SURAT

સુરતમાં ખાડી પૂર માટે ઝીંગા તળાવ જવાબદાર, મનપા અધિકારીઓની સાફ વાત

સુરત: શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને નિવારવા માટે સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયરની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઈ હતી. આ બેઠકમાં પ્રિ-મોન્સુન કામગીરી અને પાણી નિકાલની સમસ્યાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.

  • મનપા દ્વારા ખાડીના ડ્રેજીંગ પાછળ 3 કરોડનું આંધણ કરાયું પણ રિઝલ્ટ નહીં
  • દબાણો દૂર કરવા મેયર કલેકટરને પત્ર લખશે, ચાલુ કામો સેફ સ્ટેજ પર લઈ જવા તાકીદ

આ વર્ષે ચોમાસા પૂર્વે વેધર ડિસ્ટબર્ન્સને કારણે આવેલા વરસાદને કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. જેથી પ્રિ-મોન્સુન કામગીરી આ વિસ્તારોમાં તાકીદે કરવા માટે મીટીંગમાં સૂચના આપવામાં આવી હતી. મનપા કમિશનર શાલિની અગ્રવાલ સાથે મનપાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ મીટીંગમાં હાજર રહી પ્રિ-મોન્સુન કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મીટીંગમાં ખાડીપુરની અસરને ટાળવા માટે ગેરકાયદે જીંગા તળાવોના અવરોધ મુદ્દે ચર્ચા થઇ હતી.

પ્રિમોન્સુન અંગેની મીટીંગમાં મનપા કમિશનર તેમજ શાસકો સમક્ષ સબંધિત અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલી વિગતોમાં એવું જણાયું હતું કે, જ્યાં સુધી ખાડી અને દરિયાના સંગમ સ્થળ પર ગેરકાયદે ઝીંગા તળાવોના દબાણો છે, ત્યાં સુધી ખાડીપૂરનું સંકટ દૂર થશે નહીં. હાલમાં ખાડીની સફાઇ અને ડ્રેજીંગ માટે 3 કરોડનો ખર્ચ થયો છે પરંતુ ઝીંગા તળાવોના દબાણો દૂર ન થાય તો પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેશે. તેથી આ મુદ્દે મેયર દ્વારા કલેક્ટરને પત્ર લખવામાં આવશે અને ઝીંગા તળાવોનું ડીમોલીશન કરવા સૂચન કરવામાં આવશે.

જ્યાં પાણી ભરાય છે, તે તમામ સ્પોટ પર 15 દિવસમાં રીચાર્જ બોરવેલ બનાવવા આદેશ
શાસકો દ્વારા પ્રિમોન્સુન મામલે બોલાવાયેલી મીટીંગમાં શહેરના દરેક ઝોનમાં જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે, ત્યાં 15 દિવસમાં રિચાર્જ બોર બનાવવાની સૂચના આપવામાં આવી હતી. આ વર્ષે વરસાદ વહેલો આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, સ્ટ્રેન્ચ રિપેરના કામને પ્રાથમિકતા આપવા અને અન્ય તમામ કામોને 20 મે પછી સેફ સ્ટેજ પર લઈ જવા માટે સૂચના આપવામાં આવી હતી. તેમજ હાલમાં શહેરમાં જ્યાં ને ત્યાં પાણી અને ડ્રેનેજ લાઈનના કારણે ખોદકામ કરાયા છે, જે ચોમાસા પહેલાં શહેરના તમામ ચાલુ કામોને ઝડપથી પૂર્ણ કરી, સેફ સ્ટેજ પર લઈ જવાની તાકીદ કરવામાં આવી હતી.

Most Popular

To Top