National

કેબિનેટની મિટિંગમાં 5 મોટા નિર્ણય લેવાયાઃ ટેકાના ભાવ નક્કી કરાયા, વ્યાજ સબસિડીની જાહેરાત

આજે બુધવાર તા. 28 મેના રોજ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેની માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી છે. ખેડૂતોના કલ્યાણને પ્રાથમિકતા આપતા ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) હેઠળ 2,07,000 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ખેડૂતોને સસ્તા દરે લોન આપવા માટે વ્યાજ સહાય યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે.

આ ઉપરાંત ત્રણ મોટા પ્રોજેક્ટ્સને પણ લીલી ઝંડી મળી ગઈ છે. જેમાં આંધ્રપ્રદેશમાં 4-લેન બડવેલ-નેલ્લોર હાઇવે, મહારાષ્ટ્રમાં 135 કિલોમીટર લાંબી વર્ધા-બલ્લારશાહ રેલ્વે લાઇન અને મધ્યપ્રદેશમાં 41 કિલોમીટર લાંબી રતલામ-નાગડા રેલ્વે લાઇનને પહોળી કરવાની યોજનાઓનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ખરીફ માર્કેટિંગ સીઝન 2025-26 માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ને મંજૂરી આપવામાં આવી છે, જેનો અંદાજિત ખર્ચ રૂ. 2,07,000 કરોડ થશે. આ ટેકાના ભાવ કૃષિ ખર્ચ અને કિંમતો આયોગ (CACP) ની ભલામણો પર આધારિત છે, જે ઉત્પાદન ખર્ચ પર ઓછામાં ઓછા 50% નફો સુનિશ્ચિત કરે છે.

આ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભાવ, પાક વચ્ચે સંતુલન, કૃષિ અને બિન-કૃષિ ક્ષેત્રો વચ્ચે વેપાર સંતુલન જેવા ઘણા મહત્વપૂર્ણ પાસાઓ પર પણ વિચારણા કરવામાં આવી છે. ખેડૂતોને કાર્યકારી મૂડીની સરળતાથી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે વ્યાજ સબસિડી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ 15,642 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે અને આ અંતર્ગત કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) દ્વારા ખેડૂતોને લોન આપવામાં આવશે.

સરકારની વ્યાજ સબસિડી યોજના હેઠળ ખેતી, બાગાયત સહિતના પાકો માટે 3 લાખ સુધીની લોન અને સંલગ્ન કૃષિ પ્રવૃત્તિઓ (જેમ કે પશુપાલન, મત્સ્યઉદ્યોગ, વગેરે) માટે 2 લાખ સુધીની લોન ખેડૂતોને વાર્ષિક 7% ના રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ યોજનામાં સરકાર 1.5% વ્યાજ સબસિડી આપે છે અને જો ખેડૂતો સમયસર પૈસા ચૂકવે છે, તો તેમને 3% ની વધારાની છૂટ મળે છે.

આ રીતે ખેડૂતોએ કુલ માત્ર 4% વ્યાજ ચૂકવવું પડશે, જે તેમના માટે ખૂબ ફાયદાકારક છે. ઉપરાંત 2 લાખ રૂપિયા સુધીની લોન પર કોઈ ગેરંટી લેવામાં આવશે નહીં. દેશભરની 449 બેંકો અને નાણાકીય સંસ્થાઓને એક જ પોર્ટલ સાથે જોડવામાં આવી છે, જેનાથી ખેડૂતોને લોન મેળવવાનું સરળ બનશે.

Most Popular

To Top