જ્યાં બીજા શહેરો જે ટેકનોલોજી માટે વિચાર કરતાં હોય છે ત્યાં સુરતે તે ટેકનોલોજીને અપનાવીને શહેરની અનેકગણી પ્રગતિ કરી છે. ચાહે શહેર આખામાં CCTV હોય કે પછી મામલો સફાઈનો હોય સુરત શહેરે ટેકનોલોજીને આત્મસાત કરી છે. ગુનાખોરીને ઉકેલવાથી માંડીને ગટરની સફાઈ અને ગંદકી કરતાં લોકોને પકડવાથી શરૂ કરીને છેક એજ્યુકેશનના ક્ષેત્રમાં પણ સુરતે ટેકનોલોજી અને તેની નવીન મશીનરી થકી કમાલ કરી છે. જળસંચયની યોજના શરૂ થાય તે પહેલા જ સુરતે વોટર મીટર લગાડ્યા છે તો આગમાં પણ બચાવની કામગીરી કરી શકે તેવા રોબોટ પણ ખરીદ્યા છે. ઉદ્યોગના ક્ષેત્રે તો સુરતે એટલી નવીનતા આણી છે કે તેની તો વાત જ થાય તેમ નથી! હવે પોલીસ સાથે માથાકૂટ કરો તો તમારો વિડીયો રેકોર્ડ થઈ જાય છે અને જો ધૂમની જેમ બાઈક ચલાવો તો ઘરે જ મેમો આવી જાય છે. હવે આઈફોનની વિવિધ એપ્લીકેશનો પણ નર્મદ યુનિ.માં બનવા માંડી છે. સિવિક સુવિધામાં સૌ પ્રથમ ઈ-ગવર્નન્સનો ઉપયોગ કરતી મહાપાલિકા ધરાવનાર સુરત આખા દેશમાં પ્રથમ શહેર હતું. ટ્રાફિક સિગ્નલમાં પણ સુરતે આખા રાજ્યમાં સૌ પ્રથમ AI ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. સુરત આજે ટેકનોલોજીનું શહેર ગણાય છે ત્યારે આવો આપણે જોઈએ કે સુરતમાં કેવી કેવી ટેકનોલોજી અને નીતનવી મશીનરીનો ઉપયોગ થાય છે…
ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મદદથી સુરત મનપા શહેરમાં 30 સિવિક સેવાને સુદ્રઢ બનાવી રહી છે
સુરત મનપા દ્વારા આશરે 3000થી પણ જ્યાં વધુ CCTV કેમેરાની મદદથી દેશના સૌથી મોટા ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના 32 કરોડના ખર્ચે ઉધના મગદલ્લા રોડ, બ્રેડ લાઈનર સર્કલ ખાતે ICCCના નામથી કરવામાં આવી છે. આ સેન્ટરમાં એકસાથે 22 ઓપરેટર બેસી શકે છે. આ સેન્ટર દ્વારા મનપા ગંદકી થતી અટકાવી શકે છે. સાથે સાથે પ્રાથમિક અને માળખાકિય સુવિધાની કામગીરી ક્યાં કેવી રીતે ચાલી રહી છે તેની પર પણ નજર રાખી રહી છે. આ સેન્ટર દ્વારા મનપા 30 જેટલી સિવિક સુવિધાને સુધારી રહી છે. જેમાં ટ્રાન્સપોર્ટ, ડ્રેનેજ, પાણી, ઈમરજન્સી, IT, હેલ્થની સાથે સાથે BRTS, ટ્રાફિક કંટ્રોલ, ઈમરજન્સી સર્વિસિસ, ગ્રીવન્સીસ રિડ્રેસલ, CCTV સર્વેલન્સ, સ્ટ્રીટલાઈટ મોનિટરિંગ સહિતની સેવાઓનો સમાવેશ થાય છે. આ સેન્ટર મારફત સુરત મનપા ગંદકી કરતાં લોકોને પણ પકડી રહી છે.
