Gujarat

ધો. 12નું રિઝલ્ટ જાહેરઃ સાયન્સનું 83.51, કોમર્સનું 93.07, A1 ગ્રેડમાં સુરતનો ડંકો

વિદ્યાર્થીઓની આતુરતાનો આખરે અંત આવ્યો છે. વહેલી પરિક્ષા પુરી થયા બાદ આ વખતે બોર્ડના વિદ્યાર્થીઓએ રિઝલ્ટ માટે ઘણી લાંબી રાહ જોવી પડી છે. જોકે, ધીરજના ફળ મીઠાં તેમ પરિણામ સારું આવતા સ્ટુડન્ટના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા છે.

આજે તા. 5 મે 2025ના રોજ ગુજરાત બોર્ડ દ્વારા ધો . 12 અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સાયન્સનું 83.51 ટકા અને કોમર્સનું 93.07 ટકા પરિણામ આવ્યું છે. સાયન્સનું ગયા વર્ષની સરખામણીએ 1.0 ટકા વધુ જ્યારે કોમર્સનું ગયા વર્ષ કરતા 1.14 ટકા પરિણામ વધુ આવ્યું છે.

સાયન્સમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો ટોપ પર રહ્યો છે. ગયા વર્ષે પણ આ જિલ્લાએ બાજી મારી હતી. તો કોમર્સમાં અંગ્રેજી માધ્યમમાં 93.97 ટકા પરિણામ જ્યારે ગુજરાતી માધ્યમનું 93.7 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77 ટકા પરિણામ આવ્યું છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 194 સ્કૂલોએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. જ્યારે 34 સ્કૂલોએ 10% કરતાં ઓછું પરિણામ મેળવ્યું છે. 831 વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે. 8093 વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપનું પરિણામ 91.90 ટકા, B ગ્રુપનું પરિણામ 78.74 અને AB ગ્રુપનું પરિણામ 73.68 છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સ્પ્રેડ, વાગંધરા, ચંદ્રલા, છાલા, લીંબોદ્રા અને મીઠાપુર છે જ્યાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ખાવડામાં 52.56 ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા 97.20 ટકા છે. સૌથી ઓછું પરિણામ દાહોદ અને વડોદરા જિલ્લામાં 87.77 ટકા છે.

સમગ્ર રાજ્યમાં સૌથી વધુ A-1 રેન્ક સુરતમાંથી, 247 સ્ટુડન્ટ્સે ટોપ કર્યું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્ય માટે કુલ પરિણામ 83% રહેતાં વિદ્યાર્થિ​ઓએ સારું પ્રદર્શન કર્યું છે. જોકે, સુરત શહેર જિલ્લાએ ફરી એકવાર પોતાની પ્રતિભા સાબિત કરી છે.

સુરત શહેર જિલ્લામાં ધોરણ 12 સાયન્સનું પરિણામ 86% જેટલું રહ્યું છે, જે રાજ્યના સરેરાશ કરતા ઊંચું છે. ખાસ વાત એ છે કે રાજ્યભરમાં કુલ 831 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ (ટ્રીપલ ડિજિટમાં માર્ક્સ) મેળવ્યા છે, જેમાંથી માત્ર સુરત શહેરથી જ 247 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

અન્ય કોઈ પણ જિલ્લામાં ત્રિપલ ડિજિટમાં A-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા નોંધાઈ નથી. એટલે કે, રાજ્યના અન્ય જિલ્લાઓ હજુ પણ સુરતની સમક્ષ દૂર છે. સુરતનો આ પડકારજનક પ્રદર્શન શિક્ષણ ક્ષેત્રે શહેરની આગવી ઓળખ રજુ કરે છે.

વિશેષજ્ઞોનું માનવું છે કે સુરત શહેરમાં શિક્ષણ સંસ્થાઓની ગુણવત્તા, વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક ભાવના અને વાલીઓ તથા શિક્ષકોનો સહયોગ એ સમગ્ર સફળતાનું મુખ્ય કારણ છે.

2005 સ્કૂલોનું 100 ટકા પરિણામ
આ વર્ષે રાજ્યની 2005 સ્કૂલોએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. 21 સ્કૂલોએ 10% કરતાં ઓછું પરિણામ મેળવ્યું છે. તો વિદ્યાર્થીઓનું પરિણામ 90.78 ટકા આવ્યું છે. જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 95.23 ટકા આવ્યું છે. વિદ્યાર્થિનીઓ વિધાર્થીઓ કરતા 4.45 ટકા આગળ છે.

માર્કશીટ માટે શાળા તરફથી જાણ કરાશે
વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અને SR શાળામાં મોકલવા અંગેની જાણ પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરાશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

Most Popular

To Top