સર્વોચ્ચ અદાલતે ભારતના ભૂતપૂર્વ વડા ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ વિરુદ્ધના જાતીય સતામણીના આક્ષેપોમાં વ્યાપક કાવતરા અંગે શરૂ કરવામાં આવેલી તપાસની કાર્યવાહી તથા સુપ્રીમ કોર્ટની બેન્ચોના ફિક્સિંગ અંગેના આક્ષેપોમાં પણ તપાસની કાર્યવાહી આજે બંધ કરી હતી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તેના ભૂતપૂર્વ જજની સમિતિએ કરેલી તપાસનો અહેવાલ સંકેત આપે છે કે ભૂતપૂર્વ સીજેઆઇ રંજન ગોગોઇ સામેના આક્ષેપમાં કાવતરું હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી કારણ કે તેઓ અદાલતી અને વહીવટી રીતે કઠોર એવા કેટલાક નિર્ણયો લઇ રહ્યા હતા. પટનાયક સમિતિએ આઇબીના ડિરેકટર જનરલના એક પત્ર અંગે વાત કરી છે જેમાં જણાવાયું હતું કે જસ્ટિસ ગોગોઇએ એનઆરસી જેવા કેટલાક કેસોમાં સખત નિર્ણય લીધો હતો તેથી તેમની સામે કાવતરું રચાયું હોઇ શકે છે. જો કે આમ છતાં હવે કાવતરા અંગે પુરાવા ભેગા કરવાનું મુશ્કેલ હોવાથી કાવતરા અંગેની તપાસ બંધ કરવામાં આવી છે.
જસ્ટિસ સંજય કિશન કૌલના વડપણ હેઠળની એક બેન્ચે જણાવ્યું હતું કે લગભગ બે વર્ષ પસાર થઇ ગયા છે અને ઇલેકટ્રોનિક રેકર્ડ્સ ફરી પ્રાપ્ત કરી શકાય તેવી શક્યતાઓ ઘણી નજીવી છે. આ કેસમાં શરૂ કરાયેલી સ્વયંભૂ કાર્યવાહીઓ બંધ કરતી વખતે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે બંધ બારણે તપાસ પુરી થઇ છે અને હાલના ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેના વડપણ હેઠળની ત્રણ સભ્યોની સમિતિએ ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને નિર્દોષ જાહેર કરતો અહેવાલ આપી જ દીધો છે.
બેન્ચે જણાવ્યું હતું કે જસ્ટિસ(નિવૃત) એ.કે. પટનાયક સમિતિ કાવતરાની તપાસ કરવા માટે વૉટ્સઅપ મેસેજીસ જેવા ઇલેકટ્રોનિક રેકર્ડ્સ પ્રાપ્ત કરી શકી નથી અને તેથી આ સુઓ મોટો કેસ ચાલુ રાખવાથી કોઇ અર્થ સરશે નહીં. એવું માનવાને મજબૂત કારણ છે કે સીજેઆઇ ગોગોઇ વિરુદ્ધ કેટલાક પ્રકારનું કાવતરુ હાથ ધરાયું હતું એમ બેન્ચે જસ્ટિસ પટનાયક સમિતિનો અહેવાલ ટાંકતી વખતે જણાવ્યું હતું.