US અને ઈઝરાયેલની ટેકનોલોજીથી બનેલું સુરત પોલીસનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર CCTVથી ગુનાખોરી ઉકેલે છે
સુરત પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર માટે રૂપિયા 10.50 કરોડનો ખર્ચ કરાયો હતો. આ સેન્ટર માટે અમેરિકા તેમજ ઈઝરાયલથી ટેકનોલોજીની આયાત કરવામાં આવી હતી. આ સેન્ટરમાં 240 ફુટની એક વોલ લગાડવામાં આવી છે. તેની સાથે CCTV કેમેરાને જોડવામાં આવ્યા છે. જેને કારણે ટ્રાફિક વ્યવસ્થાપનની સાથે સાથે ગુનાખોરીને ઉકેલવા માટે પણ મોટી મદદ મળી રહી છે. સેન્ટરમાં ફેસ રેકગ્નિશન સિસ્ટમ અને ફોરેન્સિક ક્રિમિનલ ટેકનોલોજી સાથે પિક્ચર ઇન્ટેલિજન્સ યુનિટ પણ સામેલ છે. આ સિસ્ટમ શહેરના મહત્વપૂર્ણ પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોએ ગુનાહિત ડેટાબેઝ અને CCTV કેમેરા સાથે જોડાયેલ છે. જરૂર પડે ત્યારે આ સિસ્ટમ તાત્કાલિક ચેતવણીઓ મોકલે છે, જે ગુનાની તપાસ ઝડપી બનાવે છે.
બોડી વોર્ન કેમેરા પોલીસના મોટા મદદગાર
સુરતમાં કોઈપણ ઘટનાને તાત્કાલિક કેમેરામાં કેદ કરી શકાય તે માટે પોલીસ જવાનોને બોડી વૉર્ન કેમેરા પણ આપવામાં આવ્યા છે. આ કેમેરા દ્વારા પોલીસ તમામ કાર્યવાહીનું રેકોર્ડિંગ કરી શકે છે. આ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ ટ્રાફિક નિયમન વખતે, પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ, પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન, રેડ, અને સભા સરઘસોમાં કરવામાં આવી રહ્યો છે. આ બોડી વૉર્ન કેમેરાથી પોલીસનું પ્રજા તરફનું વર્તન અને પ્રજાના પોલીસ તરફના વર્તનમાં સુધારો થયો છે.
મનપા કરે છે ડ્રેનેજની સફાઈ માટે રોબોટ મશીનનો ઉપયોગ
ડ્રેનેજમાં અંદર ઉતરતા શ્વાસ રૂંધાવાથી ઘણીવાર આ પ્રકારના બનાવો ભૂતકાળમાં બની ચૂક્યા છે. પરંતુ તે પછી મનપાએ આધુનિક ટેકનોલોજી વિકસાવી છે. હવે સુરતમાં ડ્રેનેજની સફાઈ કામદારો નહિ પણ રોબોટ મશીન કરે છે જેના માટે મનપાએ આધુનિક ટેકનોલોજી વિકસાવી છે. રાજ્ય સરકારે ડ્રેનેજની સફાઇ માટે સુરત મહાનગર પાલિકા બે રોબોટ મશીનની ફાળવણી કરી છે. જયારે મનપાના કુલ છ સહીત આઠ રોબોટ આ કામમાં જોડાયેલા છે.
મચ્છરોના ઉપદ્રવને નાથવા AI ડ્રોન ટેક્નોલોજીની મદદ
સુરતમાં મચ્છરો સામેના યુદ્ધમાં સુરત મહાનગરપાલિકાએ AI/ML આધારિત ‘મચ્છર ડિટેક્શન અને ડિસ્ટ્રક્શન’ ડ્રોન ટેક્નોલોજીનો પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં ડ્રોન ટાર્ગેટેડ મચ્છર બ્રિડિંગ સેન્ટર્સ શોધીને લાર્વીસાઈડ છંટકાવ કરશે અને ગ્રાઉન્ડ હેલ્થ ટીમની કામગીરીનું લાઈવ મોનિટરિંગ કરે છે. મેન્યુઅલ ઇન્સ્પેક્શન અને સ્પ્રે કરતા પણ ઝડપથી અને વધુ અસરકારક રીતે ડ્રોન મચ્છરનાં બ્રિડિંગ સેન્ટર્સ શોધી અને ત્યાં જ દવા છંટકાવ કરે છે.
રોડ સ્વીપર મશીનથી રસ્તા પર સફાઇ
સુરત મનપા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેરને દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં પહેલો નંબર મળ્યા બાદ હવે આ સ્થાન જાળવી રાખવા માટે સફાઇ માટે પણ આધુનિક ટેકનોલોજી અપનાવાઇ છે, જેમાં સફાઇ કામદારોની જગ્યાએ રાત્રી સફાઇ માટે રોડ સ્વીપર મશીનથી કામગીરી થાય છે, મનપા પાસે 20 રોડ સ્વીપર મશીન કાર્યરત છે, જયારે વધુ 16 મશીનનો ખરીદવાની પ્રક્રિયા ચાલી રહી છે.
