ફાયરબ્રિગેડના જવાનો પહોંચે તે પૂર્વે સ્થાનિક યુવકોએ ખાડામાં છલાંગ લગાવી બાળકને બચાવી લીધું :
આજવા રોડ એકતાનગર પાસેની ઘટના સ્થાનિક લોકોએ તંત્ર સામે બળાપો કાઢ્યો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.12
વડોદરા શહેરના આજવારોડ એકતા નગરમાં તંત્ર દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં ગત મોડી રાત્રે રમતા રમતા એક બાળકનો પગ લપસી જતા આ ખાડામાં ખાબક્યું હતું. બુમરાણ થતા તાત્કાલિક સ્થાનિક યુવકોએ ખાડામાં છલાંગ લગાવી બાળકને બચાવી લીધું હતું. જ્યારે બીજી તરફ સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. બનાવને પગલે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો પણ થર્ડ પર દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથધરી હતી.
સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં વિકાસના કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી અને ગેસની લાઈનો નાખવામાં આવી રહી છે, આવી જ એક કામગીરી શહેરના આજવા રોડ એકતા નગરમાં પાણીની લાઈન નાખવા માટેની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. રવિવારે રાત્રિ દરમિયાન આજવારોડ એકતા નગર મસ્જિદ પાસે તંત્ર દ્વારા ખોદવામાં આવેલા ખાડા પાસે કેટલાક નાના બાળકો રમી રહ્યા હતા. અચાનક એક અરમાન નામના બાળકનો પગલક્ષી જતા તે ખાડામાં ખાબક્યો હતો. પાણીમાં જોરદાર અવાજ આવતા સ્થાનિક લોકો એકત્રિત થયા હતા અને તાત્કાલિક યુવકોએ ખાડામાં છલંગ લગાવી અરમાનને બચાવી લીધો હતો. જ્યારે બીજી તરફ બનાવની જાણ ફાયર બ્રિગેડને પણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા. જોકે અંદર પ્રવેશવા માટે જગ્યાનો અભાવ હોય ફાયર બ્રિગેડના જવાનોએ પોતાના વાહનો બહાર મૂકી પગપાળા આવવાની ફરજ પડી હતી. બીજી તરફ ફાયર બ્રિગેડના જવાનો આવે તે પહેલા સ્થાનિક લોકોએ હિંમત દાખવી હતી અને ખાડામાં પડેલા બાળકને બચાવી લીધું હતું. જ્યારે આ મામલે સ્થાનિક મહિલા હોય આ ખાડા જીવનું જોખમ ઊભું કરી રહ્યા હોય વહેલી તકે આ સમસ્યાનો નિરાકરણ લાવવા માંગણી સાથે તંત્ર સામે પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. જ્યારે બીજી તરફ સ્થાનિક પોલીસ પણ આવી પહોંચી હતી. ખાડામાં બીજું પણ કોઈ બાળક પડ્યું હોવાની આશંકાએ ફાયર બ્રિગેડના જવાનોએ આ ખાડામાં શોધખોળ હાથ ધરી હતી. જોકે કોઈ બીજું બાળક પડી ગયું હોય તપાસ બાદ કોઈ ભાળ નહીં મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

વડોદરાના આજવા રોડ એકતાનગરમાં મસ્જિદ પાસે પાણીની લાઇન જે ખોદેલી છે.અહીંયા ઘણા નાના બાળકો રમી રહ્યા હતા. જેમાં મારી બહેનનો છોકરો નાનો અરમાન પણ રમી રહ્યો હતો. એના મિત્રો પણ હતા. અરમાનનો પતરા પાસેથી પગ લપસી જતા તે નીચે પાણીમાં પડી ગયો, આશરે 20 ફૂટનો ખાડો છે. જેવી ખબર પડી તરત બીજા યુવકો અંદર કુદી પડ્યા અરમાનને બહાર કાઢ્યો,અમને શંકા છે કે એની સાથે બીજો છોકરો પણ હતો. ફાયર બ્રિગેડના જવાનો એ યુવકોએ અંદર જોયું પણ બીજું કોઈ દેખાયું નહીં. અમારી એકજ માંગ છે કે જલ્દીમાં જલ્દી આ ખાડાઓને નિકાલ કરવામાં આવે અને ના થઈ રહ્યું હોય તો એની ફરતે બાઉન્ડરી બનાવો,કેમકે અહીં નાના બાળકોને જોખમ છે. બીજી વખત આવો બનાવ ન બને તે માટે પગલાં ભરો. : સનમ શેખ,સ્થાનિક
અમે મહિલાઓ બધી બહાર બેઠી હતી અને અચાનક પાણીમાંથી જોરથી અવાજ આવા લાગ્યો એટલે અમે બધા દોડ્યા કે શું પડ્યું જોયું તો આ છોકરો અંદર પાણીમાં પડ્યો હતો એને અહીના યુવક હોય તાત્કાલિક અંદરથી કાઢી લીધો પણ તેમ છતાં પણ પાણીમાં છબકારા થવા લાગ્યા જેથી કરીને અમે પણ બૂમાબૂમ કરી અને બીજા આના પિતા પણ અંદર કૂદી પડ્યા હતા. છોકરાને બહાર કાઢ્યો હતો. સાત વર્ષનું બાળક છે. એ તો સારું છે કે મહોલ્લામાં બધા યુવકો હતા એમના કારણે આજે આ બાળકો બચ્યા છે જો કોઈ અહીંયા હોય નહીં અને આ ઘટના બની હોત તો આજે મોટી જાનહાની થઈ હોત : સાહિયા તસરીન,સ્થાનિક
