બદલાતી જતી ખાનપાનની આદતો માનવના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી રહી છે, તેમ આ આહારને લઈને પર્યાવરણ પણ અસરગ્રસ્ત થઈ રહ્યું છે. આમ વાંચીને પહેલી નજરે એમ લાગે કે આવું શી રીતે બને? આંકડા અને અહેવાલ જોતાં તેની ભયાનકતા સમજાય. બિનઆલ્કોહોલિક પીણાં બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની કોકાકોલાનું ઉદાહરણ આ સમજવા માટે પૂરતું રહેશે. એક અહેવાલ અનુસાર ઈ.સ.2030 સુધીમાં આ કંપની દ્વારા ઉપયોગમાં લેવાતું પ્લાસ્ટિક પ્રતિ વર્ષ 910 કરોડ પાઉન્ડ (આશરે 413 કરોડ કિ.ગ્રા.)ના આંકડાને પાર કરી જશે. ઈ.સ.2023માં આ કંપની દ્વારા વપરાયેલા પ્લાસ્ટિકના આંકડાની સરખામણીએ આમાં 20 ટકા વધારો જણાયો છે. આ જથ્થો કેટલો? પૃથ્વી ફરતે સો કરતાં વધુ વખત પ્લાસ્ટિક વીંટાળી શકાય એટલો.
અમેરિકા સ્થિત ‘ઓશના’જૂથે આ અહેવાલ પ્રકાશિત કર્યો છે, જેમાં દર્શાવ્યું છે કે કોકાકોલા દ્વારા પેકેજિંગ માટે ઉપયોગમાં લેવાયેલા 130 કરોડ પાઉન્ડ જેટલા અધધ પ્લાસ્ટિકનો જથ્થો વિશ્વભરના જળમાર્ગોમાં પ્રવેશવાની વકી છે, જે 180 લાખ બ્લૂ વ્હેલના પેટમાં પહોંચી શકે એટલો છે. પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવવામાં કોકાકોલા કંપની પ્રથમ સ્થાને છે. પર્યાવરણમાં મળી આવતા બ્રાન્ડેડ પ્લાસ્ટિકના કચરામાં તેનો 11 ટકા હિસ્સો હોય છે. તેના પછીના ક્રમે પેપ્સિકો, નેસ્લે, ડેનન અને ઓલ્ટ્રીઆ જેવી કંપનીઓ છે. હાલ કોકાકોલા કંપની વરસે દહાડે 13,000 કરોડ પ્લાસ્ટિક બોટલો પેદા કરે છે. એક અંદાજ અનુસાર દર વરસે તે પચાસ હજાર કરોડ કરતાં વધુ બોટલોનું વેચાણ કરે છે.
એ સૌ કોઈ જાણે છે કે કોકાકોલા એક મલ્ટીનેશનલ કંપની છે. તેના દ્વારા બનાવાતું અને વેચાતું પીણું પાણીમાં બનાવાયેલું એક દ્રાવણ માત્ર છે, જેનું કોઈ સ્વાસ્થ્યલક્ષી મૂલ્ય નથી. માત્ર ને માત્ર સ્વાદ ખાતર અને ઘણા ખરા કિસ્સામાં દેખાદેખીથી યા મોભાના કાલ્પનિક ખ્યાલથી પ્રેરાઈને લોકો તે પીવે છે. આમ તો દુનિયાનો પ્રત્યેક નાગરિક પોતાને મરજી પડે એ ખાવા કે પીવા માટે સ્વતંત્ર છે, પણ આ પીણાને લઈને જગતભરના પર્યાવરણ પર જે વિપરીત અસર થઈ રહી છે અને એ સતત વધતી રહી છે તેથી આટલી ટીપ્પણી.
માત્ર ને માત્ર તગડો નફો રળવા પર ધ્યાન કેન્દ્રિત કરીને પર્યાવરણને ગંભીર નુકસાન કરે તો એનું કશું સામાજિક ઉત્તરદાયિત્વ ખરું કે નહીં? ડિસેમ્બરમાં આ કંપનીએ પોતાના પર્યાવરણ સંબંધી સ્વૈચ્છિક લક્ષ્યાંકોમાં ફેરફાર કર્યો હતો. અગાઉની જળ, પેકેજિંગ, હવામાન અને કૃષિ અંગેની પોતાની નિસ્બત અનુસાર 2022માં તેણે ઘોષણા કરેલી કે તેના પીણાંમાંનાં ઓછામાં ઓછા પચીસ ટકા રીફીલેબલ કે પાછા આપી શકાય એવાં પાત્રોમાં વેચવામાં આવશે. હવે કંપનીની વેબસાઈટ પરથી આ પ્રતિજ્ઞા હટાવી લેવાઈ છે.
