ગુનાખોરી પર અંકુશ લાવવા સુરત શહેર પોલીસ અનેક પ્રયાસ કરી રહ્યાં છે, તે અંતર્ગત ભેસ્તાન પોલીસે 73 ગુનેગારોને પોલીસ સ્ટેશને બોલાવી, લાઈનમાં ઉભા રાખી ચીમકી આપી હતી કે, સુધરી જજો, હવે કોઈ ગુનો કર્યો તો ભારે સજા થશે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.
સુરતમાં ગુનાખારોની રોકવા પોલીસ દ્વારા સતત આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. ત્યારે ઝોન-6 પોલીસ દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે વિસ્તારના 73 અસામાજિક તત્વોને બોલાવી સખત સૂચના આપવામાં આવી હતી. તમામ લોકો મિલકત સંબધિત ગુનામાં આરોપી છે અને હાલ જામીન પર છે. તેઓને એકઠા કરીને પોલીસે ચીમકી આપતાં કહ્યું કે, ફરી કાયદો તોડ્યો તો પાસા હેઠળ પણ ધકેલવામાં આવી શકે છે.
સુરતના ઝોન-6માં આવતા અલગ-અલગ 8 પોલીસ સ્ટેશનોના કુલ 73 આરોપીઓને ભેગા કરવામાં આવ્યા હતા. આ બધા આરોપીઓ વિવિધ ચોરી, ઘરફોડ ચોરી તથા મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા છે. તેઓ હાલમાં જામીન પર છે. તમામને પોલીસ સ્ટેશન બોલાવીને કડક સૂચના પોલીસ દ્વારા આપવામાં આવી છે.
DCP રાજેશ પરમારે કહ્યું કે, આવા તમામ આરોપીઓને સમજાવવામાં આવ્યું છે કે હવે કોઈ પણ પ્રકારના ગુનામાં સંડોવાતા નહીં. કાયદામાં રહીને જીવન જીવવા કડક રીતે સૂચના આપવામાં આવી છે. સાથે જ આ તમામ 73 લોકો પર પોલીસ સતત નજર રાખી રહી છે.
તડીપાર-પાસાની થશે કાર્યવાહી
બોલાવાયેલા આરોપીઓને પોલીસે ચેતવણી આપી કે જો ભવિષ્યમાં કોઈ ગુનામાં પકડાશે, તો તેમના વિરુદ્ધ તડીપાર કે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.આ અગાઉ પણ સુરત પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો સામે આ રીતે કાર્યવાહી કરાઈ હતી. અને ભવિષ્યમાં પણ આવા પગલાં સતત લેવામાં આવશે તેમ પોલીસ તરફથી જણાવવામાં આવ્યું છે.