ગયા વર્ષના શરૂઆતના મહિનાઓમાં દેશમાં કોરોનાવાયરસના ચેપના કેસો વધવા માંડ્યા પછી દેશભરમાં ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું. આ ટેસ્ટિંગ અંગે સરકાર ભલે મોટા મોટા દાવાઓ કરતી હોય પણ કોરોના ટેસ્ટની વિવિધ બાબતોને ઘણા લોકો શરૂઆતથી જ શંકાની નજરે જોતા હતા અને તેમની શંકાઓને સાચી પુરવાર કરે તેવી વાતો હાલ બિહારમાંથી બહાર આવી છે.
જેમાં જાણવા મળ્યું છે કે ટેસ્ટ કરવાની બાબતમાં આરોગ્ય કેન્દ્રોના કર્મચારીઓએ અનેક છબરડાઓ કર્યા છે, એટલું જ નહીં ટેસ્ટિંગ સામગ્રીની ઉચાપત જેવા હેતુઓસર ટેસ્ટિંગની નોંધણીઓમાં ગોબાચારી પણ કરવામાં આવી છે. આ વાતો ખરેખર ચોંકાવનારી છે અને સત્તાવાળાઓ માટે આંખ ઉઘાડનારી છે.
બિહારમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના ટેસ્ટમાં ભારે લાલીયાવાડી ચાલી રહી હોવાના અને વ્યાપક છબરડા થયા હોવાના જે ચોંકાવનારા અહેવાલ બહાર આવ્યા છે તે અહેવાલો મુજબ જેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેવા સંખ્યાબંધ લોકોનો એક જ મોબાઇલ નંબર નોંધવામાં આવ્યો છે.
તો કેટલાક લોકોના મોબાઇલ નંબર તરીકે ફક્ત દસ મીંડા જ નોંધવામાં આવ્યા છે તો કેટલાક લોકોનો ટેસ્ટ કરવામાં જ આવ્યો ન હતો છતાં તેમને કોવિડ પોઝિટિવ જાહેર કરી દેવામાં આવ્યા છે! અને વધુ ચોંકાવનારી બાબત તો એ છે કે ટેસ્ટિંગની સામગ્રીની તફડંચી કરવા માટે કોઇ પણ ટેસ્ટ કર્યા વિના જ ટેસ્ટ કરાયા હોવાની ખોટી વિગતો રજીસ્ટરોમાં ભરવામાં આવી છે.
જુમઇ જિલ્લાના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વ્યાપક છબરડાઓ થયા હોવાની માહિતી બહાર આવી છે. અહીં જેમના આરટી-પીસીઆર ટેસ્ટ થયા હતા તેવા ૨૬ લોકોનો એકસરખો એક જ મોબાઇલ નંબર નોંધવામાં આવ્યો છે! જ્યારે કે જેમના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હોય તેવા લોકોને ટ્રેસ કરવા માટે મોબાઇલ નંબર એક અગત્યની બાબત છે છતાં તેની નોંધણીમાં આવી બેદરકારી દાખવવામાં આવી છે.
જ્યારે આ જ જિલ્લામાં એવું પણ બન્યું છે કે ટેસ્ટ કરાયેલ કેટલીક વ્યક્તિઓનાં મોબાઇલ નંબર તરીકે ફક્ત દસ શૂન્ય(૦૦૦૦૦ ૦૦૦૦૦) નોંધવામાં આવ્યા છે! આ બાબતે કોવિડ ટેસ્ટિંગ જિલ્લા વડામથકના કર્મચારીઓ પીએચસીના ગ્રાઉન્ડ લેવલના સ્ટાફ પર આક્ષેપ કરે છે. તેઓ કહે છે કે આ સ્ટાફે ટેસ્ટ કરાયેલા લોકોના મોબાઇલ નંબર નોંધ્યા જ ન હતા તેથી અમારે તેમના મોબાઇલ નંબર તરીકે દસ શૂન્ય નોંધવા પડ્યા છે.
