન્યાહુને જવાબદાર ઠેરવે છે. નેત્યનાહુ હમેશાં ટ્રમ્પ જાણે પોતાના ગજવામાં હોય એ રીતે વર્તતા હતા અને નેતન્યાહુ મર્યાદારેખા ઓળંગે એ ટ્રમ્પને પસંદ ન જ હોય.
ઇઝરાયલ માટે આ બે નેતાઓ વચ્ચેની તિરાડ પહોળી થઈ રહી હોવાની બાબત ચોક્કસ ચિંતાનો વિષય છે. જો કે વ્હાઈટ હાઉસ હમેશાં ઇઝરાયલને પાક્કો મિત્ર દેશ કહે છે. અમેરિકી વહીવટીતંત્ર ઇઝરાયલની જાહેર ટીકાટિપ્પણી ન થાય તેમજ ખાસ કરીને અમેરિકન યુનિવર્સિટીના કેમ્પસ ૫૨ એની વિરુદ્ધ દેખાવો ન થાય તે જોવા પ્રતિબદ્ધ છે. ઘણાં બધાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેદ કરવામાં આવ્યાં છે અને કેટલાંકને પેલેસ્ટાઇનની ટીકા કરવા બદલ દેશનિકાલ કરવામાં આવ્યાં છે. આ બધું અમેરિકા હજુ પણ ઇઝરાયલ સાથે મજબૂતાઈથી જોડાયેલું છે એવો અહેસાસ કરાવે છે. ટ્રમ્પની પહેલી ટર્મ દરમિયાન ઇઝરાયલ પ્રત્યેની એની નીતિઓ સકારાત્મક રહી છે. પણ બાઇડેન ૨૦૨૦માં ચૂંટાયા ત્યારે નેતન્યાહુએ એમને અભિનંદન આપ્યા તેનાથી ટ્રમ્પ સખત નારાજ થયા હતા.
અમેરિકાની નીતિઓ તેમજ ટેકાને કારણે ઇઝરાયલનો નરસંહાર અને યુદ્ધ વકર્યાં છે, એવું માનતા કેટલાક હવે આશા રાખે છે કે, હવે આ યુદ્ધમાં લાંબા ગાળાનો સીઝફાયર હકીકત બનશે. ઇઝરાયલના મિડિયામાં ચાલતી ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચેની તિરાડની અફવા સાચી હોય તો માનવહિતમાં છે, કારણ કે, એને કારણે લાંબા ગાળાનો યુદ્ધવિરામ શક્ય બની શકે છે અને ખાસ કરીને ગાઝાના રોજ ઘવાતા અને મોતને હવાલે થતાં નિર્દોષ નાગરિકો માટે શાંતિનો સંદેશો લઈને આવશે.
ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.