સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા અને તાલુકા,જિલ્લા પંચાયતોની સામી ચૂંટણીએ 15મીં ફેબ્રુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત બનતા ના-કર લડત સમિતિના આંદોલનને પગલે હાઇવે જામ નથાય તે માટે આગલા દિવસથી સચિન પલસાણા રોડના ભાટિયા ટોલનાકે અને કામરેજ ટોલનાકે (Bhatia Kamrej Toll) લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતા પ્રથમ દિવસે ટોલનાકાઓ પર શાંતિ જળવાઇ રહી હતી. જોકે પાટીદાર અનામત આંદોલનના અગ્રણી ધાર્મિક માલવિયાએ ટોલનાકાઓ સામે જન આંદોલન (Protest) ઉભુ કરવા પાસના કાર્યકરો અને સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓનું સમર્થન મેળવવા આગામી બે ત્રણ દિવસ બેઠકો યોજવાનું આયોજન કર્યુ છે.
એવીજ રીતે કાંઠા વિભાગ યુવા કોળી પટેલ સમાજના અગ્રણી અને ના-કર લડત સમિતિના આગેવાન પ્રકાશ કોન્ટ્રાક્ટરે પણ ટોલનાકાઓ સામે કાંઠા વિસ્તારના લોકોની લાગણીનો પડઘો પાડવા બેઠકોનું આયોજન કરવાની તૈયારીઓ શરૂ કરી છે. આ મામલે બન્ને સંગઠનો દ્વારા ખેડૂતો અને પશુપાલકોનું સમર્થન મેળવવા દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ સાથે પણ બેઠક યોજવા તૈયારીઓ કરવામા આવી રહી છે. આવી સ્થિતિ તાપી જિલ્લાના માંડલ ટોલનાકે ઉભી થઇ છે. નાકર લડત સમિતિનું આયોજન દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી,નવસારી, વલસાડ અને ભરૂચ ટોલનાકે સામુહિક રીતે એકજ સમયે હાઇવે પર ચક્કા જામનો કાર્યક્રમ આપવાની છે. ના-કર લડત સમિતિના અગ્રણી દર્શન નાયકે જણાવ્યું હતું કે લડત સમિતિ સાથે સંકળાયેલા જુદાજુદા સંગઠનો,ખેડૂતો,પશુપાલકો,વ્યવસાયિયોનું સમર્થન મેળવી આગામી દિવસે આંદોલન તેજ કરવામાં આવશે.
ભાટિયા ટોલનાકે 165 અને કામરેજ ટોલનાકે 110 રૂપિયા વસુલવાનું શરૂ કરી દેવાયું
15 ફેબ્રુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત બનતા ટોલનાકાના સંચાલકો દ્વારા ભાટિયા ટોલનાકે આવવા અને જવાના 165 રૂપિયા, જ્યારે કામરેજ ટોલનાકે જવા અને આવવાના 110 રૂપિયા વસુલવાનું શરૂ કરાયું છે. તેને લઇને સુરત જિલ્લાના વાહનચાલકોમાં રોષ ફેલાયો છે. ભાટિયા ટોલનાકાના સંચાલકો દ્વારા સુરત જિલ્લાના વાહનચાલકો સ્થાનિક તરીકેનો પુરાવો આપે તો 265 રૂપિયાનો મંથલી પાસ કાઢી આપે તેવી તૈયારી બતાવી છે. જ્યારે કામરેજ ટોલનાકાના સંચાલકોએ જે વાહનમાલિક આગોતરૂં રજિસ્ટ્રેશન કરાવે તો સુરતથી જવાના 20 અને આવવાના 20 રૂપિયા વસુલવાનું શરૂ કર્યુ છે. જોકે બન્ને ટોલનાકાના સંચાલકોએ કેશની લાઇન કાઢી નાખી છે. સુરત જિલ્લાના જે વાહનચાલકો વિરોધ નોંધાવે છે તેમને જ મંથલી પાસ અને જવા આવવાના 40 રૂપિયાની સ્કીમ આપવામાં આવે છે.
સામી ચૂંટણીએ આપની મળનારી બેઠકમાં ટોલનાકાના મામલે આંદોલનનો નિર્ણય લેવાશે
સુરત મનપા અને જિલ્લા પંચાયત- તાલુકા પંચાયતની સામી ચૂંટણીએ જો ટોલનાકાઓ સામેનું આંદોલન છેડવામાં આવેતો ટોલનાકાઓની નજીક આવેલી બેઠકોની ચૂંટણીમાં આપને લાભ થઇ શકે છે. તે મુદ્દાને લઇ આપની ચૂંટણી કમિટીની બેઠકમાં આ મુદ્દાને લઇ ચર્ચા થઇ શકે છે.