Charchapatra

સુરત કા રહેનેવાલા હૂં સુરત કી બાત સુનાતા હૂં

મારાં સુરતવાસીઓ વર્ષોથી નંબર વન નંબર ટુ ધારણ કરનાર સુરત શહેરની એની ખૂબસૂરતી અને પ્રગતિ વિશે બે વાત કરવાનું મન થાય છે. આપણા સુરત શહેરની ઉપર દેશ અને દુનિયાની નજર છે. દિનપ્રતિદિન આ સુરત શહેરની બોલબાલા વધતી જાય છે. અન્ય શહેરની સરખામણીમા અહીં સુખ, શાંતિ અને સલામતી સૌથી વિશેષ છે. વ્યાપાર ધંધા પણ વધુ ને વધુ ખીલતા જાય છે. સુરતે તાજેતરમાં ટેકનોલોજીની દુનિયામાં તરખાટ મચાવી દીધો છે. સુરતીલાલાઓને ટેકનોલોજીથી પણ પરિચિત કરવાનો મારો આશય છે.

એના માટે ‘ગુજરાતમિત્ર’ અખબારનાં વાચકોએ તા. 16મી મેની સીટીપલ્સની પૂર્તિ જરૂરથી વાંચી લેવી. પૂર્તિના પહેલા આખા પેઇજ પર સિધ્ધિઓની ભરપૂર માહિતી રંગીન તસવીર સાથે વિગતે વિસ્તાર સહિત પ્રકટ કરવામાં આવી છે. મન પ્રસન્ન થઇ ગયું. મુખમાંથી આહ ને વાહ નીકળી ગયું. ગૌરવશાળી સુરતની ગૌરવગાથા વાંચીને ગૌરવથી મસ્તક ઊંચું થઇ ગયું. સુરતે ટેકનોલોજી ક્ષેત્રમાં બેમિશાલ સ્થાન ધારણ કર્યું છે. અહીં એની થોડીક ઝલક પ્રસ્તુત કરી છે.

જળસંચયથી યોજના શરૂ થાય એ પહેલાં સુરતે વોટર મીટર લગાડયાં છે. આગમાં બચાવ કરી શકે એવાં રોબોટ ખરીદ્યાં છે. સિવિક સુવિધામાં સૌ પ્રથમ ઇ ગવર્નન્સનો ઉપયોગ કરનાર સુરત આખા દેશમાં પ્રથમ શહેર બની ગયું છે. ટ્રાફિક સિગ્નલમાં પણ સુરતે આખા રાજયમાં સૌ પ્રથમ એઆઇ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો. કંઇ કેટલી આવી લાજવાબ સિદ્ધિઓની વાત કરવામાં આવી છે. અંતમાં એક સુરતી હોવાને નાતે એટલું કહેવાનું મન થાય છે કે મેરી પ્યારી પ્યારી સુરતકો કિસીકી નજર ના લગે. તાપી નદીના કિનારે વસેલું આ મારું પ્રાચીન સુરત શહેર સદા હસતું રહે, મુસ્કુરાતું રહે. જય તાપી મૈયા જય સદાબહાર સુરત.
સુરત     – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top