આ ઉપરાંત જુમઇ, શેખપુરા અને પટનાના કેટલાક કેન્દ્રોમાં તો ટેસ્ટિંગની સામગ્રી વપરાઇ હોવાનું ખોટી રીતે દર્શાવીને આ સામગ્રીની ઉઠાંતરી કરવાના હેતુસર અનેક ટેસ્ટ કરાયા હોવાની ખોટી નોંધો કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે.
મનોજ કુમાર નામના એક વિદ્યાર્થીએ ક્યારેય ટેસ્ટ કરાવ્યો જ નથી પરંતુ આમ છતાં તેનું અને તેના ભાઇનું નામ સિકંદરા પીએચસીની કોવિડ પોઝિટિવની યાદીમાં જાહેર કરી દેવાતા તે ચોંકી ઉઠ્યો હતો. આવા તો અનેક લોકો છે જેમને ટેસ્ટ કરાયા વિના જ પોઝિટિવ જાહેર કરી દેવાયા છે એમ જાણવા મળે છે.
આ ગોટાળાઓ અને છબરડાઓ બહાર આવતા વ્યાપક હોબાળો મચ્યો છે અને ટેસ્ટિંગની આખી પ્રક્રિયા સામે જ પ્રશ્નાર્થ ઉભા થયા છે. રાજદના સાંસદ મનોજ ઝાએ આ મુદ્દો રાજ્યસભામાં પણ ઉઠાવ્યો છે. આ બાબતે બિહારના આરોગ્ય મંત્રી મંગલ પાંડે હવે કહે છે કે આ બાબતે વિસ્તૃત તપાસ કરવામાં આવશે અને કોઇ પણ દોષિતને છોડવામાં નહીં આવે.
મંત્રીશ્રીએ જે વચન આપ્યું છે તેનું પાલન કરવામાં આવે તો સારું, પરંતુ અહીં ફક્ત બિહારનો જ સવાલ નથી, દેશના અન્ય ભાગોમાં પણ ટેસ્ટિંગની બાબતમાં આવા છબરડાઓ અને ગોટાળા કે ગોબાચારી નહીં જ થતા હોય તેની કોઇ ખાતરી આપી શકાય તેમ છે ખરું? આમ તો કોરોનાના પરીક્ષણોની સચોટતા બાબતે શરૂઆતથી જ સવાલો ઉઠતા રહ્યા છે ત્યાં આવા ગોટાળા લોકોના મનમાં વધુ શંકાઓ અને આક્રોશ જન્માવી શકે છે.
રેપિડ એન્ટિજન ટેસ્ટ શરૂઆતમાં વ્યાપકપણે કરવામાં આવ્યા, પરંતુ આ ટેસ્ટની સચોટતા ઘણી જ ઓછી જણાઇ હતી, આરટી-પીસીઆર ટેસ્ટ એકંદરે વિશ્વાસપાત્ર જણાયા છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં બાદમાં આનું પ્રમાણ વધારવામાં આવ્યું પરંતુ જો આ કેન્દ્રોમાં જ લાલીયાવાડી ચાલતી હોય તો ગમે તેવી સચોટ ટેસ્ટ સિસ્ટમનો ઉપયોગ કરવા છતાં ટેસ્ટની કોઇ વિશ્વસનીયતાહે નહીં.
હાલ બિહારમાં આવા છબરડા અને ગોટાળા બહાર આવ્યા છે અને દેશના બીજા ભાગોમાં આવુ નહીં જ થતું હોય તેવું કહી શકાય તેમ નથી. આપણા સરકારી તંત્રોના કર્મચારીઓની આવી બાબતોમાં મથરાવટી મેલી છે અને તે જોતાં આવી શંકાઓ થવી વાજબી છે. ટેસ્ટોની બાબતમાં છબરડાઓ અને ગેરરીતિઓ થતી અટકાવવા ખાસ કરીને રાજ્ય સરકારોએ પુરતી સતર્કતા દાખવવાની જરૂર છે. બિહારમાં કોરોના ટેસ્ટની બાબતમાં બહાર આવેલા છબરડાઓ આંખ ઉઘાડનારા છે.