ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાં ફરી કોરોના વાઈરસે માથું ઉંચક્યું હોય તેમ લાગે છે. ભરૂચમાં શક્તિનાથ ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના ચાર કર્મચારી કોરોના પોઝિટિવ હોવાના સમાચાર બહાર આવતા શહેરમાં ફરી એક વખત કોરોના મહામારીનો ભય ઉભો થયો છે. બેંકના (Bank) કર્મચારી કોરોના પોઝિટિવ હોવાના પગલે હાલ પુરતી સ્ટેટ બેંકની શક્તિનાથ શાખાને તત્કાલિક બંધ કરાઈ હતી.
ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં ધીરે ધીરે ઘટાડો નોંધાયો હતો. છેલ્લા કેટલાક દિવસથી એકપણ કોરોના પોઝિટિવ કેસ બહાર આવ્યો ન હતો. જોકે ભરૂચ શહેરમાં ફરી કોરોનાના વાઈરસ સક્રિય થયા હોય તેમ લાગે છે. ભરૂચના શક્તિનાથ ખાતે આવેલી સ્ટેટ બેંકના ચાર કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા લોકોમાં ભય ઉભો થયો છે. બેંકના કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છતાં બેંકનું કામકાજ ચાલુ રહ્યું હતુ. જેને લઈ કોરોના સંક્રમણ વધવાની શક્તયતા પણ વધી હતી. જેથી વિવાદ પણ ઉભો થયો હતો. દરમિયાન આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ બેંક ખાતે દોડી આવ્યા હતા. અને બેંકનું કામકાજ અટકાવ્યું હતું.
કોરોનાએ એક મહિલાનો ભોગ લીધો
ભરૂચના પૃથ્વીનગર સુપર માર્કેટ પાસે એક ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલી એક ૬૫ વર્ષિય વૃધ્ધ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાના અહેવાલ બહાર આવી રહ્યા છે. આ મહિલાના અંકલેશ્વરના કોવિડ-19 સ્મશાન ખાતે અગ્નિદાહ અપાયો હતો.
ચૂંટણી પ્રચાર અને જાહેરસભામાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ફોર્મ ભરવાની પ્રક્રિયાથી જ કોવિડ ગાઈડલાઈનના લીરેલીરા ઉડી રહ્યા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ ઉમેદવારો જાહેર થઈ જતા હવે પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જેમાં વિવિધ વિસ્તારો અને ગામમાં વિવિધ પક્ષો અને અપક્ષોના ચૂંટણી કાર્યાલયોના ઉદઘાટન થઈ રહ્યા છે. જ્યાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરતા હોય તે રીતે એકઠા થાય છે. કાર્યકરો અને આગેવાનો માસ્ક વિનાના અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરતા નથી. આમ ચૂંટણીના ધમધમાટમાં કોરોના ગાઈડ લાઈનના સરેઆમ ધજાગરા ઉડી રહ્યા છે.
તંત્ર કોરોના પોઝિટિવના આંકડા છુપાવતું હોવાનો આક્ષેપ
છેલ્લા કેટલાય દિવસથી આરોગ્ય વિભાગના ચોપડે એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. જોકે શહેર અને જિલ્લામાં અનેક લોકો કોરોના પોઝિટિવ હોવાની અને વિવિધ હોસ્પિટલોમાં સારવાર લેતા હોવાના અહેવાલ બહાર આવે છે. આમ છતાં તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરાતા નથી. તેવી ફરીયાદ લોકો દ્વારા ઉઠી રહી છે.