દાહોદ: દાહોદ અનાજ માર્કેટ (એ.પી.એમ.સી.)માં બે ઓફિસોની અંદર ગતરોજ મોડી રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ બે ઓફિસની દિવાલ તેમજ દરવાજાનું લોક તોડી પ્રવેશ કરી અંદરથી રૂપીયા પચાસ હજાર રોકડા તેમજ પાંચ લેપટોપ અને ડેસ્કટોપ મળી લાખ્ખો રૂપીયાની મત્તાનો હાથફેરો કરી નાસી જતાં પંથકમાં આ સમાચાર વાયુવેગે વહેતા થતાં તસ્કરોના આ આતંકને પગલે ફફડાટ સહિત રોષની લાગણી ફેલાવા પામી હતી.
દાહોદ શહેરમાં આવેલ અનાજ માર્કેટમાં અદનાન ઈકબાલભાઈ ખરોદાવાની ઓફિસ અને તેમની જ બાજુમાં આવેલ બીજી એક ઓફિસ મળી બે ઓફિસોમાં ગતરોજ મોડી રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ આ બે ઓફિસોને ચોરી કરવાના ઈરાદે નિશાન બનાવી હતી.
ઓફિસોની દિવાલમાં બાકોરૂ પાડી તેમજ દરવાજાનું લોક તોડી તસ્કરોએ પ્રવેશ કર્યાે હતો અને અદનાન ઈકબાલભાઈ ખરોદાવાલાની ઓફિસમાંથી અંદાજે રૂા.૫૦,૦૦૦ રોકડા, ત્રણ લેપટો, બે ડેસ્કટોપની ચોરી હતી હતી જ્યારે તેઓની જ બાજુમાં આવેલ અન્ય એક ઓફિસમાં પણ ચોરીના ઈરાદે ઘુસેલ તસ્કરોએ ત્યાં પણ બે લેપટોપની ચોરી કરી હતી.
આમ, રૂા.૫૦,૦૦૦ રોકડા અને પાંચ લેપટોપ તેમજ બે ડેસ્કટોપ મળી લાખ્ખોનો હાથફેરો કરી તસ્કરો નાસી ગયાં હતાં. વહેલી સવારે આ બંન્ને ઓફિસના માલિકો પોત પોતાની ઓફિસમાં આવતી સાથે જ ચોરી થઈ હોવાનું માલુમ પડતાં આસપાસના અન્ય વેપારીઓ અને લોકો પણ દોડી આવ્યાં હતાં.
ઘટનાની જાણ દાહોદ શહેર પોલિસને કરાતાં પોલીસ પણ દોડી આવી હતી. જાણવા મળ્યા અનુસાર, પોલીસે તાત્કાલિકા એક્શનને પગલે ડોગ સ્કોર્ડ તેમજ એફ.એસ.એલ.ની મદદથી તસ્કરોને શોધી કાઢવા તપાસનો શીલસીલો આરંભ કર્યાે છે.