યુવતી પર દુષ્કર્મ ગુજારનાર કોંગ્રેસના નેતાના પુત્ર અનિરૂદ્ધસિંહ ગોહિલની ધરપકડ, બંદુક બતાવી બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવનાર ધારાસભ્યના પુત્રની ધરપકડ કરાશે ?, પોલીસે આરોપીની વધૂ પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ બે દિવસના રિમાન્ડ મેળવ્યાં
પ્રતિનિધિ વડોદરા તા.1
નંદસેરીમાં રહેતા કોંગ્રેસના નેતા પુત્ર અનિરૂદ્ધસિંહ ગોહિલ દ્વારા યુવતીને લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જેના કારણે યુવતી ગર્ભવતી પણ થઇ ગઇ હતી. પોલીસે નંદેસરી વિસ્તારમાંથી ઝડપી પાડી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ દ્વારા યુવતીને બંદુક બતાવી ધમકી આપી આરોપીને મદદ કરનાર ઉમરેઠના ધારાસભ્યના પુત્રની ધરપકડ કરવામાં આવશે ? તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે પોલીસ ઓળખી ના શકે માટે આરોપીએ વાળ કઢાવી મુંડન કરાવી નાખ્યું હતું.
વડોદરા જિલ્લાના નંદસરી ખાતે રહેતા કોંગ્રેસના નેતા રાજેન્દ્ર ગોહિલના પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા 21 વર્ષીય યુવતી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લગ્ન કરવાની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. દરમિયાન યુવતીને ગર્ભ રહી ગયો હતો. જેથી આ આરોપી તેણીને ગર્ભપાત કરાવવા માટે દબાણ કરી રહ્યો હતો. પરંતુ યુવતી તેની સાથે લગ્ન કરવા માગતી હોય ગર્ભપાત કરાવવા રાજી ન હતી. જેથી આરોપીએ ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર એટલ કે તેના મામાને આ બાબતે જાણ કરી હતી. યુવતીના આક્ષેપ મુજબ ધારાસભ્યના પુત્રે તેણીને બંદુક બતાવીને એબોર્શન કરાવવા દબાણ કર્યું હતું. ત્યારબાદ યુવતી ડરી ગઇ હતી અને એબોર્શન કરાવવા માટે આરોપી યુવતીને આણંદની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો અને ગર્ભપાત કરાવ્યો હતો. ત્યારે છેલ્લા 15 દિવસ ઉપરાંતથી આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલ નાસતો ફરતો હતો. જેથી એસએસી એસટી સેલના એસીપી સી બી સોલંકી દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન નંદેસરી ગામ પાસે આવેલા બ્રિજ પાસેથી 30 મેના રોજ યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી અનિરુદ્ધસિંહ ગોહલની ધરપકડ કરી લેવામાં આવી હતી. છેલ્લા પંદર દિવસથી આરોપી નાસતો ફરતો હોય ત્યારે કયા રોકાયો હતો અને તેણે કોણે કોણે આશરો આપ્યો હતો અને આર્થિક સહિતની મદદ પણ કોણે કરી તેની પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. ત્યારે કોર્ટ દ્વારા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
– પોલીસ દ્વારા આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું
પોલીસ દ્વારા હાલમાં આરોપીને ધરપકડ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યાં છે. આરોપીના યુવતી સાથે છેલ્લા ત્રણ વર્ષથી સંબંધ હતા. ત્યારે અવાર નવાર યુવતીને અલગ અલગ હોટલો સહિતના સ્થળ પર લઇ જઇને દુષ્કર્મ ગુજાર્યું હતું. ગર્ભ રહી જતા તેનું આણંદની હોસ્પિટલમાં એબોર્શન કરાવ્યું હતું. જેથી આરોપીને પોલીસે આણંદ ખાતેની હોસ્પિટલમાં તેમજ અલગ અલગ જગ્યા પર દુષ્કર્મ ગુજાર્યું હતું ત્યાં લઇ જઇને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કરવામાં આવ્યું હતું.
—