વર્તમાન વડાપ્રધાને આપણને છેક 2014 ચૂંટણી સભાઓમાં અચ્છે દિનનું વચન આપેલ હતું. હવે અચ્છે દિન આવી ગયા છે. કેમ કે સરકારી કર્મચારીઓને 2 ટકા મોંઘવારી ભથ્થું ચુકવવા જાહેરાત થયેલી છે. 1 એપ્રિલથી દવાના ભાવો વધ્યા છે. એટલે દવા ઉત્પાદકો અને વિક્રેતાઓ માટે અચ્છે દિન આવી ગયા. ટોલ ટેકસમાં વધારો જાહેર કરાયો છે એટલે તેના માલિકોને બખ્ખા થઇ ગયા. કેરીના ભાવમાં 10 થી 15 ટકા ભાવવધારો થયો છે એટલે કેરી ઉત્પાદકો માટે અચ્છે દિન આવી ગયા છે.
હવે અમૂલે દૂધ લીટરે રૂ.2નો વધારો જાહેર કરેલ છે. એટલે પશુપાલકોને લાભ થયો. નવા વર્ષે બાળકો માટે ખરીદવાનાં પુસ્તકો, કપડાં, મોજાં, બુટમાં પણ અત્યારથી જ 20 ટકા ભાવવધારો થયો છે. આમ મોટા ભાગનાં લોકો માટે અચ્છે દિન આ ગયે હૈ. હવે બાકી રહ્યા તે મધ્યમ વર્ગનાં લોકો ખાનગી પેઢીનાં કર્મચારીઓ સીમાંત ખેડૂતો ખેતમજૂરો અને બેકાર યુવાનો થોડી રાહ જુઓ. ચૂંટણી નજીક આવશે એટલે રાજકીય પક્ષો તેમને પણ આંબલી-પીપળી દેખાડશે. પછી બધે ભયો ભયો થઇ જશે.
પાલનપુર – અશ્વિનકુમાર ન. કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આ તે કેવી માનસિકતા
એક દિવસ અમે જયોતીન્દ્ર દવે ગાર્ડનમાં ગયા. નવા સ્વરૂપે તૈયાર થયેલો ગાર્ડન ખૂબ સરસ છે. ઘણો સરસ રીતે સજ્જ કરેલ છે. પણ ત્યાં જઇને જોયું તો આયોજનપૂર્વક ગોઠવેલા બાંકડાને પણ લોકોએ ખસેડીને ગમે તેમ મૂકયા હતા. વળી એવામાં એક ભાઈ મળ્યા. એમણે પૂછયું કે તમને આ બાગ કેવો લાગ્યો? અમે કહ્યું કે સરસ છે. પણ લોકો બાંકડા ખસેડે છે તે અયોગ્ય છે તો એ ભાઈ બોલ્યા કે બાંકડા તો ઠીક કે પાછા એના સ્થાને ગોઠવી પણ દેવાય પણ અહીં આવનાર બહેનો તો તુલસીના છોડ અને અન્ય છોડ પણ જમીનમાંથી ઉખેડીને પોતાની સાથે લઇ જાય છે. કેટલીક બહેનો તો છોડ પરથી ફૂલ તોડીને પોતાના માથામાં લગાવે છે. બોલો, હવે આનો કોઇ ઉપાય ખરો? ફૂલ-છોડ સુંદરતામાં વધારો કરે છે પણ આ લોકોને કોણ સમજાવે અને આ તે કેવી માનસિકતા.
સુરત – શીલા ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.