World

અમેરિકામાં શિયાળુ તોફાનનો તરખાટ: ટેકસાસમાં અંધારપટ

અમેરિકામાં ફરીથી એક શિયાળુ તોફાન ત્રાટક્યું છે અને આ વખતે તેનો વ્યાપ ઘણો વધારે છે જેમાં મિડવેસ્ટથી માંડીને છેક દૂર દક્ષિણના વિસ્તારો તેની અડફેટે આવી ગયા છે અને દક્ષિણી રાજ્ય ટેક્સાસમાં તો કટોકટી જાહેર કરવી પડી છે.

રવિવારથી શરૂ થયેલા આ શિયાળુ તોફાને અમેરિકાના ઘણા મોટા વિસ્તારમાં બરફની ચાદર પાથરી દીધી છે. ભારે બરફવર્ષા અને અત્યંત નીચા તાપમાનને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાઇ ગયું હતું અને સ્થાનિક સમય પ્રમાણે રવિવારે સાંજે ઓકલોહોમા નજીક લપસણા માર્ગ પર અનેક વાહનો એકબીજા સાથે ભટકાઇ પડ્યા હતા જેમાં કેટલાક વાહનોને તો આગ પણ લાગી ગઇ હતી.

આ અકસ્માતમાં અનેક લોકો ઇજા પામ્યા હતા. અધિકારીઓએ જો કે કેટલા લોકો ઇજા પામ્યા અને કેટલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તેની વિગતો આપી ન હતી. બરફના તોફાનને કારણે ટેકસાસમાં તો સ્થિતિ એટલી હદ બગડી ગઇ હતી કે પ્રમુખ જો બિડેને પોતે આ રાજ્યમાં કટોકટી જાહેર કરી હતી અને ખાસ સહાયની જાહેરાત કરી હતી.

તોફાની પવનો અને સખત બરફ વર્ષા વચ્ચે અહીં અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાવાની ઘટનાઓ બની હતી. અનેક પાવર ગ્રીડ વીજ પુરવઠો ફરી બહાલ કરવા પ્રયાસો કરી રહ્યા હતા પણ સ્થાનિક સમય પ્રમાણે સોમવારે સવારે ટેક્સાસના એક મોટા ભાગમાં અંધારપટ છવાઇ ગયો હતો અને ૨૩ લાખ લોકો વીજળી વિહોણા બની ગયા હતા.

આ શિયાળુ તોફાનને કારણે અમેરિકાભરમાં સંખ્યાબંધ ફ્લાઇટો રદ કરવી પડી હતી અને માર્ગ વાહનવ્યવહારને પણ વ્યાપક અસર થઇ હતી. ઠેર ઠેરથી માર્ગ અકસ્માતોના અહેવાલ મળ્યા હતા. એક અહેવાલ મુજબ ૧૨૦ જેટલા અકસ્માતો આ તોફાનને કારણે થયા છે. અમેરિકાભરમાં ૨૦ કરોડ જેટલા લોકોને આ તોફાનથી અસર થઇ છે અને હજી તો હવામાન સેવાએ અનેક વિસ્તારોમાં ૮થી ૧૨ ઇંચ જેટલો બરફ પડવાની આગાહી કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top