વલસાડઃ વલસાડ તાલુકામાં તળાવોમાંથી માટી કાઢવા માટે તેનું પાણી કાઢવાના અનેક બનાવો દર વર્ષે બનતા હોય છે. આ વર્ષે પણ લાલચુ માટી કોન્ટ્રાક્ટરો તળાવમાંથી પાણી કાઢી નાખતા હોવાના બનાવ સામે આવ્યા છે. આવું જ કંઇ ભદેલી ગામે બન્યું અને ગામના લોકો સરપંચ વિરૂદ્ધ થઇ ગયા હતા. ગામલોકોએ તળાવમાંથી પાણી કાઢવાના મુદ્દે સરપંચને ઘેર્યા બાદ પંચાયતના પાંચ સભ્યોએ સરપંચ વિરૂદ્ધ ડીડીઓને લેખિત રજૂઆત કરી તેમને હોદ્દાપરથી દૂર કરવાની માંગણી કરી છે. જેની વ્યાપક ચર્ચા ચાલી રહી છે.
ભદેલી ગામે તળાવના મુદ્દા બાદ સરપંચ વિરૂદ્ધ પાંચ સભ્યોની રજૂઆત
સરપંચ જીતેન્દ્ર ટંડેલ વિશ્વાસમાં લીધા વિના કામ કરતા હોવાની ટીડીઓને લેખિત રજૂઆત
વલસાડના ભદેલી જગાલાલા ગામે શીત તળાવને ઉંડી કરવાના બહાને તેમાંથી માટી કાઢવા માટે તેનું પાણી મોટર મુકી બહાર કાઢવામાં આવતું હતુ. જે અંગે કેટલાક જાગૃત લોકોએ ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરી હતી.
આ સંદર્ભે વલસાડ ટીડીઓ એ ડીડીઓને કરેલા એક રિપોર્ટમાં જણાવ્યું કે, તળાવમાં મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ હોવા છતાં પાણી કાઢવાની કોઇ જરૂરિયાત પ્રાથમિક દ્રષ્ટીએ જણાઇ આવી ન હોય સરપંચ દ્વારા બેજવાબદારી ભર્યું કૃત્ય કર્યું હોવાનું ફલિત થાય છે. જેના માટે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) મુજબ આગળની કાર્યવાહી કરવા ભલામણ કરી હતી.
ટીડીઓનો આ રિપોર્ટ ગત 19 મી મેના રોજ ડીડીઓને કરાયો હતો. ત્યારબાદ ગત 28મી મે ના રોજ ગ્રામ પંચાયતના સભ્યો છોટુભાઇ આહીર, રેખાબેન રાઠોડ, કલ્પનાબેન ટંડેલ, દક્ષાબેન ટંડેલ અને રમિલાબેન ટંડેલે લેખિતમાં ડીડીઓને જણાવ્યું કે, સરપંચ જીતેન્દ્રભાઇ ટંડેલે પોતાની મનમાનીથી પોતાની સત્તાનો દુરુપયોગ કરી સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કાર્યો કર્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સરપંચે દરેક કામોમાં ગોટાળા અને તળાવ ખોદાણમાં બેજવાબદારી ભર્યું કૃત્ય કર્યું હોવાનું ટીડીઓના રિપોર્ટ પરથી ફલિત થાય છે. તો તેની વિરૂદ્ઘ કાર્યવાહી કરવા તેમણે રજૂઆત કરી છે. તેમની આ રજૂઆતને લઇ વલસાડ જિલ્લામાં ફરીથી માટી ખોદતા કોન્ટ્રાક્ટરોના વિવાદના કારણે સરપંચ વિવાદમાં આવ્યા છે.
તળાવ ખાલી કરવામાં દમણગંગા નહેર વિભાગની ભૂંડી ભૂમિકા
તળાવમાંથી માટી ખોદવા માટે પહેલાં ગ્રામ પંચાયતમાં ઠરાવ કરાય છે. એ સમયે તળાવમાં પાણી છે કે નહી, તે જોવાતું નથી. જેના કારણે ગ્રામ પંચાયત પાણી હોવા છતાં કોન્ટ્રાક્ટરોને તેની પરવાનગી આપી દેતા હોય છે. ત્યારબાદ માટી ખોદકામ માટે ખાણ ખનિજમાંથી પરવાનગી લેવાતી હોય છે.
એ પરવાનગી બાદ જ તળાવનું ખોદકામ થતું હોય છે, પરંતુ તળાવ ખોદવા માટે કોન્ટ્રાક્ટરો તેનું પાણી ખાલી કરી દેતા હોય છે. જેની સામે દમણગંગા નહેર વિભાગ પગલાં ભરતું હોય છે. ત્યારે માટીના કોન્ટ્રાક્ટરોને છાવરવામાં દમણગંગા નહેર વિભાગની ભૂંડી ભૂમિકા હોય છે. તેમના દ્વારા માટી કોન્ટ્રાક્ટરો સામે યોગ્ય પગલાં જ લેવાતા નથી. જેના કારણે કોન્ટ્રાક્ટરો બેફામ બની ગયા છે.