નવી ઘોષણામાં જણાવાયું છે કે હવે તે પ્રાથમિક પેકેજિંગમાં 35થી 40 ટકા સામગ્રી રિસાયકલ કરેલી વાપરશે. પ્રાથમિક પેકેજિંગ એટલે ઉત્પાદન સાથે સીધો સંપર્ક ધરાવતી સામગ્રી. ‘ઓશના’ના જણાવ્યા અનુસાર, આ કંપની પ્રવર્તમાન સ્તરેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ત્યારે જ ઘટાડી શકે જો તે વર્ષ 2030 સુધીમાં રિયુઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ 26.4 ટકા પર લાવી શકે.
‘રિસાયકલ’અને ‘રિયુઝ’માં ફરક છે. ‘રિસાયકલ’માં એ સામગ્રીમાંથી જ નવી સામગ્રી બનાવવાની હોય છે, જેનો પુન:ઉપયોગ થઈ શકે. ‘રિયુઝ’માં એ જ સામગ્રીનો પુન:ઉપયોગ કરવાનો હોય છે. ‘ઓશના’ના સિનીયર વાઈસ પ્રેસિડેન્ટ મેટ લીટલજોહ્નના જણાવ્યા મુજબ, આ કંપનીની નિયંત્રણ બહારની પ્લાસ્ટિકની સમસ્યાનું સમાધાન ‘રિસાયકલ’થી નહીં, પણ ‘રિયુઝ’થી થઈ શકે એમ છે. રિસાયકલ કરેલી સામગ્રીમાંથી બનાવેલી સિંગલ યુઝ પ્લાસ્ટિકની બૉટલો નવી પ્લાસ્ટિક બૉટલોની જેમ જ દરિયાઈ પ્રદૂષણ કરે છે અને સમુદ્રી સૃષ્ટિને નુકસાન પહોંચાડે છે.
અને આ કંપની સૌથી વધુ પ્રદૂષણ કરતી કંપની તરીકે બદનામ છે. બીજી તરફ કોકાકોલાના ચીફ એક્ઝિક્યુટિવ જેમ્સ ક્વીન્સીએ પોતાનાં રોકાણકારોને ચેતવતાં જણાવ્યું છે કે ટ્રમ્પ સરકાર દ્વારા લોખંડ અને એલ્યુમિનિયમની આયાત પર વધારાયેલા 25 ટકા ટેરીફને કારણે ડબ્બામાં પૅક કરેલા ખોરાક અને પીણાંની કિંમતમાં વૃદ્ધિ થઈ શકે છે, જેને કારણે કંપની દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગમાં વધારો થઈ શકે છે.
સો વાતની એક વાત એ છે કે પર્યાવરણ-બર્યાવરણ માર્યા ફરે, કંપનીને એનું જતન કે જાળવણીમાં કશો રસ નથી. નાણાંનું જોર હોય ત્યાં કોઈ કશું કરી શકતું નથી. સરકાર પણ નહીં. પર્યાવરણની સુરક્ષા કે જાળવણી અંગે વાતો તો ઘણી થાય છે, કાગળ પર ઘણી યોજનાઓ ઘડાય છે, પણ સરવાળે આ બધું પર્યાવરણને પ્રદૂષિત કરવામાં થોડો ઉમેરો કરે છે. એ ઉપરાંતની એની કોઈ અસર હોય તો એ છેવટે ઉપભોક્તાના ખિસ્સા પર થાય છે. સરકારોને રસ છે આવકમાં. પર્યાવરણના પ્રદૂષણનું આભ એ હદે ફાટ્યું છે કે એમાં એકલદોકલ નાગરિકો કે નાગરિક સમૂહોનું થીંગડું ખાસ કારગત ન નીવડી શકે.
રાક્ષસી કદની કંપનીઓ અને તેમની સાથે સંકળાયેલા કરોડોના વ્યવહારો ગુમાવવા કોને પોસાય? એક જાગ્રત નાગરિક બિચારો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો પુન:ઉપયોગ કરીને પર્યાવરણ માટે કંઈક કરી છૂટ્યાનો સંતોષ લેતો હોય તેની સામે આવી કંપનીઓ અઢળક કચરો પેદા કરીને તેને ગમે ત્યાં ઠાલવીને પર્યાવરણને અનેકગણું પ્રદૂષિત કરી મૂકે છે. હવે તો તેઓ આને ખુલ્લેઆમ કરતા થયા છે અને એની જરા પણ શરમ રહી નથી. સમગ્ર માનવજાતનું ભાવિ હવે આવા પ્રદૂષકોના હાથમાં કેદ છે. એનો અંજામ શો હશે એની કલ્પના કરવાની જરૂર નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.