Waghodia

ઝોમાટોની ડિલિવરી આખરી બની, પીપળીયા બસ સ્ટેન્ડ પાસે ડમ્પરે ડિલિવરી બોયને કચડ્યો

ડમ્પરે યુવકને 50 ફૂટ સુધી રોડ પર ઢસડ્યો
મોડી રાતે વાઘોડિયા -વડોદરા રોડનો પીપળીયા પાસેનો બનાવ

વાઘોડિયા:
વાઘોડિયામાં ગત મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે એકદમ પીપળીયા ગામ તરફ વળાંક લેતા ડીલીવરી પતાવી પરત ફરતા ઝોમેટો ડીલીવરી બોયને બાઈક સાથે અડફેટે લેતા અકસ્માતમા ઘાયલ ડિલીવરી બોયનુ ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું .

ગત મોડી રાત્રે 9:30 વાગ્યાની આસપાસ વાઘોડિયાથી વડોદરા જતા રોડ ઉપર વડોદરા ઠેકરનાથ મહાદેવ, પાણીગેટ, વડોદરા ખાતે રહેતો 26 વર્ષીય યુવક કમલેશભાઈ રાજુભાઈ વસાવા રોજિંદા ક્રમ પ્રમાણે સાંજે 7:00 વાગે ઝોમેટોમા નોકરી પર હાજર થયો હતો. જે બાદ પીપળીયા પાસે ફ્રુડ ડિલિવરી કરવા આવેલા કમલેશભાઈ પરત વડોદરા ફરતા તે સમયે ઓચિંતા એક ડમ્પરચાલકે પુરપાટ ઝડપે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી પીપળીયા બસ સ્ટેન્ડ પાસે કમલેશભાઈની લીવો બાઇકને અડફેટે લેતા કમલેશભાઈ ડમ્પરની ટક્કરે ડમ્પર નીચે આવી ગયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ડીલીવરી બોય ડમ્પરના પૈડા નીચે 50 ફૂટ સુધી ઢસડાયો હતો. ઘટના સ્થળે જ રોડ પર યુવકના ઢસડાવાના નિશાન જોવા મળ્યા હતા. ગંભીર ઇજાઓના કારણે યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ બનાવના પગલે પીપળીયા સહિત રોડ પર જતા આવતા રાહદારીના ટોળા ઘટના સ્થળે એકત્ર બન્યા હતા. ઇજાગ્રસ્તને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડાતા હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જોકે ઘટના અંગેની જાણ કમલેશભાઈના પિતા રાજુભાઈ પરસોત્તમભાઈ વસાવાને કરાતા તેમના પરિવાર સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા બીજી તરફ અકસ્માત અંગેની જાણ વાઘોડિયા પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, અકસ્માત સર્જી ડમ્પરચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. જે બાદ વાઘોડિયા પોલીસે ડમ્પરનો કબજો લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top