વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વારણા ગામમાં એક ઝાડ પર બે યુવતીની લટકતી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. બંને યુવતીઓએ સાથે આપઘાત કરી લીધો હોવાનું અનુમાન છે. જોકે, આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસે યુવતીઓના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સેલવાસની એક કંપનીમાં સાથે નોકરી કરતી બે યુવતીઓની લાશ આજે વરાણા ગામના એક ઝાડ પર લટકતી હાલતમાં મળી હતી. યુવતીઓ કપરાડાના નીલોશી અને કેતકી ગામની રહેવાસી હોવાની વિગતો સાંપડી છે. આપઘાતનું કારણ જાણી શકાયું નથી. પોલીસે તપાસ શરૂ કરી છે. આ બંને યુવતીઓ સેલવાસમાં નોકરી કરતી હોય વરાણા ગામ કેવી રીતે પહોંચી અને બંનેએ સાથે આપઘાત કેમ કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસે કંપનીમાં કામ કરતા સહકર્મીઓની પૂછપરછ શરૂ કરી છે. બંને યુવતીઓના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃતદેહને ઝાડ પરથી ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.