સુરત: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને ઇ-વિઝા સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે. ઈ-વિઝા એટલે ઇલેક્ટ્રોનિક વિઝા આપવાની શરૂઆત કરવામાં આવી છે. વિદેશી નાગરિકો ઓનલાઇન અરજી કરી હવે સુરતના ઓનલાઇન ઇ-વિઝા લઈ શકશે. આ નિર્ણયને લીધે પ્રવાસીઓને હવે નજીકના ભારતીય દૂતાવાસ જવા કે ફોર્મ ભરવા, પાસપોર્ટ જમા કરવા જેવી ઝંઝટમાંથી મુક્તિ મળશે. લોકો ઘર બેઠા ઇ-વિઝા માટે અરજી કરી શકશે. આને લીધી વેપાર, પ્રવાસન અને મેડિકલ ટુરિઝમ સેકટરને લાભ થશે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ઇમિગ્રેશન સર્વરમાં ઇ-વિઝા અપડેટ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરાઇ છે.
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમિગ્રેશન કાઉન્ટર અને ટેકનિકલ સેટઅપને પૂર્ણ કરીને આ સુવિધા શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં સુરત એરપોર્ટ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. બ્યુરો ઓફ ઇમિગ્રેશનનાં અધિકારી શ્વેતા શ્રીમાળીએ એરપોર્ટ ડાયરેક્ટર, સુરત પોલીસ અને સુરત એરપોર્ટના ઈમિગ્રેશન અધિકારીઓ સાથે બેઠક યોજી વિગતો મેળવી હતી. બેઠકને અંતે એવી ખાતરી આપવામાં આવી હતી કે, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ઇમિગ્રેશન સર્વરમાં ઇ-વિઝા અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામા આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટની બેઠકમાં સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપ્યો પણ આ જાહેરાત પછી દેશના અન્ય ઇન્ટરનેશનલ એરપોર્ટની જેમ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ઇમિગ્રેશન સર્વરમાં ઇ-વિઝા અપડેટ કરવાનું ભૂલી જવાયું હતું, એને પગલે વિદેશી નાગરિકો થાઇલેન્ડ અને યુએઈથી સુરત ડાયરેક્ટ ફલાઇટમાં આવી શકતા નથી. બેંગકોકના સુવર્ણ ભૂમિ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી નાગરિકોને એરલાઇનની કન્ફર્મ ટિકિટ છતાં તેઓને સુરતની યાત્રા કરવા દેવામાં આવી ન હતી.
આ પ્રશ્ન ઊભો થયા પછી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલા દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર. પાટીલ અને ગુજરાત સરકારના ઉદ્યોગ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. એ બેઠકમાં સુરત એરપોર્ટ પર ઇ-વિઝા સુવિધા અને સુરતના હજીરા પોર્ટ પર વિદેશથી આવતા જહાજોના ક્રૂ મેમ્બર કે અન્ય અધિકારીએ પ્રવાસ ટૂંકાવી સુરતથી વિદેશ પરત ફરવું હોય તો ડેઝિગ્નેટેડ ઇમિગ્રેશન સેન્ટર નથી. એને સાઈન ઓફ સિસ્ટમનો લાભ સુરતનાં પોર્ટ પર મળતો નથી. જે મુંબઈનાં પોર્ટ પર મળે છે.
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇ-વિઝા સુવિધા ન હતી, એને લીધે થાઇલેન્ડના જે વેપારીઓ, પ્રવાસીઓ સુરત આવવા માંગે છે, તેઓને સુરતના વિકલ્પે બેંગકોક, મુંબઈ અને અમદાવાદના વિઝા લેવા પડતાં હતા અને અહીંથી ટ્રેન કે બાયરોડ સુરત આવવું પડતું હતું એ બંધ થશે.
એરલાઇન્સ અને ઇમિગ્રેશનને આ સેવાનો લાભ પેસેન્જરોને આપવા જાણ કરાઈ: આનંદ શર્મા
સુરતના એરપોર્ટ ડિરેક્ટર આનંદ શર્માએ જણાવ્યું હતું કે, અમને ખુશી છે કે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લાંબા સમયથી રાહ જોવાતી ઇ-વિઝા સુવિધા શરૂ થઈ ગઈ છે. આ સુવિધા મુસાફરો, એરલાઇન્સ અને ઇમિગ્રેશનને લાભ આપશે, કારણ કે આ સુવિધા માટે ઓછા પેપર વર્કની જરૂર પડશે, જેના પરિણામે ઝડપી પ્રક્રિયા, વૈશ્વિક સુલભતા અને સુરક્ષામાં વધારો થશે. એરલાઇન્સ અને ઇમિગ્રેશન આ સેવાનો લાભ પેસેન્જરોને આપે એની જાણ કરી દેવામાં આવી છે.
સુરતને એવિએશન અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના નકશા પર મજબૂત સ્થાન મળશે: લિનેશ શાહ
ચેમ્બરની એવિએશન કમિટીના ચેરમેન લિનેશ શાહનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે, ઇ-વિઝા સુવિધા શરૂ થવી સુરતના ઉદ્યોગો, યુએઈ, થાઇલેન્ડના પ્રવાસીઓ માટે એક ગેમચેન્જર સાબિત થશે. વિદેશી વેપારીઓને સુરતમાં આવવું સરળ બનશે. વેપાર, પ્રવાસન અને મેડિકલ ટુરિઝમ ક્ષેત્રને લાભ મળી શકે છે. સુરતને એવિએશન અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના નકશા પર મજબૂત સ્થાન મળશે.