સુરતમાં આઈફોન માટે એપ્લિકેશનો બનાવવાની તાલીમ અપાઈ રહી છે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી વિભાગમાં હવે એપ્પલનાં ઉત્પાદનો માટે ખાસ લેબોરેટરી શરૂ કરવામાં આવી છે. આ લેબમાં ખાસ કરીને iOS સિસ્ટમ માટે એપ્લિકેશનો બનાવવાની તાલીમ આપવામાં આવશે. હાલ માર્કેટમાં iOS માટે બનાવાતા સોફ્ટવેરોની સંખ્યા પણ તુલનાત્મક રીતે ઓછી છે. વિશેષ રૂપે તૈયાર કરાયેલી આ લેબમાં વિદ્યાર્થીઓ એપ્પલ ફ્રેમવર્કને આધારે નવીન અને ઉપયોગી એપ્લિકેશનો બનાવશે. હાલમાં આશરે ૧૩૦ વિદ્યાર્થી આ લેબનો લાભ લઈ રહ્યા છે.
વર્ટિકલ જરી મશીનરીને કારણે જરી ઉદ્યોગમાં ઉત્પાદન વધ્યું
સિલ્ક રૂટનો ભવ્ય ઇતિહાસ ધરાવતો સુરતનો જરી ઉદ્યોગ ટેક્નોલોજી અપગ્રેડેશનથી સજ્જ થયા પછી ઉત્પાદન ક્ષમતા વધારી શક્યો છે. એક સમયે જરીની મશીનરી હોરીઝોન્ટલ ડિઝાઇનમાં બનતી હતી. હવે વર્ટિકલ બનવા સાથે વધુ કોમ્પેક્ટ થઈ છે. એને લીધે કારખાનામાં ઓછી જગ્યાનો વપરાશ થાય છે અને સ્પિન્ડલ વધારે સંખ્યામાં ચાલે છે. જ્યાં જૂની મશીનરી પર 25 કિલો જરીનું ઉત્પાદન થતું હતું ત્યાં હવે 50 કિલો ઉત્પાદન લઈ શકાય છે.
રોડ સ્વીપર મશીનથી રસ્તા પર સફાઇ
સુરત મનપા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેરને દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં પહેલો નંબર મળ્યા બાદ હવે આ સ્થાન જાળવી રાખવા માટે સફાઇ માટે પણ આધુનિક ટેકનોલોજી અપનાવાઇ છે, જેમાં સફાઇ કામદારોની જગ્યાએ રાત્રી સફાઇ માટે રોડ સ્વીપર મશીનથી કામગીરી થાય છે, મનપા પાસે 20 રોડ સ્વીપર મશીન કાર્યરત છે, જયારે વધુ 16 મશીનનો ખરીદવાની પ્રક્રિયા ચાલી રહી છે.
પાણી મીટરની ટેકનોલોજીથી પાણીનો બગાડ અટકાવાશે
શહેરની 70 લાખ જનતાને પીવાનું પાણી નળ દ્વારા આપતી સુરત મનપાએ શહેરની 28 લાખથી વધુ મિલકતોમાં પાણીનો બગાડ અટકાવવા માટે પાણી મીટરની ટેકનોલોજીનો સહારો લેવાનો પ્રારંભ કર્યો છે. મીટરથી અપાતા પાણીના દર માસ બીલ જનરેટ થાય છે.
વિન્ડ પાવર અને સોલાર પાવર પ્લાન્ટ નાખી સુરત મનપા વીજખર્ચમાં બચત કરી રહી છે
વર્ષ 2010થી સુરત મનપાએ ટેકનોલોજીનો ઉપયોગ કરી બીનપરંપરાગત વિજ સ્ત્રોતમાંથી વિજળી ઉત્પન્ન કરતા પ્રોજેકટ કર્યા છે. હાલમાં સુરત પાલિકા 34 ટકા હિસ્સો રિન્યુએલબ ઉર્જાથી મેળવે છે, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારા પર સુરત મનપાએ વિન્ડ પાવર પ્લાન્ટસ સ્થાપિત કર્યા છે, ઉપરાંત મનપા જુદી જુદી પ્રિમાઇસિસો પર સોલાર પાવર પ્રોજેકટથી વિજ ઉત્પન્ન કરીને વાર્ષિક 81 કરોડ જેટલો વીજ ખર્ચ બચાવે છે.